માતાના મઢ (તા. લખપત) તા. 10 : મઢ-લખપત હાઈવે પર આવેલા પીડબલ્યુડીના
ગેસ્ટ હાઉસની બહાર વાસી ખોરાક (ભાત) ખાવાથી ત્રણ ગાયના મોત થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી
વ્યાપી હતી. મળતી માહિતી પ્રમાણે પીડબલ્યુડી ગેસ્ટ હાઉસ લકઝરી બસ દ્વારા આવેલા યાત્રિક
સંઘને હંગામી રસોડું બનાવવા ભાડે અપાયું હતું. આ યાત્રિક સંઘના વધેલા વાસી ભાત ફેંકવામાં
આવ્યા હતા જે ખાવાથી ત્રણ ગાયને આફરો ચડયો હતો અને તરફડવા લાગી હતી અને મોતને ભેટી
હતી. આ બનાવની જાણ હિન્દુ યુવા સંગઠનના મંત્રી ઘનશ્યામસિંહ સોઢા, વિક્રમસિંહ સોઢા,
મયૂર પંડયા, જયદીપ પંડયા, ભરત રાજગોર સહિતના યુવાનોને થતાં આ પશુઓની સારવાર અર્થે દોડી
ગયા હતા પરંતુ વાસી ખોરાક ઝેર બની જતાં આ ગાયો બચી શકી નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે,
આ સરકારી ગેસ્ટહાઉસની જગ્યાઓ દિવાળી, નવરાત્રિ દરમ્યાન ગેરકાયદે ભાડે આપી કમાણી કરાતી
હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જેની તપાસ કરી આવા બનાવોમાં કોણકોણ ભાગીદાર છે તેના સામે
પગલાં લેવા માંગ ઊઠી છે.