રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : પ્રમુખપદની
ચૂંટણીના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રવાદ-અમેરિકા ફર્સ્ટનો મુદ્દો જગાવ્યો
હતો. અમેરિકાને તેની જૂની પ્રતિષ્ઠા અને વિશ્વમાં સ્થાન અપાવવાની ખાતરી આપી હતી, તેથી
એમને અભૂતપૂર્વ વિજય મળ્યો છે. હવે પર્યાવરણમાં શુદ્ધીકરણ માટે પગલાં ભરશે અને અમેરિકી
ઉદ્યોગોને રક્ષણ આપવા ચીનથી થતી આયાત ઉપર 60 ટકા જેટલી ધરખમ જકાત નાખશે અને અર્થતંત્રમાં
ફરીથી પ્રાણ પૂરવાના પ્રયાસ થશે. આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર ચીનની વગ ઘટાડવા લાગશે-ભારત
સાથે મૈત્રી ઉપરાંત વ્યૂહાત્મક ભાગીદારી સંરક્ષણ ઉપરાંત આર્થિક ઔદ્યોગિક ક્ષેત્રમાં
પણ વધુ મજબૂત બનશે, પણ રશિયાના પુતિન સાથે ટ્રમ્પના સંબંધ સારા હોવાથી યુક્રેન યુદ્ધમાં
રશિયા ઉપર દબાણ નહીં કરે-છતાં વ્યાપાર નિયંત્રણ ઉઠાવી લેવાય છે કે નહીં તે જોવાનું
છે. ડોનાલ્ડ ટ્રમ્પની છાપ જગતના જમાદારની હતી તે હવે દૃઢ બને છે કે નબળી થાય છે તે
આગામી મહિનાઓમાં જણાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન એમને હિન્દુ વોટબેન્કનો લાભ મળ્યો છે.
બાંગલાદેશમાં હિન્દુ-લઘુમતી ઉપર થતા હુમલા અને હિંસાખોરીની સખત ટીકા કરીને એમણે સંદેશ
આપ્યો. ભારતીય મૂળના અમેરિકનોએ અમેરિકાના વિકાસમાં આપેલાં યોગદાન બદલ ગર્વ-આભાર વ્યક્ત
કર્યો. હવે અમેરિકામાં ભારતીય તિરંગાનું અપમાન નહીં થાય, ભારત વિરોધી પાકિસ્તાની-ખાલિસ્તાની
આતંકનો અંત આવશે-કેનેડામાં પણ ટ્રમ્પની હાક-વાગશે-એવી આશા રાખી શકાય ? પ્રમુખશાહી હોય
કે સંસદીય લોકશાહી હોય-ચૂંટણીમાં વિવાદ અને વિખવાદ થાય જ છે ! સવાલ સત્તાનો છે ! ચાર
વર્ષ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હાર્યા પછી સત્તા છોડવા તૈયાર નહોતા.
એમના સમર્થક-ટેકેદારોએ `રાષ્ટ્રપતિ ભવન' ઉપર હુમલો-ચડાઈ કરી તેનાં દૃશ્યો હજુ તાજાં છે.
આ પછી તો તેમના ઉપર ચાર ફોજદારી કેસ થયા છે. ન્યૂયોર્કમાં એક `પોર્ન
સ્ટાર'ની ચુપકીદી `ખરીદવા' માટે એમણે બિનહિસાબી-હશ મની (બ્લેક મની) ચૂકવ્યા હતા
અને એકાઉન્ટમાં હેરફેર કરી હતી. 2016ના આ કેસમાં ન્યૂયોર્કની કોર્ટમાં જ્યુરીએ એમને
`અપરાધી'
ઠરાવ્યા હતા. આ કેસનો ચુકાદો 26મી નવેમ્બરે આપવાની તારીખ નિશ્ચિત થઈ હતી પણ મુલતવી
રાખવા સમજાવટ-અથવા દબાણ થયું. કારણ કે, ટ્રમ્પ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રિપબ્લિકન
પાર્ટીના ઉમેદવાર હતા, ત્યારે મીડિયાને 24મી ઓક્ટોબરે આપેલા ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું
હતું : હું રાષ્ટ્રપતિપદના શપથ લીધા પછી બે સેકન્ડમાં બરતરફ કરીશ... અમેરિકી શાસનના
સ્પેશિયલ વકીલ જેક સ્મિથ જેમણે કેસ પૂરવાર કર્યો તેમને 2020ની ચૂંટણીમાં હાર્યા પછી
જનાદેશ ઊલટાવવાના પ્રયાસ અને સરકારી ડોક્યુમેન્ટ્સ છૂપાવી રાખવાનો આરોપ સાબિત થયો હતો.
