ગાંધીધામ, તા. 10 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અગાઉ ગુના આચરી ચૂકેલા લોકો માટે બીજી વખત સામૂહિક ઇન્ટ્રોગેશન (પૂછપરછ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છમાં બે કે તેથી વધુ ગુનામાં પકડાયેલા મિલ્કત, શરીર સંબંધી આરોપીઓ જે ખૂનની કોશિશ, ધાડ, ચીલઝડપ, લૂંટના ગુનાઓમાં હાલે જામીન ઉપર છૂટેલા છે, તેમને પૂર્વ કચ્છ હેડક્વાર્ટર શિણાય ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ સામૂહિક ઇન્ટ્રોગેશન દરમ્યાન પોલીસવડા સાગર બાગમારએ ગુનો કરતા આરોપીઓ પોલીસની નજરમાં હંમેશાં હોય છે, જેથી પોલીસ દ્વારા આવા આરોપીઓની વારંવાર તપાસ પણ કરવામાં આવતી હોય છે. જેથી તમામ આરોપીઓએ ગુનાઓ ન આચરવા, હવે પછી ભવિષ્યમાં આવી ભૂલો ન કરવા તેમજ આવા ગુના કર્યા બાદ કુટુંબ, બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે તેવું જણાવી તેમણે વધુ ઉમેર્યું હતું કે, હવે પછીથી આવા ગુનેગારો દ્વારા ફરીથી ગુના આચરવામાં આવશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ વેળાએ તમામ આરોપીઓના રેકર્ડ પોલીસ મથકોમાં હાથ પર રહે તે હેતુથી ડોઝિયર્સ ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. બીજી વખતના આ સામૂહિક ઇન્ટ્રોગેશનના કાર્યક્રમમાં ચીલઝડપના 170, હત્યાની કોશિશના 193, લૂંટ, ધાડના 22 એમ કુલ 385 આરોપીઓ હાજર રહ્યા હતાં. આ વેળાએ ડીવાયએસપી સાગર સાંબડા, એમ.પી. ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.