• બુધવાર, 13 નવેમ્બર, 2024

શરમજનક કિસ્સાઓનો સિલસિલો

કોલકત્તાની આર.જી. કર હોસ્પિટલમાં ડોક્ટર યુવતી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નખાયાની અત્યંત કમનસીબ અને કરુણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડયા હતા. ડોક્ટરોએ હડતાળ પાડીને આ અત્યંત ખરાબ ઘટનાનો પ્રચંડ વિરોધ કર્યો ત્યારે એમ લાગ્યું હતું કે, આવી બાબતો માટે હવે સામાજિક સંવેદનશીલતા વધી રહી છે. 2012નો દિલ્હી નિર્ભયા કેસ આ કોલકત્તાની ઘટના વખતે સૌએ સંભાર્યો હતો. આ ઘટનાનો ગુજરાતમાં અને દેશના અન્ય હિસ્સામાં જે વિરોધ થયો, તેમાં જાગરણના સંકેત હતા. ડોક્ટર્સનો ભદ્રવર્ગ પણ રસ્તા પર આવ્યો તે સૌથી નોંધનીય હતું, પરંતુ દેશમાં-રાજ્યમાં, સૌરાષ્ટ્રમાં આવી ઘટનાઓ અટકતી નથી અને કમનસીબે દરેક વખતે જનજાગૃતિ સરખી નથી. પોલીસ, વહીવટીતંત્ર, સુરક્ષા એજન્સીઓની સક્રિયતા સામે તો સવાલ છે જ સાથે જ આવા બનાવો વખતે સામાજિક જાગૃતિનો પણ મુદ્દો અગત્યનો બની રહે છે. રાજકોટમાં નવા વર્ષના આરંભે, બુધવારે અત્યંત નિંદાપાત્ર ઘટના બની. 7 વર્ષની બાળા ઉપર એક વ્યક્તિએ દુષ્કર્મ કર્યું. શહેરમાં હજી ફટાકડાના અવાજો શમ્યા નહોતા ત્યાં જ ઘટેલી આ ઘટનાથી અરેરાટીની લાગણી ચોક્કસ થઈ છે,પરંતુ સામાજિક સંસ્થાઓ, ત્રી કલ્યાણનું કામ કરતા સંગઠનોનો અવાજ સંભળાયો નથી. નવરાત્રિ દરમ્યાન વડોદરામાં પણ એક યુવતી પર ત્રણ યુવાને દુષ્કર્મ ગુજાર્યું હતું. બળાત્કાર કે હત્યાના બનાવ સતત બનતા રહે છે. બુધવારે રાજકોટમાં જે બનાવ બન્યો તેની સાથે  જામનગરમાં પણ દુષ્કર્મની ઘટના બની હતી. વિરોધ પ્રદર્શન થાય, કેન્ડલ માર્ચ થાય તે પણ જરૂરી નથી. આખરે તો આવા બનાવ અટકવા જરૂરી છે. પોલીસની ધાક ઓસરી રહી છે. જેમની સામે અગાઉ પણ કોઈ ને કોઈ આરોપ હોય, પોલીસ ચોપડે જેમના નામ હોય તેઓ ગુના આચરે તે વાત અલગ છે અને કોઈ મોટા કારણ વગર સીધી જ હત્યા થાય કે સામૂહિક દુષ્કર્મ થાય તે અલગ છે. દુષ્કર્મની ઘટના માટે સામાજિક પરિવર્તન, સોશિયલ મીડિયાને પણ જવાબદાર ગણાવાઈ રહ્યાં છે. વિવિધ માધ્યમો પર પ્રસારિત થતી સામગ્રી જોઈને વિકાર વધતા હોવાના તારણ કે અભિપ્રાય રજૂ થતા રહે છે, પરંતુ તે છટકબારી બની શકે નહીં. દૂષણ કે નકારાત્મક પ્રવાહો તો દેશકાળ અનુસાર વધતાં રહેશે આખરે તેનાથી બચવાનો પડકાર જ ઝીલવાનો છે. દુષ્કર્મ જેવી બાબતો સતત બને છે તેના માટે પોલીસના પેટ્રોલિંગથી લઈને આરોપીને આકરી સજા સુધીની જોગવાઈઓનું પૂર્ણ નિષ્ઠાથી પાલન થવું જરૂરી છે. કોઈ ગુનો કરશું તો કાયદો છોડશે નહીં તેવી ધાક પ્રસરે ત્યારે જ આવા બનાવ અટકી શકે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang