નવી દિલ્હી,
તા. 25 : પૂર્વ
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી
જયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લખનઉમાં 65 એકરમાં ફેલાયેલાં 230 કરોડ
રૂપિયાના ખર્ચે નિર્મિત રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે `પરિવારવાદ' પર પ્રહાર કરવા સાથે મોદીએ કહ્યું
હતું કે, કાશ્મીરમાં કલમ 370ની દીવાલ તોડી પાડવાનો ગર્વ છે. વડાપ્રધાને જણાવ્યું
હતું કે, પહેલાં એક જ પરિવારની પ્રતિમાઓ મુકાતી હતી. આજે દરેક વિભૂતિને
સન્માન મળી રહ્યું છે. આઝાદી પછી પણ તમામ ઉપલબ્ધિઓ એક જ પરિવારનાં નામ પર હતી. ભાજપે
દેશમાં દરેકનાં યોગદાનને સન્માન આપ્યું, તેવા પ્રહારો તેમણે વિપક્ષી
સરકારો પર કર્યા હતા. એક શાહી પરિવારે બાબાસાહેબ આંબેડકરનો ઉલ્લેખ એટલા માટે કર્યો
કે, તેમને પોતાનું મહત્ત્વ ક્યાંક ઓછું ન થઇ જાય, તેનો ભય હતો. પ્રદેશમાં સપાએ પણ એક જ કામ કર્યું તેવા પ્રહારો મોદીએ કર્યા
હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસે ભાજપને અછૂત બનાવી
રાખવાનું કામ કર્યું, પરંતુ ભાજપના સંસ્કાર સૌને સન્માન આપવાના
છે. અમારી સરકારે પ્રણવ મુખરજીને ભારતરત્નથી સન્માનિત કર્યા, તો મુલાયમસિંહ યાદવનું પણ સન્માન કર્યું, પરંતુ સપા-કોંગ્રેસે
આંબેડકરનું અપમાન કર્યું, તેવું મોદીએ કહ્યું હતું. કોઇ નહીં
ભૂલી શકે કે, શાહી પરિવારે બાબાસાહેબ આંબેડકરના વારસાને ભૂંસવાનો
પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરલ વારસો ભાજપે ભૂંસાવા નથી દીધો,
તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
`રાષ્ટ્ર પ્રેરણા સ્થળ' પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખરજી તેમજ
અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓ મુકાઇ છે. દરેક પ્રતિમાની ઊંચાઇ 65 ફૂટ અને વજન 42 ટન
છે.