વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 8 : જો
કે, દેશના કોઇ પણ જિલ્લા કે રાજ્યના બિનનિવાસી ભારતીયોએ માતૃભૂમિ સાથેનો નાતો જાળવી
રાખ્યો છે, પણ જેટલી ત્વરા કચ્છી એન.આર.આઇ.એ રાખી છે તે ભાગ્યે જ જોવા મળે તેવી છે. માંડવીના ભાટિયા, જૈનો, ચોવીસીના કણબીએ
અવિરત આરોગ્ય, શિક્ષણની માવજત લીધી છે, લઇ રહ્યા છે. એટલે કહી શકાય કચ્છીઓનું પ્રદાન
મુઠ્ઠીઊંચેરું છે અને બારેમાસ પ્રવાસી ભારતીય દિવસ છે. જો કે, અમુક સમયથી એન.આર.આઇ.
દાતાઓના ઔદાર્યનો લાભ ઉઠાવી મુઠ્ઠીભર તત્ત્વો ઉછીનાં નાણાં પરત ન આપી કોર્ટ સુધી લઇ
જવાના બનાવો પણ બન્યા છે. ખીમજી રામદાસ, ગોકુળદાસ તેજપાલ, ધીરબાઇ તેજપાલ, ત્રણ ટુકર
પરિવાર સહિત માંડવીમાં શિક્ષણ ક્ષેત્રે ભાટિયા દાતાઓનું પ્રદાન એક સદી પહેલાંનું છે.
તાલુકાના ગ્રામ્ય છાત્ર-છાત્રાઓનું ભવિષ્ય ઘડનાર બિનનિવાસી કચ્છીઓને કદાચ નવી પેઢી
પરિચિત પણ નહીં હોય, માંડવી કાંઠા પરનું ગોકુલ રંગભવન જોઇ લ્યો. ન માત્ર શિક્ષણ-આરોગ્ય,
પરંતુ કળા, સાહિત્ય, નાટય ક્ષેત્રે પણ કામ થયું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ દાયકાઓથી
કચ્છના ગરીબ દર્દીઓની વહારે છે. મુંબઇ લઇ જઇ મોંઘાં ઓપરેશન મફત કરાવી આપ્યાના દાખલા
ઓછા નથી. હવે તો અમેરિકામાં સ્થાયી કચ્છીઓ ત્યાંના કોન્સલ જનરલને દેશમાં લઇ આવે છે.
યુ.એસ.ના તજજ્ઞ તબીબો સારવાર આપે છે. આ કાર્યમાં ન માત્ર મુંબઇ સ્થાઇ જૈનો, પણ વિદેશવાસી
કચ્છીઓની દેન છે. ભુજ તાલુકાના પટેલપટ્ટીના ગામોના હમવતનીઓ સને 1960 પછી વધુ સંખ્યામાં
સાત સમંદર પાર પહોંચ્યા. તે પહેલાં ખીમજી રામદાસ, અલતુર્કીના ગુલાબ શેઠ, ઓમાનની કચ્છી
મૂળની કંપનીઓએ ભારતના કુશળ અને બિનકુશળ કામદારોને અગ્રતા આપી નાતો નિભાવ્યો છે. અમેરિકાના
વિજય છેડાએ અમેરિકા સ્થિત કચ્છી અગ્રણીઓ, ડોકટરોની સેવા બિદડા-કચ્છ માટે ઉપલબ્ધ બનાવી
છે. કો જૈનાના ડો. ધીરજ છેડાનું યોગદાન નોંધનીય છે. ડો. નવીન મહેતાએ વતન કચ્છને મદદ
કરી છે. નારાણપરના રમેશ પટેલ વિકસિત દેશોમાં
તજજ્ઞ તબીબ બન્યા પછી કચ્છને હંમેશાં મધ્યમાં રાખ્યું છે. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન
હતા ત્યારે દેશના સર્વશ્રેષ્ઠ એન.આર.આઇ. તરીકે કચ્છના કનક શેઠની પસંદગી કરેલી તે બતાવે
છે કે આ સરહદી જિલ્લો બારેમાસ પ્રવાસી ભારતીય દિવસ ઊજવી રહ્યો છે. કનકશેઠ અને પછી એમના
ભાઇ અનિલભાઇ શેઠને ઓમાનના સુલતાને શેખનો ઇલ્કાબ આપ્યો છે. ઇ.સ. 1995 પછી `જીવાદોરી' નર્મદા બોન્ડની મુખ્યમંત્રી કેશુભાઇની
અપીલને માન આપી વિશ્વબેંકની લોન માટે વિદેશી મુદ્રા ભંડોળ સાથે કચ્છીઓએ સાથ આપ્યો.
આર્થિક પરિવર્તનના દોરમાંથી પસાર થતા રાષ્ટ્રને વિદેશી ભંડોળની જરૂર પડી ત્યારે પોતાની
બચત દેશમાં રોકી સાથ આપ્યો હતો. પ્રથમ કેન્યાટ્ટા, માઉ માઉ ચળવળ બાદ આફ્રિકાના કેન્યા
દેશે કચ્છીઓનું ભાગ્ય પલટયું. આજે કચ્છમાં માતૃશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ,
કે. કે. પટેલ હોસ્પિટલ, સહજાનંદ રૂરલ હેઠળ વાંચન પરબ, ફરતી એમ્બ્યુલન્સ શરૂ કરી ફોટડીના
કેશુભાઇ ભુડિયા, કાનજીભાઇ બંધુઓએ પહેલ કરી જેમાં કરશન પ્રેમજી ભુડિયા પરિવર્તક રહ્યા.
