• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ચક્રવર્તીના તરખાટ છતાં દ.આફ્રિકાની જીત

ગકેબરહા (દ. આફ્રિકા) તા. 10 : ઉતાર-ચઢાવ અને  રસાકસી પછી બીજી ટી-20 મેચમાં ભારત સામે દ. આફ્રિકાનો 3 વિકેટે રોમાંચક વિજય થયો હતો. વરુણ ચક્રવર્તીના તરખાટથી એક સમયે મેચ ભારત જીતે તેવું લાગતું હતું, પરંતુ સ્ટબ્સ અને કોએત્ઝીએ બાજી પલટી હતી. આથી 4 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. 12પ રનનો વિજય લક્ષ્યાંક આફ્રિકાએ 19 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ભારત તરફથી મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 17 રનમાં પ વિકેટ ઝડપી હતી, જ્યારે આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે સર્વાધિક 41 રનની ઇનિંગ્સ રમી હતી. તેના અને કોએત્ઝી (9 દડામાં અણનમ 19 રન) વચ્ચે 20 દડામાં 41 રનની વિજયી ભાગીદારી થઇ હતી. અગાઉ ભારતીય ટીમ 20 ઓવરમાં 124 રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી.  12પ રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં આફ્રિકાના ટોપ ઓર્ડર બેટર્સ ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની સ્પિન જાળમાં આબાદ ફસાયા હતા. ચક્રવર્તીની ફિરકીમાં  ઓપનર રેયાન રિકલટન 13, રીઝા હેડ્રિંકસ 24, કપ્તાન એડન માર્કરમ 3 અને પાંચમા ક્રમે પ્રમોટ થયેલ માર્કો યાનસન 7 રને આઉટ થયા હતા. ખતરનાક હેનરિક કલાસેન 2 રને અને ડેવિડ મિલર ઝીરોમાં ઉપરાઉપરી ચક્રવર્તીના શિકાર બન્યા હતા.  ચક્રવર્તીએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી 4 ઓવરમાં 17 રનમાં પ વિકેટ ઝડપી હતી. આફ્રિકાએ 12 ઓવરમાં 66 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રવિ બિશ્નોઇએ એંડિલા સિમેલાનેને 7 રને આઉટ કર્યો હતો. આ પછી સ્ટબ્સ-કોએત્ઝીએ આફ્રિકાને જીત અપાવી હતી. અગાઉ આફ્રિકી કપ્તાન એડન માર્કરમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. અહીંના સેંટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમની ઉછાળવાળી પિચ પર ભારતીય બેટર્સ આફ્રિકી બોલર્સનો મજબૂતીથી સામનો કરી શકયા ન હતા અને 20 ઓવરમાં 6 વિકેટે 124 રનનો સામાન્ય સ્કોર બનાવ્યો હતો. સદીવીર સંજુ સેમસન ઇનિંગ્સની પહેલી ઓવરમાં જ યાનસનનો શિકાર બની ઝીરોમાં કલીન બોલ્ડ થયો હતો.  તો આઉટ ઓફ ફોર્મ આશુતોષ શર્માએ 4 રન કર્યા હતા. કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ 4 રને પાછો ફર્યો હતો. 1પ રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ઇનિંગ્સ સ્થિર બની શકી ન હતી અને ધીમી રન રફતાર વચ્ચે સમયાંતરે વિકેટો ગુમાવી હતી. આ દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ 4પ દડામાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાથી 39 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ સિવાય અક્ષર પટેલે 21 દડામાં 4 ચોગ્ગાથી ઝડપી 27 રન બનાવ્યા હતા, જ્યારે તિલક વર્માએ 20 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 20 રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહ 9 રન જ કરી શકયો હતો. આફ્રિકા તરફથી યાનસન, કોએત્ઝી, સિમેલાને, માર્કરમ અને પીટરે 1-1 વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang