આનંદ કે.વ્યાસ તરફથી : નવી
દિલ્હી, તા. 20 : દેશભરના કરોડો હિન્દુ ભક્તો જ્યાં જઈને આસ્થાભેર માથું નમાવે છે,
તે આંધ્રપ્રદેશનાં તિરૂપતિ મંદિરના લાડુ પ્રસાદમ્ની પવિત્રતા સામે પ્રશ્નાર્થ સર્જતાં
વિવાદ બાદ કેન્દ્રની મોદી સરકાર એકશન મોડમાં આવી ગઈ છે, દેશના આરોગ્યમંત્રી જે. પી.
નડ્ડાએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ ગંભીર મામલે અમે રાજ્ય સરકાર પાસે અહેવાલ માગ્યો
છે. નડ્ડાએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી હતી. સાથોસાથ ફૂડ સેફ્ટી
એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસઆઈ) અહેવાલની તપાસ કરશે. પૂરી તપાસ કરીને
જવાબદાર લોકો સામે કઠોર કાર્યવાહી કરાશે, તેવી ધરપત તેમણે આપી હતી. દરમ્યાન, કેન્દ્રીય
ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીએ પણ આજે જ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના
તિરૂપતિ મંદિરના પ્રસાદમાં જનવરોની ચરબીના
આરોપની તપાસ કરાવવાની માંગ કરી હતી. બીજી તરફ, અન્ય કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહે આ
વિવાદસર્જક પ્રકરણની સીબીઆઈ તપાસ કરે તેવી સલાહ આપી હતી.શું હિન્દુ ધર્મને ખતમ કરવાનું
કાવતરું છે, તેની પણ તપાસ થવી જોઈએ, એટલું
જ નહીં, પરંતુ તટસ્થ તપાસના અંતે દોષી ઠરનારા લોકોને ફાંસીની સજા આપવાની માંગ પણ તેમણે
કરી હતી. વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનના અવસરે પત્રકારો સાથે વાત કરતાં ખાદ્યમંત્રી
પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ જે કંઈ કહ્યું છે, તે
ચિંતાનો વિષય છે. આંધ્રપ્રદેશની વાયએસઆર સરકારે તો વ્યાપક સ્તર પર હિન્દુઓનું ધર્માંતરણ
કરાવવાની પ્રવૃત્તિ પણ કરી હતી, તેવું ગિરિરાજસિંહે જણાવ્યું હતું. ગુજરાતની લેબોરેટરીનો
રિપોર્ટ ટાંકીને ચંદ્રાબાબુના પક્ષે કરેલા તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં જાનવરની
ચરબીના ચોંકાવનારા દાવા બાદ કેન્દ્રની સરકારે સક્રિય બનતાં તપાસ સહિતનાં ચક્રો ગતિમાન
કર્યા છે. દરમ્યાન, સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે આ મામલામાં જગનમોહન રેડ્ડી,
ઠેકેદાર તેમજ તિરૂમાલા તિરૂપતિદેવ સ્થાનમ્ના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી હતી, તો વાયએસઆર
કોંગ્રેસે હાઈકોર્ટમાં જઈ, નાયડુના આરોપોની તપાસ માટે એક સમિતિ રચવાની માંગ કરી હતી.
વાયએસઆર કોંગ્રેસના નેતાઓએ આરોપોથી ઇન્કાર કર્યો છે તેમજ જગનમોહન રેડ્ડીની છબીને નુકસાન
પહોંચાડવા તેલુગુ દેસમ પક્ષે લેબ રિપોર્ટ લોકોને દેખાડયો હોવાનો આરોપ મૂકયો હતો. રાજકીય
લાભ લેવાના હેતુથી આમ કરાયું હોવાનો દાવો વાયએસઆરસીપીએ કર્યો હતો. કોંગ્રેસે પોતાની
પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, તિરૂપતિના ભક્તો સાથે વિશ્વાસઘાત થયો છે તેઓ ક્યારેય
માફ નહીં કરે. દોષિતો સામે કાર્યવાહી થવી જ જોઇએ. એક્સ ઉપર પોતાની પ્રતિક્રિયા આપતાં
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે, જો અહેવાલો સાચા છે, તો આ મામલે કેન્દ્ર
સ્તરીત તપાસ થવી જોઇએ અને જે પણ દોષીઓ હોય એમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ, પરંતુ
જો આરોપો ખોટા અને પાયાવિહોણા નીકળશે, તો તિરૂપતિના ભક્તો આ નાયડુ સરકારને તિરૂપતિ
બાલાજી ઉપરના શ્રદ્ધા સાથે છળ કરવા બદલ ક્યારેય
માફ નહીં કરે. - રામમંદિર
પ્રાણપ્રતિષ્ઠામાં વિતરિત થયા હતા તિરુપતિના લાડુ : સંતો
ગુસ્સે : નવી દિલ્હી,
તા.20 : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના લાડુ વિવાદ મામલે અયોધ્યાના સંતોમાં
ભારે ગુસ્સો છે. રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે તિરુપતિથી આવેલા
એક લાખ પ્રસાદમ લાડુ અતિથિઓમાં વિતરીત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તિરુપતિ
બાલાજીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ખાસ ત્રણ ટન લાડુ મોક્લ્યા હતા. રામ મંદિરના
મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ મામલે તપાસ કરી દોષિતોને કડક સજા કરવાની માંગ
કરી હતી. તેમણે કહ્યું કે આ બહુ દુ:ખદાયી વાત
છે અને કરોડો લોકોની આસ્થા પર આઘાત છે. તેમણે
સનાતન ધર્મ વિરુદ્ધ અંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું
કે તિરુપતિ બાલાજીના લાડુ ખૂબ પ્રસિદ્ધ છે. જેણે પણ આવું ઘૃણિત કામ કર્યું છે તે મોટો
અપરાધી છે, દેશદ્રોહી છે.