નાઇરોબીમાં કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરે મુંબઇમાં વિશ્રાંતિ ભવન, ભુજમાં સ્વામિનારાયણ
બોર્ડિંગ, બળદિયામાં કરશન ગોપાલ જેસાણી હોસ્પિટલ બાંધવામાં નિમિત્ત બન્યા. ભુજ સ્વામિનારાયણ
મંદિરના સંતોએ કચ્છીઓને માદરે વતન સાથે જોડી રાખવા આપેલું પ્રદાન કચ્છ ક્યારેય ભૂલી
શકશે નહીં. અચ્યુતાનંદ સ્વામીથી લઇ મોરલીમનોહર સ્વામી, ધર્મજીવન સ્વામી, બળદિયાના અબજીબાપા
સહિત અનેક ત્યાગીઓ યશાધિકારી છે, તો કચ્છ -ભારાસરના પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીએ પણ
વિદેશવાસી કચ્છીઓને વતનમાં મોટા સેવાકાર્યો કરાવ્યાં. જો કે, સૌથી વધુ અને ઐતિહાસિક
પ્રદાન વર્તમાન મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીનું છે તેમા બે મત નથી. છારોડીના માધવપ્રિય
સ્વામી પ્રેરક રહ્યા. તેમના સેવાકાર્યેનું કેન્દ્ર અમદાવાદ અને સૌરાષ્ટ્ર રહ્યું છે.
આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એસજીવીપીનું પ્રદાન મોટું છે. કચ્છમાં જળસંચયનાં કાર્યોમાં
લક્ષ્મણ બાપા (બળદિયા) સદૈવ યાદ રહેશે. દુબઇમાં યોગેશભાઇ દોશી અને અશોકભાઇ દોશી શાંતિ
ફાઉન્ડેશનના નેજા હેઠળ કચ્છમાં હૃદયરોગ નિવારણ, પર્યાવરણ, શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર
યોગદાન આપતા રહ્યા છે. કચ્છી લેઉવા સમાજની દીકરીઓ માટે 25 વર્ષ નિ:શુલ્ક શિક્ષણનું
પ્રદાન હસુભાઇ ભુડિયાનાં નામે છે, તો સુપર સ્પેશિયાલિટીની આત્મનિર્ભરતા કે. કે. પટેલ,
સામજીભાઇ દબાસિયા જેવા દિગ્ગજ પ્રવાસી ભારતીયોનાં કારણે છે. હિન્દુ પ્રવૃત્તિ માટે
મૂળજીભાઇ પિંડોરિયા છે, તો શિક્ષણ માટે આર. ડી. વરસાણીની પહેલ છે. મોટી સર્જરી નિ:શુલ્ક
કરવાની સંસ્કૃતિ કે. કે. જેસાણીનાં કારણે વવાઇ હતી. આ વાત વ્યક્તિગત થઇ તેમાં અમુક
નામ હશે, જે આ ક્ષણે છૂટી પણ ગયા હશે, તેમ છતાં એટલું તો નિશ્ચિત છે કે, કચ્છના કણબી
બિનનિવાસી પ્રવાસી ભારતીયોના બાહુલ્ય દાનથી ગુરુકુળો-નિશાળોનાં માધ્યમે સર્વજ્ઞાતીય
10 હજારથી વધુ છાત્ર-છાત્રાઓ લાભાર્થી છે અને વાર્ષિક પાંચ લાખ દર્દીઓને રાહતદરે આરોગ્ય
માટે નિમિત્ત છે. કુદરતી - માનવસર્જિત આપત્તિઓમાં દોડી અવાનાર બિનનિવાસીઓના વતનપ્રેમને
વંદન છે. બિનનિવાસીઓ બેંકમાં વિદેશી મુદ્રા ભંડાર માટે યશભાગી તો છે, પણ સાથે વતનમાં
જમીનોમાં રોકાણ કરી અર્થતંત્રને બળ આપે છે. આવી પ્રવૃત્તિમાં સ્થાનિકોને સાથ આપ્યા
પછી હાથ દાઝ્યાના બનાવો પણ સહન કરે છે. મૂડી ડૂબાડવાથી લઇ દાતાઓને કોર્ટ કચેરી સુધી
ઘસડી જવાય છે તેવું પણ અમુક કિસ્સામાં બને છે. સરહદે આર.એસ.એસ.ની પ્રવૃત્તિઓને સાથ
આપનાર પણ એનઆરઆઇ છે, તો ગામડાંમાં નાની નિશાળોમાં શૈક્ષણિક સામગ્રી પણ આપનાર છે. અવાડા,
નીરણ, બાલમંદિરથી લઇ ગૌરક્ષણ પણ સેવાના સાક્ષી છે. પેઢી દર પેઢી આ પ્રવૃત્તિ અવિરત
છે, જેમાં બિનનિવાસી મહિલાઓ મોખરે છે. અધધધ પ્રકારની સેવાપ્રવૃત્તિ ન માત્ર સ્વજ્ઞાતીય,
પણ કચ્છની તમામ સંસ્થાઓને પોષનાર છે. આ ઉદાત્ત ભાવના માત્ર ને માત્ર વતનપ્રેમનાં કારણે
છે. આજે પ્રવાસી ભારતીય દિવસે તમામ વિદેશવાસી હમવતનીઓને અભિનંદન સહ આભાર.