હવે ટ્રમ્પ ચૂંટાયા છે અને પ્રમુખ તરીકે એમને સત્તા છે, એમની સામે કેસ લડનાર સરકારી
વકીલને રુખસદ આપી શકે. ન્યૂયોર્કના `હશ મની' કેસમાં એમની સત્તા ચાલે નહીં આમ છતાં
હવે પ્રમુખપદ હોવાથી-ચાર વર્ષ સત્તા ઉપર છે, ત્યાં સુધી ઉપરોક્ત બંને કેસમાં એમને સજા
થવાની શક્યતા નથી. કમસે કમ ચાર વર્ષની જેલવાસની સજા હવે ટળી શકશે ! આપણા દેશમાં ઇન્દિરા
ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી જીત્યાં પછી-ચૂંટણીમાં સરકારી સાધનો અને અફસરોનો ઉપયોગ
કર્યો હોવાથી ચૂંટણી રદ થઈ અને વડાપ્રધાન પદ છોડવાની નોબત આવી ત્યારે સુપ્રીમ કોર્ટમાંથી
વચગાળાનો હુકમ મળ્યો પણ આ પહેલાં `કમિટેડ જ્યુડિશિયરી'ની ચર્ચા શરૂ થઈ હતી. અન્ય
સિનિયર ન્યાયમૂર્તિઓને બાજુએ રાખીને જુનિયરને ચીફ જસ્ટિસ પદે બઢતી અપાઈ હતી. ન્યાયતંત્ર
સરકારની નીતિ-નિયમોનો સ્વીકાર કરે સરકારને વફાદાર રહે-એવી હવા હતી. 1977ની ચૂંટણી પછી
ઇન્દિરા ગાંધીને સંસદસભ્ય માટે `અ-પાત્ર', અયોગ્ય ઠરાવીને સંસદે એમનું સભ્યપદ રદ કર્યા પછી દક્ષિણ
ભારતમાંથી ફરીથી લોકસભામાં ચૂંટાયાં હતાં. સભ્યપદ રદ થયા પછી સંસદ ભવન ઉપર ધસારો કરીને
કોંગ્રેસના કાર્યકરો લોકસભામાં પ્રવેશ્યા. ગૃહની બેઠક મુલતવી જાહેર કરીને તત્કાલીન
સ્પીકર કે.એસ. હેગડે ગયા પછી કોંગ્રેસના કાર્યકરોએ ગૃહમાં પ્રવેશીને સૂત્રો ઉચ્ચાર્યાં.
સ્પીકરના આસન ઉપર બેસીને હેગડેસાહેબના ચેન-ચાળા પાડયા ! સંસદીય લોકશાહીના ઇતિહાસમાં
આવી આ પ્રથમ ઘટના હતી. અલબત્ત, અમેરિકામાં બન્યું તેમ ભાંગફોડ થઈ નહોતી ! ટ્રમ્પ ચાર
વર્ષના `વનવાસ'
પછી ફરીથી ચૂંટાયા છે. ઇન્દિરા ગાંધી પણ 1977ના પરાભવ પછી ફરીથી સત્તામાં આવ્યાં હતાં.
ટ્રમ્પના કેસમાં છઠ્ઠી જાન્યુઆરીના બનાવ પછી એમને પણ ભવિષ્યમાં ઉચ્ચ હોદ્દાની ચૂંટણી
માટે અ-પાત્ર ઠરાવવાનો પ્રયાસ થયો હતો, પણ સેનેટમાં બે-તૃતીયાંશ બહુમતી નહીં મળતાં
ઠરાવને મંજૂરી મળી નહીં. રિપબ્લિકન પાર્ટી તેમજ મોટા ભાગના અમેરિકનોને લાગતું હતું
કે, હવે ટ્રમ્પનું રાજકીય ભવિષ્ય નથી. ટ્રમ્પે એકાંતવાસ જીવન ગાળ્યું હતું. સોશિયલ
મીડિયામાંથી પણ તેઓ બાકાત હતા, છતાં એમણે હાર સ્વીકારી નહીં અને મેદાન છોડયું નહીં.
ચૂંટણી પ્રચાર દરમિયાન એમના ઉપર ગોળીબાર થયો. ઈજા થયા પછી કહ્યું : ઈશ્વરનો આભાર. વિજય
મળ્યા પછી પણ કહ્યું-ઈશ્વરનો આભાર. આપણે ત્યાં ચૂંટણીમાં વાણીસ્વાતંત્ર્યનો બાધ-સંયમ
નથી. તાજેતરમાં મુંબઈના મહિલા ઉમેદવાર શાયના માટે અભદ્ર ભાષાપ્રયોગ થયો-પણ અમેરિકામાં
કમલા હેરિસે બે બાલિકા દત્તક લીધી હોવાથી-તેઓ `માતા' નથી... એવી ટીકા થઈ ! વસાહતીઓ શ્વાન-બિલાડા
પાળે છે અને મારીને ખાય પણ છે-એવો પ્રચાર થયો
! મહિલા ઉમેદવારના ચારિત્ર્ય હનનની નિમ્ન કક્ષાની ટીકા અને પ્રચાર થયો-આપણે `મોત કા
સૌદાગર, ચોકીદાર ચોર હૈ'-જેવાં સૂત્રો સાંભળ્યાં છે ! છેલ્લાં દસ વર્ષથી ટોચના ઉદ્યોગપતિઓ-અંબાણી-અદાણીના
નામે મોદી સરકાર ઉપર ટીકા પ્રહાર થાય છે. અમેરિકામાં-વિશ્વના સૌથી મોટા-ધનાઢય એલોન
મસ્ક વાણીસ્વાતંત્ર્યના અને ગનકલ્ચરના સમર્થનમાં અરજીપત્ર ઉપર સહી કરનારને દસ લાખ ડોલરના
ચેક આપી રહ્યા છે, એવી ફરિયાદના જવાબમાં પ્રાદેશિક જજે જણાવ્યું કે, ફેડરલ કોર્ટ આવી
ફરિયાદ હાથ ધરે નહીં ત્યાં સુધી કેસ દાખલ નહીં થાય ! હવે ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી એલોન
મસ્કની વગ વ્હાઈટ હાઉસમાં વધશે...ચૂંટણી પ્રચાર બંધ થયા પછી ઘણા નાગરિકોએ હાશકારો વ્યક્ત
કર્યો. ઈશ્વરનો આભાર માન્યો-પ્રચાર અને સામસામા કુપ્રચારથી લોકો કંટાળી ગયા હતા. હવે
વોટિંગ જલદી પતે તો સારું-એવા સંદેશા વાયરલ થયા. પરિણામ જાહેર થયાં પછી શું થશે ? ચાર
વર્ષ પહેલાંની યાદ તાજી થઈ. ઘણા લોકોએ ટીવી બંધ કરી દીધાં... ચાર વર્ષ પહેલાં કેપિટોલ
હિલ ઉપર ટ્રમ્પના સમર્થકોએ જે હુમલો કર્યો હતો-તેની `શરમ' કાયમ
રાખવા બહાર `ગાર્બેજ
સ્મારક' ઊભું કરવાનો પ્રયાસ થયો ! પ્રેસિડેન્ટ બાયડને ટ્રમ્પ માટે `ગાર્બેજ'
વિશેષણ વાપર્યા પછી તીવ્ર પ્રત્યાઘાત પડયા હતા ! ભારતમાં રાહુલ ગાંધીએ સંવિધાન અને
લોકતંત્ર ખતરામાં હોવાનો પ્રચાર કર્યો હતો. અમેરિકામાં પ્રચાર હતો કે ટ્રમ્પ સરમુખત્યાર
બની જશે... (હવે પ્રમુખ તો બની ગયા !) મહત્ત્વની-નોંધપાત્ર બાબત એ છે કે, ચૂંટણી પરિણામ
આવ્યા પછી આ કટુતા-દુશ્મની ભૂતકાળ બનવી જોઈએ. ટ્રમ્પના વિજય માટે મુખ્ય કારણ રાષ્ટ્રવાદ-અમેરિકા
ફર્સ્ટ-છે. ભારતમાં પણ મોદી ભારતના વિકાસનું લક્ષ્ય બતાવે છે. અમૃતકાળમાં ભારતને શક્તિશાળી
બનાવી રહ્યા છે-પણ વિપક્ષોને માત્ર સત્તા ખપે છે. વિરોધ અને દુશ્મની ભૂલાતી નથી.