દહેરાદૂન, તા. 27 : દેશનાં
પર્વતીય રાજ્ય ઉત્તરાખંડના ઈતિહાસમાં સીમાચિહ્ન સમાન બદલાવ રૂપે આખરે સોમવારે સમાન
નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરી દેવાઈ હતી. આ સંહિતા અમલી કરનાર ઉત્તરાખંડ દેશનું
પ્રથમ રાજ્ય બન્યું છે. આ સંહિતાના અમલીકરણની સાથે જ હવેથી રાજ્યમાં બહુપત્નીત્વ, હલાલા, ત્રણ તલાક જેવી પ્રથાઓ પણ સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરાશે. સમાન નાગરિક
સંહિતના એલાન સાથે જ મુસ્લિમ સંગઠનોમાં નારાજગી સામે આવી હતી. જમિયત
ઉલમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના મહમૂદ અસદ મદનીએ આ સંહિતાને બંધારણમાં અપાયેલી
ધાર્મિક આઝાદી વિરોધી અને લોકતંત્રની હત્યા કરનારી લેખાવતાં વિરોધ કર્યો હતો.
મૌલાના મદનીએ કહ્યું હતું કે, બંધારણના નિર્માતાઓએ પર્સનલ
લોની રક્ષાનું વચન આપ્યું હતું. સરકાર એ વચન ન પાળી તો અમે વિરોધ કરતા રહીશું.
મુખ્યમંત્રી આવાસના મુખ્ય સેવક સદનમાં યુસીસી પોર્ટલનો પ્રારંભ કરાવતાં
મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ
માત્ર ઉત્તરાખંડ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક છે.
સમાન નાગરિક સંહિતા કોઈ ધર્મ કે વર્ગની વિરુદ્ધ નથી. તેનો હેતુ કોઈને નિશાન
બનાવવાનો નથી, પરંતુ સંહિતા સમાજમાં સમાનતા, ન્યાય સુનિશ્ચિત કરશે, તેવું ધામીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 27મી જાન્યુઆરી હવેથી સમાન
નાગરિકતા દિવસ તરીકે ઊજવાશે. સમાન નાગરિક સંહિતા દરેક વર્ગને સમાન અધિકાર આપશે.
મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે,
સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી સમાજમાં સમાનતા, એકરૂપતા આવશે. રાજ્યના બધા નાગરિકોના અધિકારોની સાથોસાથ કર્તવ્ય પણ
સુનિશ્ચિત થઈ શકશે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક દીપમ શેઠે જણાવ્યું હતું કે,
અમે સમાન નાગરિક સંહિતાનો નવો કાયદો લાગુ કરવા તૈયાર છીએ. તેમણે
લોકોને આ સંહિતના સકારાત્મક પાસા સમજવાનું સૂચન કર્યું હતું. મૌલાનાએ એવો આરોપ
મૂકયો હતો કે, સંબંધિત પક્ષો, ખાસ
કરીને મુસ્લિમ લઘુમતી સમુદાયના વાંધાઓની અવગણના કરીને સમાન નાગરિક સંહિતા લાગુ
કરવી એ ન્યાય વિરોધી છે. ભારતના કાયદાપંચે સરકારને સલાહ આપી હતી કે, સંહિતા ઈચ્છનીય નથી. મુસ્લિમ સમુદાય કોઈ આવા કાયદાની પરવા નહીં કરે,
તેવું મૌલાનાએ કહ્યું હતું.