• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

કેરા-કુન્દનપર શિક્ષણ ટ્રસ્ટને રૂા. 21 લાખનું દાન

કેરા, (તા. ભુજ), તા. 8 : જ્યાં 31 ગામોના મધ્યમવર્ગીય 1345 છાત્ર-છાત્રાઓ ભવિષ્ય ઘડી રહ્યા છે તેવા કેરા-કુન્દનપરના લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટને નૂતન ભૂમિ માટે મૂળ સામત્રાના આફ્રિકાવાસી દાતા દ્વારા 21 લાખ જેટલી માતબર રાશિ દાન અપાતાં ચેક અર્પણ કરાયો હતો. નારણપર (રાવરી)ના અગ્રણી અને કચ્છી લેવા પટેલ સમાજના મોભી અરજણભાઇ ગાંગજી પિંડોરિયા (પૂર્વ છાત્ર)ની પ્રેરણાથી દાતા કે.કે. પટેલ, ધનબાઇ, પુત્ર દીપકભાઇ, પુત્રવધૂ અમરતબેન સમગ્ર પરિવાર દ્વારા વતનના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે  અપાયેલા દાનની અર્પણવિધિ થઇ હતી. સંસ્થાની મુલાકાત બાદ લાગુની સવા ત્રણ એકર ભૂમિ કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે તાજેતરમાં ખરીદી હતી અને મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામીના હસ્તે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં 23 વર્ષ સુધી મહંત રહેલા કચ્છી સંત ધર્મજીવનદાસજી સ્વામીનું પ્રેરણા સ્મારક પૂર્વ છાત્ર વંદના સાથે અર્પણ કરાયું હતું. સદવિદ્યા પર્વ ઉજવણી બાદ પણ દાનનો પ્રવાહ અવિરત રાખતાં દાતાઓએ સરસ્વતી મંદિર પર લક્ષ્મીજીનો અભિષેક કરતાં આ દાન અર્પણ કરાયું હતું. ટ્રસ્ટ વતી મંત્રી વસંત પટેલે 21 લાખ રૂપિયાનો ચેક સ્વીકારતાં દાતા પરિવાર પ્રત્યે આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ દરમ્યાન અઢી કરોડ જેટલું દાન જાહેર થયું હતું. ભૂમિદાતા ગામ નારાણપરના `દરબાર' ધનજીભાઇ કરશન વરસાણીએ ધર્મપત્ની વેલીબેનના નામકરણ માટે 71 લાખ જેટલું માતબર દાન જાહેર કરી તકતી અનાવરણ કરી હતી. કે.કે. પટેલના શિક્ષણ સૌંદર્યને અગ્રણી નવિન પાંચાણી, રવજી કેરાઇ, યુવા અધ્યક્ષ દેવેન્દ્રભાઇ વાઘજીયાણી, ઉપાધ્યક્ષ ડો. દિનેશ પાંચાણી, શૈલેષ ભુવા, મુકેશભાઇ વેકરીયા, વિનોદ કેરાઇ સહિતની સમગ્ર કમિટીએ બિરદાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd