• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

સમય પરિવર્તનશીલ છે ; સારાં ટાણાનો સદ્ઉપયોગ કરો

અંજાર, તા. 10 : કચ્છમિત્ર અને જેવાયએફ આયોજિત જીવન મૂલ્યોનું અમૃત મંથન આધ્યાત્મિક કોન્ક્લેવના સાતમા મણકામાં ટોક-શોમાં પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)નાં પ્રવચન પછી તેમની સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે અને શ્રોતાજનોમાંથી આવેલા પ્રશ્નો મદદનીશ તંત્રી નિખિલ પંડયાએ પૂછયા હતા, જેના ભાઈશ્રીએ સદૃષ્ટાંત - વિસ્તૃત રીતે જવાબો આપ્યા હતા. તેમની સાથે થયેલા સવાલ - જવાબ આ મુજબ છે : - વર્તમાન યુગમાં શ્રીમદ્ ભાગવત ગ્રંથ કેટલો પ્રસ્તુત છે અને તેમાંથી શો બોધ ગ્રહણ કરવો જોઈએ? : કથા એ ઔષધિ છે. કથા કોઈપણ હોય રામાયણ - ભાગવત તેની પ્રાસંગિકતા હંમેશાં રહેવાની જ. જીવનમાં ભૌતિકવાદ જેટલો વધતો જાય છે તેટલી આ ગ્રંથોની પ્રાસંગિક્તા વધતી જાય છે. શ્રીમદ્ ભાગવતમાંથી મુખ્ય ત્રણ સંદેશ - શિખામણ મળે છે. એક તો મનુષ્યનો વ્યવહાર અન્ય મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ, બીજું મનુષ્ય સિવાય પશુ-પક્ષી પ્રત્યેનો વ્યવહાર કેવો હોવો જોઈએ અને ત્રીજું પ્રકૃતિ સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ. - જીવનમાં  ભાગદોડ અને અસ્થિરતા ઘણી છે. સૌને જલ્દી સફળ થવું છે. શોર્ટકટ અપનાવી આગળ વધવું છે, આ કેટલું યોગ્ય છે ? : જીવન એ અમૂલ્ય છે. શાંતિ ગુમાવી, આરોગ્ય સાથે બાંધછોડ કરી, મૂલ્યો સાથે સમાધાન કરીને મેળવેલી સફળતા, સંપત્તિ અશાંતિનો પાયો નાખે છે. જીવન માટે પૈસા છે. પૈસા માટે જીવન નથી. - આજના સમયમાં નીતિમત્તાનો પ્રશ્ન છે. વિવિધ ક્ષેત્રોમાં નીતિમત્તાનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે આવા સમયમાં કેવી રીતે અપનાવી શકાય ? : એટલું ધ્યાન રાખો કે અસ્તિત્વ પોતાનો હિસાબ રાખે છે. આપણે જે કંઇપણ કરીએ છીએ તે ભોગવવું પડે છે. આટલું જો સમજાઇ જાય તો મનુષ્ય નીતિમત્તા સાથે બાંધછોડ  નહીં કરે. - જીવનમાં સારા વિચાર કે આઇડિયા કેવી રીતે  ઉદ્ભવે છે અને તેને સાકાર કેવી રીતે કરી શકાય ? :  સર્જન માટે શાંતિ જોઇએ. જો કોઇની પાસેથી છેતરીને મેળવવાના વિચાર આવે તો જીવનમાં શાંતિ નહીં મળે. મન અસંતોષથી ભરેલું રાખે છે. જીવનની શાંતિ અને આનંદ સાથે સમાધાન ન કરીએ તો નવા-નવા વિચારો આવશે. તેના માટે પુરુષાર્થ કરવો પડશે. - ભારત યુવાનોનો દેશ છે. ગ્રોથ, પ્રોગ્રેસ અને સકસેસ શબ્દો તેમના માટે કઇ રીતે મહત્ત્વના છે. તે એકબીજા સાથે સંકળાયેલા છે ? : એક રીતે જોઈએ તો એ ત્રણે એકબીજા સાથે સંકળાયેલા છે. ગ્રોથ એ જીવન છે. મહેનત કર્યા વગર સફળતા પણ નથી મળતી. સફળતા મેળવવા યુવાનો સતત ઝઝૂમતા રહેતા હોય છે. - સમય સારો કે ખરાબ એના વિશે ચર્ચા?