કેનેડાની ભારત વિરોધી ગ્રંથી દિવસોદિવસ વકરતી જાય છે. કોઇપણ હિસાબે ભારતની સામે દ્વેષ વ્યક્ત કરવામાં
પાછીપાની ન કરતી કેનેડા સરકારે હવે ઓસ્ટ્રેલિયાની એક ટીવી ચેનલ પર પ્રતિબંધ લાદી દીધો
છે. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાના તેમના સમકક્ષ ચેની વોગની સંયુક્ત
પત્રકાર પરિષદ પ્રસારિત કરનાર આ ચેનલ સામે કેનેડાની આ કાર્યવાહીના સ્વાભાવિક રીતે વિશ્વભરમાં
ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે. આ પત્રકાર પરિષદમાં કેનેડા સાથેના તંગ સંબંધો અંગે પૂછાયેલા
સવાલોના જવાબમાં ભારતીય વિદેશમંત્રીએ કડક જવાબ આપ્યા હોવાને લીધે તેને પ્રસારિત કરનાર
ચેનલ સામે કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે. સ્વાભાવિક રીતે જ કોઇપણ લોકશાહી
દેશમાં અખબારી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી ચાવીરૂપ હોય છે. તેવામાં કેનેડા
સરકારે ભારતીય વિદેશમંત્રીએ પોતાના દેશની વાત કરી તેને રોકવાનું કેનેડા સરકારનું પગલું
ખરા અર્થમાં વાંધાજનક જણાય છે. કેનેડાના ભારત સાથેના સંબંધ કડવાશભર્યા હોય, તો પણ ઓસ્ટ્રેલિયા
સાથેના તેના સંબંધ બહુ નજીકના છે. આવામાં ઓસ્ટ્રેલિયાની ચેનલ સામેની કાર્યવાહી આંચકાજનક
છે. કેનેડામાં અલગતાવાદી ખાલિસ્તાની નેતા હરદીપાસિંહ નિજ્જરની હત્યાના મામલમાં ત્યાંની
સરકારે ભારતીય અધિકારીઓનો હાથ હોવાના આધાર વગરના આરોપો મુકીને વાતાવરણને ડોહોળવાની
શરૂઆત કરી હતી. આમે પણ કેનેડા સરકારે પોતાના દેશમાં ખાલિસ્તાનીઓને છૂટો દોર આપીને ભારત
વિરોધી માહોલ ખડો કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો નથી. વાત એટલી હદે વણસી ગઇ છે કે,
બન્ને દેશે તેમના વરિષ્ઠ રાજદૂતોને પરત બોલાવી લીધા છે. કેનેડા તેની ભારત વિરોધી લાગણીને હજી બેલગામ રાખી
રહ્યંy છે.
ભારતને સાયબર સલામતી માટે જોખમી દેશોની યાદીમાં મુકી દેવાના કેનેડાના પગલાંથી
ભારે રોષ વ્યાપ્યો છે, તો ખાલિસ્તાની ટેકેદારો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ તથા હિન્દુ
મંદિરોને નિશાન બનાવવાની વધી રહેલી પ્રવૃત્તિને રોકવાની પણ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો
અને તેમની સરકારે કોઇ તસ્દી લીધી નથી. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં શીખ મતદારોની નોંધપાત્ર
સંખ્યા રહેલી છે. આ ચાવીરૂપ મતદારોને સાચવવા માટે ટ્રુડો અને તેમની સરકાર ભારત વિરોધી
વલણ લઇ રહી છે. તાજેતરના બ્રેમ્પટન મંદિર પરના હુમલા બાદ ટ્રુડોએ હિન્દુઓની લાગણીઓને
શાંત કરવા ઉપરછલ્લી રીતે કાર્યવાહી કરવાની સાથોસાથ આ બનાવની ટીકા કરી હોવાથી વિશ્વભરના
હિન્દુ સમુદાયમાં ભારે રોષ છે. ભારતે આ બનાવ અંગે કેનેડા સરકારની સામે સત્તાવાર રીતે
વિરોધ નોંધાવ્યો છે. પણ મતબેંકના રાજકારણને અનુસરી
રહેલા ટ્રુડો માટે સાચી વાત શું છે તે સમજવાની શક્તિ રહી ન હોય એવો તાલ સર્જાયો હોવાના
બનાવો દિવસોદિવસ સામે આવતા રહ્યા છે. આવામાં કેનેડાના લોકો ભારતીય વિદેશમંત્રીનો મત
જાણી ન શકે તે માટે ઓસ્ટ્રેલિયાની ચેનલ સામેની કાર્યવાહીએ ટ્રુડો સરકારનો વરવો ભારત
વિરોધી ચહેરો વધુ એક વખત ખુલ્લો કર્યો છે.