મુંબઈ, તા.19 : દેશના અર્થતંત્ર અને રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા
ભજવતા મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક માટે આવતીકાલે એક જ તબક્કામાં મતદાન થવાનું
છે અને તમામ ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો 23મી નવેમ્બરે જાહેર થશે. તીવ્ર પ્રચાર યુદ્ધની
સાક્ષી બનેલા આ ચૂંટણી જંગમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના
ટુકડા થયા બાદ કુલ 158 પક્ષ ચૂંટણી મેદાનમાં છે. આમાંથી 6 મુખ્ય પક્ષ બે ગઠબંધનનાં
રૂપમાં ચૂંટણી લડી રહ્યા છે. શાસક મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ટક્કર છે. પ્રચારના
અંતિમ દિવસે તમામ મુખ્યપક્ષો અને નેતાઓએ પોતાની
તમામ તાકાત કામે લગાડીને મતદારોને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. શિવસેના(શિંદે) અને એનસીપી(અજીત
પવાર) ભાજપના નેતૃત્વવાળા એનડીએનો ભાગ છે, જ્યારે શિવસેના(ઉદ્ધવ), એનસીપી(શરદ પવાર)
અને કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી (એમવીએ)યુતિનો હિસ્સો છે.
આમ, આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણીમાં અસલી અને નકલી શિવસેના અને એનસીપીનો ફેંસલો જનતાની
અદાલતમાં પણ થવાનો છે. ગત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ અલગ અલગ લડી હતી. ભાજપને
105 અને શિવસેનાને 56 બેઠક મળી હતી. કોંગ્રેસને 44 અને એનસીપીને 54 બેઠકો મળી હતી.
ભાજપ-શિવસેના સરળતાથી સત્તામાં આવી શક્યા હોત, પરંતુ ગઠબંધન તૂટી ગયું હતું. 23 નવેમ્બર,
2019ના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને
અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ બંનેએ ફ્લોર ટેસ્ટ પહેલાં
26 નવેમ્બરે રાજીનામું આપવું પડયું હતું. 28 નવેમ્બરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની
મહા વિકાસ અઘાડી સરકાર સત્તામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા
હતા. લગભગ દોઢ વર્ષ પછી શિવસેનામાં અને એક વર્ષ પછી એનસીપીમાં બળવો થયો હતો અને બે
પક્ષ ચાર પક્ષમાં વહેંચાઈ ગયા હતા. ચૂંટણી
પંચના જણાવ્યા અનુસાર અપક્ષ સહિત વિવિધ પક્ષોના કુલ 4136 ઉમેદવાર મેદાનમાં છે. 297
ઉમેદવાર કલંકિત છે એટલે કે, 629 ઉમેદવારની ગુનાહિત પૃષ્ઠભૂમિ છે. તેમાંથી 412 હત્યા,
અપહરણ, બળાત્કાર વગેરેના ગંભીર કેસો છે. 50 ઉમેદવારે મહિલાઓ સામેના ગુના સંબંધિત કેસો
જાહેર કર્યા છે. 38 ટકા ઉમેદવાર કરોડપતિ છે, જ્યારે 2201માંથી માત્ર 204 મહિલા કરોડપતિ
છે. સરેરાશ સંપત્તિ રૂ. 9.11 કરોડની છે. ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 54 કરોડ
રૂપિયા છે. 26 ઉમેદવારોએ શૂન્ય સંપત્તિ જાહેર કરી છે.