થતી હોય છે, તે કેવી રીતે નિર્મિત થાય છે અને તે આપણા હાથમાં છે ? : સમય એ પરિવર્તનશીલ છે. ખરાબ દિવસ છે તો તે ચાલ્યો જશે અને સારો દિવસ છે તે પણ ટકી નહી રહે. દુ:ખ- સંઘર્ષમાં હતાશ ન થવું જોઈએ અને સારો સમય ચાલતો હોય તો તેનો સદુપયોગ કરવો જોઈએ. એક મંત્ર હંમેશાં યાદ રાખવો કે આ દિવસો પણ ચાલ્યા જશે. - મહિલા સશક્તિકરણનો યુગ છે. શહેરી ક્ષેત્રમાં મહિલાઓ અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરે છે, પરંતુ ગ્રામીણ મહિલાઓ હજુ એ સ્થાન નથી મેળવી શકી તે અસંતુલન કેવી રીતે ઘટાડી શકાય ? તેના માટે શું કરવું જોઈએ ? : ત્રી શિક્ષિત હોય, આર્થિક રીતે સક્ષમ હોય, પરિવારથી માંડી રાષ્ટ્રના વિકાસમાં તેમનો હિસ્સો હોય, એટલાથી મહિલા સશક્તિકરણ નથી થતું. તેમને ઘરના નિર્ણયોમાં સામેલ કરવા જોઈએ. તેમનો અભિપ્રાય લેવો, તેમને માન - સન્માન અને પ્રેમ આપવા. તો સામે મહિલાઓએ પણ જીવનમાં શિક્ષણ વધે તેની સાથે સમજદારી પણ વધવી જોઈએ. નાની-નાની વાતો જતી કરવાની સમજથી પરિવાર તૂટતો બચે છે. ત્રીમાં શક્તિ હશે તો તે પરિવારને તૂટવા ન દે, પોતાના ઈગોને વચ્ચે આવવા ન દે. આ પણ એક સશક્તિકરણ છે. - વૃદ્ધાશ્રમો વધતા જાય છે, સમૂહ પરિવાર ઓછા થતા જાય છે તેની ચિંતા છે. આ અંગે શું  કરી શકાય? : જેમ દેવતાઓ પ્રત્યેનું ઋણ ચૂકવવા યજ્ઞ કરવામાં આવે છે તેમ જે માતા - પિતાએ આપણે ભણાવ્યા - ગણાવ્યા તેમના પ્રત્યે કૃતજ્ઞ રહીને તેમને જરૂર પડે ત્યારે તેમની સાથે રહેવું એ પણ એક યજ્ઞ છે. - કચ્છમિત્ર સંવાદ કરે છે અને મીડિયા હાઉસ તરીકેની ભૂમિકા પણ ભજવે છે. સંવાદ કેવી રીતે ઉપયોગી થતા હોય છે. પરિવાર વચ્ચે પણ થવા જોઈએ? : ઘર - ઘર સંવાદ થવો જોઈએ. પિતા - પુત્ર, ભાઈ?- ભાઈ, પતિ - પત્ની વિગેરે વચ્ચે સંવાદ થવા જોઈએ. સંવાદ ઘટવાનાં કારણે જ જીવનમાં સમસ્યા વધી છે. સંવાદ થશે તો ઉકેલો - સમાધાન મળશે. - જીવનમાં ગુરુ કરવા જરૂરી છે ? સદ્ગુરુની પ્રાપ્તિ કેવી રીતે થાય ? : ગુરતત્ત્વ જરૂરી છે પણ એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે, હું કોઇને ગુરુ બનાવી શકું નહીં, શિષ્ય બની શકું. ગુરુની ગુરુતા થકી મહત્ત્વતા છે. ગુરુનું સદેહે હોવું અનિવાર્ય નથી. - પરમાત્માને પામવા જપ, તપ, ઉપવાસ વિગેરે થાય છે. પરમાત્માને પામવાની સહજ સરળ પદ્ધતિ કઇ છે ? : પ્રેમથી પરમાત્મા મળે. જપ, તપ, ઉપવાસ કરવાથી મન નિર્મળ થાય છે અને નિર્મળ મનમાં જ વિશુદ્ધ પ્રેમ પ્રગટી શકે. - વડીલો ભૂલ કરે ત્યારે બાળકોએ શું કરવું જોઇએ ? : પ્રહલાદના પિતાએ પરમાત્માની ભક્તિથી વિમુખ કરવા રંજાડયા છતાં પુત્ર તરીકે પ્રહલાદ વિવેક ચૂક્યા નહોતા અને સહન કરતા રહ્યા. સંતાનની ફરજ છે કે તે વિવેક-ધીરજ રાખે. - પિતા-પુત્ર વચ્ચેનો જનરેશન ગેપ કેવી રીતે દૂર કરવો ? : બે જનરેશન વચ્ચેનો ગેપ એ આપણી બેદરકારી છે. પિતા-પુત્ર એકબીજા સાથે વાત નથી કરતા એટલે સંવાદ થવો જોઇએ. મોબાઇલને મૂકો અને ઘરમાં સાથે મળીને ભજન ન કરો તો કંઇ નહીં પરંતુ સાથે બેસીને ટીવીમાં એકાદ સારી સિરિયલ જુઓ અને વાતો કરો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang