• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

જન્મ-લગ્નદિને સાચી ગાયની ભેટ આપો

પ્રાગપર, (તા. મુંદરા), તા. 8 : `જન્મદિવસ,  લગ્ન -પુણ્યતિથિના ગાયની ભેટ આપો, સરોવર-તળાવનું નિર્માણ કરો, વધુને વધુ વૃક્ષો વાવો, કતલખાને જતાં પશુ બચાવો, માવતરની સેવા-ચાકરીમાં પાછા ન પડો અને ગાય-અબોલ પશુ-પક્ષીની સેવા અનંત જન્મો સુધી કામ આવશે' એવો સંદેશ સંતો અને ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના વક્તાઓએ અહીં એન્કરવાલા અહિંસાધામ ખાતે યોજાયેલા બે દિવસ સંમેલનમાં વ્યક્ત કર્યો હતો.  ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર ખાતે યોજાયેલા બેદિવસીય સંમેલનના દ્વિતીય દિવસે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા તેમજ તોપચી અને કારગિલ યુદ્ધમાં દુશ્મનોના દાંત ખાટા કરનારા અને હવે દિવ્યાંગ સૈનિકો માટે કામ કરતા નાયક દીપચંદ પંચગામીનું આહિંસા એવોર્ડથી સન્માન કરાયું હતું. આરંભે સંત નમો અરિહંતાણમ્ મ.સા.એ આશિર્વચનમાં કહ્યું કે, ગાયની સેવામાં આશીર્વાદનો ખજાનો છે. આહિંસાધામ એ મહાન તીર્થધામ છે. સમારોહ પ્રમુખસ્થાનેથી જયંતીલાલ જીવરાજ શાહે કહ્યું કે,  દરેક જણ એક જાનવરને કતલખાને જતાં છોડાવવાનો સંકલ્પ લે અને એક પશુને દત્તક લે. જ્ઞાન ફાઉન્ડેશનના રાકેશ પાંડેએ જીવ જોખમમાં મૂકીને 2000થી વધુ ગૌવંશને બચાવનાર કવિતા જૈનની સાહસની પ્રેરણાત્મક વાત કરી હતી. આસ્થા ચેનલના માર્કાટિંગ હેડ અરાવિંદ જોશીએ દેશમાં 31 કરોડ પશુ સંખ્યા સામે માત્ર 12000 પશુ હોસ્પિટલ છે, જે વધારવા અને દેશભરમાં આહિંસાધામ જેવા સ્થાનનું સૂચન કર્યું હતું. કુષ્ઠરોગ નિવારણ સમિતિના ડો. કુમુદ અનિલ જોશીએ નિસર્ગોપચાર એ અધ્યાત્મ અને સંસ્કાર શાસ્ત્ર હોવાનું કહીને પોતે કેવી રીતે યાદશક્તિ પાછી મેળવી તથા કુષ્ઠરોગથી મુક્તિ શક્ય છે તેની વાત કરી હતી. એવોર્ડ વિજેતા દીપચંદભાઈ નાયકે જોશીલા વક્તવ્યમાં કારગિલમાં ખેલાયેલા સનસનીખેજ  જંગની રૂંવાડા ઉભા કરી દેતી વાત રજૂ કરીને જણાવ્યું કે, આ સન્માન એક સૈનિકનું નહીં, સમગ્ર સેનાનું છે. સદભાવના આશ્રમના વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, અમારો આશ્રમ એવા માવતર માટે છે જેમની પાસે ખાવાનું નથી, મૃત્યુની રાહ જુએ છે. 600 વડીલ આશરો લે છે, એમાંથી 200 તો એવા છે જે પથારીમાં જ છે. હવે અમે પરિવારમાં કોઈ કમાવાવાળું ન હોય એવા યુવાન-યુવતીઓને પણ સાચવશું. વૃક્ષારોપણ ઝુંબેશમાં 150 કરોડ વૃક્ષ વાવીને ભારતને હરિયાળું બનાવવાનો સંકલ્પ છે. ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર કચ્છની ધરતીમાં એટલી તાકાત છે કે, દેશને અનાજ પૂરૂં પાડી શકે પણ પાણી સંગ્રહ વધારવો જોઈએ. એ માટે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે. જન્મદિને તળાવ બનાવો. સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્ર સંગોઈએ કહ્યું કે, આહિંસાધામ મૂક પ્રાણીઓનો અવાજ છે. ગાયનું દૂધ એ અમૃત છે. ધર્મ અને સેવા એ રથના બે પૈડાં છે, જે સાથે ચાલવાં જોઈએ. આ પહેલાં પ્રમુખ હરેશ વોરાએ આવકાર આપ્યો હતો. તમામ સત્રોનું સંચાલન અમૃત નિસરે કર્યું હતું.  આ પહેલાં, પ્રથમ દિવસે સાંજે નંદી સરોવર ખાતે મોટી સંખ્યામાં લોકોએ ગૌસેવા, જળ સરોવર નિર્માણ, બીજ બેંક જેવી સંસ્થાની પ્રવૃત્તિઓ નિહાળ્યા બાદ યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખસ્થાનેથી ગોપાલ નમકીનનાં યુવા ડાયરેક્ટર શિવાંગીબેન રાજ હદવાણીએ જણાવ્યું કે, પરિવારમાં નાનપણથી ગૌસેવા જોઈ છે અને લગ્ન પણ એવા જ પરિવારમાં થયાં કે, લગ્નમાં મહેમાનોને સાચી ગાય ભેટમાં અપાઇ. જન્મદિનમાં ગાયની ભેટ આપવાની પ્રથાનું પણ સૂચન કર્યું હતું. ઘાટકોપરના જીવદયાપ્રેમી પંકજ ધનજી છેડાએ સંસ્થાને સહકારની ખાતરી ઉચ્ચારી હતી. બાંદ્રાના નિકુંજ ખીમજી ગાલાએ મુંબઈમાં 576 બીમાર ગાયની કઈ રીતે સેવા થઈ રહી છે તેની વિગત આપી, ગૌસેવામાં ધન સાથે સમયદાનને મહત્ત્વનું ગણાવ્યુ હતું. ભુજપુરના ડો. કનૈયાલાલ રાસ્તેએ કચ્છમાં પક્ષીઓની યાત્રા તેમજ નંદી સરોવરમાં દેખાયેલી વિશિષ્ટ પક્ષીઓની જાતની જાણકારી આપી હતી. શેરડી ગૌ પ્રાકૃતિક ખેડૂત સંગઠનના સુનીલ શામજી હરિયાએ ભારતમાં ઘટતી જતી ખેતી અને જમીનમાં વધતા કાર્બનનાં પ્રમાણની આંકડાકીય વિગતો સાથે છણાવટ કરીને શેરડી ગામમાં ગાય આધારિત ખેતીથી ચાલતાં સફળ અભિયાનની ગાથા રજૂ કરી હતી. મંચસ્થ અતિથિ રાજેશભાઈ શાહ, હંસરાજ શિવજી ગડા, બકુલેશભાઈ,  વિમલભાઈએ સંસ્થાની પ્રવૃત્તિ બિરદાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd