• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

એફપીઆઇથી શેરબજારની ઊંઘ હરામ

મુંબઇ, તા. 10 : ભારતીય શેરબજાર અસ્થિરતાના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. શેરબજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફટીમાં ચડાવ-ઉતાર ચાલુ છે આનું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો છે, જેઓ સતત તેમનાં નાણાં બજારમાંથી ઊપાડી રહ્યાં છે. ઓકટોબરની શરૂઆતથી જ શેરબજાર અને તેના રોકાણકારોની ઊંઘ હરામ થઇ ગઇ છે. એફપીઆઇએ ઓકટોબરથી અત્યાર સુધીમાં શેર બજારમાંથી એક લાખ કરોડથી વધુ રકમ ઉપાડી લીધી છે. તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ લગભગ 20 હજાર કરોડ રૂા. પાછા ખેંચી લીધા હતા. સ્થાનિક શેરોના અધિક મૂલ્યાંકનને કારણે એફપીઆઇએ વેચવાલી કરી અને તેની ફાળવણી ચીનમાં કરી હતી. આગામી સમયગાળામાં એફપીઆઇ વેચાણ ચાલુ રહેવાની ધારણા છે. જો ત્રીજા કવાર્ટરના પરિણામો અને મુખ્ય સૂચકાંકો કમાણીમાં સુધારો દર્શાવે છે તો આ દૃશ્ય બદલાઇ શકે અને વેચાણ ઘટી શકે છે. મોજો પીએમએસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સુનિલ દમણિયાએ જણાવ્યું હતું કે, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાન્યુઆરી, 2025માં કાર્યભાર સંભાળશે જેથી ભારતીય બજાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના  પરિણામો, કોર્પોરેટ આવક અને રીટેલ રોકાણકારોના વલણથી પ્રભાવિત થશે. માહિતી અનુસાર એફપીઆઇએ આ મહિનામાં અત્યાર સુધી રૂા. 19994 કરોડનું નેટ વેચાણ કર્યું છે. અગાઉ ઓકટોબરમાં તેમણે રૂા. 94,017 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો. જે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ હતું. સપ્ટેમ્બર 2024માં વિદેશી રોકાણકારોએ રૂા. 57,724 કરોડનું રોકાણ કર્યું હતું. એફપીઆઇના ભારતીય ઇકિવીટીમાંથી બહાર નીકળવાનું મુખ્ય કારણ ચીન તરફનું તેનું નવું આકર્ષણ છે. મોર્નિંગ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના સંયુક્ત નિર્દેશક હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ચીને હાલમાં તેની ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને પુન: જીવિત કરવા અને વિદેશી રોકાણ આકર્ષવા અનેક પગલાં લીધા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd