• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

હિન્દુ સમાજને રાષ્ટ્રસેવા કરવા અનુરોધ

ભુજ, તા. 25 : કોટડા ચાંદ્રાણી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ, હિન્દુ સમાજના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. યોગી દેવનાથ બાપુએ આશીર્વચનમાં હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ, સંસ્કાર અને સેવાભાવના પર ભાર મૂક્યો હતો. ભરત ડાડાની ઉપસ્થિતિ રહી હતી. મુખ્ય વક્તા તરીકે  ધર્મેન્દ્રભાઈ ભવાની ધર્મ પ્રસાર (કેન્દ્રીય સહમંત્રી)એ માર્ગદર્શન આપતાં સમાજિક સમરસતા, સંગઠન અને જાગૃતિ અંગે વિસ્તૃત વાત કરી હતી. હાલના સમયમાં હિન્દુ સમાજ સામે ઊભા પડકારો, એકતાની આવશ્યકતા અને સમાજને સંગઠિત રાખવાની જરૂરિયાત અંગે વિચારો રજૂ કર્યા હતા. સમાજમાં એકતા, સહયોગ અને સમરસતા જાળવીને રાષ્ટ્રસેવા માટે કાર્ય કરવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું. દીક્ષા દરમિયાન કાર્યકર્તાઓએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ, સમાજના હિત અને રાષ્ટ્રસેવાના માર્ગે અડગ રહેવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. વક્તાઓએ ત્રિશૂલને  શૌર્ય, શિસ્ત અને આત્મરક્ષણના પ્રતીક તરીકે વર્ણવ્યું હતું. કચ્છ વિભાગના બજરંગ દળ સંયોજક દિનેશભાઈ ડાંગર દ્વારા કાર્યકર્તાઓને શપથ લેવડાવવામાં આવ્યા. કાર્યકર્તાઓએ હિન્દુ સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રસેવાના કાર્ય માટે સદૈવ કટિબદ્ધ રહેવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંચાલન મહાદેવ વીરા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કિશનભાઈ હુંબલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિભાગ સહમંત્રી દિનેશ ગજ્જર, ધનજીભાઈ ઢીલા, જયેન્દ્રભાઈ, અંજાર પ્રખંડના અધ્યક્ષ ધનજીભાઈ ચૈયા, પ્રખંડ મંત્રી ભાવિકભાઈ , જિલ્લા સહમંત્રી શામજીભાઈ, નાજાભાઈ, વિક્રમ ડાંગર, અનિલ રાવલ, રણછોડ ડાંગર, કુનાલ હુંબલ તેમજ વિશ્વ હિંદુ પરિષદ - બજરંગ દળના અંજાર પ્રખંડના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કોટડા ગામના ગ્રામજનોએ વ્યવસ્થા સંભાળી હતી.

Panchang

dd