ભુજ, તા.8 : નવા વર્ષના પહેલા દિવસથી શરૂ થયેલી માર્ગ સલામતી
મહિનાની ઉજવણીના ભાગરૂપે અહીંની માર્ગ પરિવહન અધિકારીની કચેરી (આરટીઓ) દ્વારા વાહન
ચલાવવામાં જેમની સંખ્યા વધુ દેખાય છે તેવા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે નગરની વિવિધ
કોલેજો અને ગુરૂકૂળમાં જાગૃતિ ચર્ચા તથા જાગૃતિ પરિસંવાદ જેવા કાર્યક્રમો યોજવામાં
આવ્યા હતા. આરટીઓ પ્રદીપસિંહ વાઘેલા ઉપરાંત તેમના સાથી અધિકારીઓ અને ઈન્સ્પેક્ટર્સની
ટીમ દ્વારા અહીંની અદાણી નર્સિંગ કોલેજ, એનસીસી કેડેટ્સ, એસ.વી. કોલેજ, માંડવી, જે.બી.
ઠક્કર કોમર્સ કોલેજ, ભુજ અને સ્વામિનારાયણ ગુરૂકૂળ બળદિયા ખાતે માર્ગ સલામતી જાગૃતિ ચર્ચા? જ્યારે મા આશાપુરા
શાળા ભુજ ખાતે માર્ગ સલામતી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર
અને ચર્ચા દરમ્યાન છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમને સલામતીના નિયમોની
જાણકારી આપવા સાથે ડ્રાઈવિંગ લાયસન્સની અગત્યતા અને દ્વિચક્રી ચલાવતી વખતે હેલમેટની
જરૂરત સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત વક્તાઓએ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી શા માટે
જોખમી છે તેનાં કેટલાંક ઉદાહરણો આપવાની સાથે પ્રવર્તમાન નિયમો મુજબ વાહન ચલાવાય તો
ચાલક અને રાહદારી સહિત બંનેના જીવનનું રક્ષણ થઈ શકે તેમ હોવાનું જણાવી નિયમપાલન કરવાની
તાકીદ કરી હતી.