નવી દિલ્હી, તા. 27 : એક
તરફ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં દુનિયાભરથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા
છે, તે વચ્ચે
પાંચ વર્ષે ચીને ભારતને ભેટ આપી હતી. વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે,
ભારત અને ચીન વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટો બાદ કૈલાસ માનસરોવર
યાત્રા ફરીથી શરૂ કરવા નિર્ણય લેવાયો છે. તે સિવાય હવાઈયાત્રા ફરી શરૂ કરવા અંગે
પણ સહમતી સધાઈ હતી. એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ સચિવ વિક્રમ
મિસ્રીએ જણાવ્યું હતું કે, બંને દેશના વિદેશ સચિવ-ઉપવિદેશ
મંત્રી વચ્ચે 26-27 જાન્યુઆરીએ બીજિંગ ખાતે મળેલી
બેઠકમાં બંને પક્ષે માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા ફેંસલો લેવાયો છે. તે ઉપરાંત
બંને દેશ વચ્ચે ફરીથી હવાઈયાત્રા શરૂ કરવા સૈદ્ધાંતિક સહમતી સધાઈ હતી. આ બેઠક બાદ
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,
બંને દેશ વચ્ચે મહત્ત્વપૂર્ણ સહમતીઓને ઈમાનદારીથી લાગુ કરવા
પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી. નોંધનીય છે કે, 2020માં ડોકલામ સેના વિવાદ બાદથી
બંને દેશ વચ્ચે સંબંધો વણસ્યા હતા,
તે પછીથી કૈલાસ માનસરોવર યાત્રા બંધ કરી દેવાઈ હતી, જે પછી 2025માં મહાકુંભ વેળાએ યોજાયેલી
મહત્ત્વપૂર્ણ બેઠકમાં યાત્રા ફરી શરૂ કરવા અંગે ફેંસલો લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ઓક્ટોબર મહિનામાં કજાનમાં મળ્યા હતા,
ત્યારે બન્ને દેશ વચ્ચેના પરસ્પરના સંબંધોની સ્થિતિ ઉપર ચર્ચા થઈ
હતી અને સંબંધોને સારા બનાવવા માટે અમુક પગલાં ભરવા સહમતી થઈ હતી. કૈલાસ
માનસરોવરનો મોટાભાગનો વિસ્તાર તિબેટમાં છે. તિબેટ ઉપર ચીન પોતાનો અધિકાર બતાવે છે.
કૈલાસ પર્વત શ્રેણી કાશ્મીરથી ભુતાન સુધી ફેલાયેલી છે. લ્હા ચૂ અને ઝોંગ ચૂ નામની
બે જગ્યા વચ્ચે એક પહાડ છે. આ પહાડના બે જોડાયેલા શિખર છે.