• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

-તો ગંભીર નહીં રહે ટેસ્ટ ટીમનો કોચ

નવી દિલ્હી, તા. 9 : ન્યૂઝીલેન્ડ સામે ઘરમાં સુપડા સાફ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ સવાલના ઘેરામાં છે. ત્યારે એક અહેવાલમાં જણાવાયું છે કે, બીસીસીઆઈએ હારની સમીક્ષા કરી છે અને ગંભીર પાસેથી ટેસ્ટ ટીમના કોચની જવાબદારી લઈ લેવાની પણ વિચારણા થઈ રહી છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ સાથે અધ્યક્ષ રોજર બિન્ની પણ મેરેથોન માટિંગમાં સામેલ હતા. આ બેઠકમાં ગંભીર ઓનલાઈન સામેલ થયા હતા. બેઠકમાં મુંબઈ ટેસ્ટ માટે રેંક ટર્નરની પસંદગી, જસપ્રીત બુમરાહને આરામ આપવો અને ગૌતમ ગંભીરની કોચિંગ શૈલી ઉપર ચર્ચા કરવામાં આવી હતી. હવે એક અહેવાલ સામે આવ્યો છે કે જો આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ભારતીય ટીમ હારશે તો ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના હેડ કોચના પદેથી બરખાસ્ત કરી દેવામાં આવશે અને વનડે તથા ટી-20 ટીમના જ પ્રશિક્ષક તરીકે જાળવી રખાશે.  એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો ભારતને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ખરાબ રીતે હાર મળે તો બીસીસીઆઈ લાલ બોલ અને સફેદ બોલ માટે અલગ અલગ કોચ રાખવાની રણનીતિનો ઉપયોગ કરી શકે છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે જો ગંભીરને ટેસ્ટ ટીમની જવાબદારીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવે તો તેના બદલે વીવીએસ લક્ષ્મણને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.  રાહુલ દ્રવિડ અને ગંભીરના કોચિંગ કાર્યકાળમાં જોવામાં મળ્યું છે કે જ્યારે પણ તેઓ અન્ય શ્રેણીમાં વ્યસ્ત હોય ત્યારે વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચની ભૂમિકા ભજવતો આવ્યો છે. વર્તમાન સમયે સૂર્યકુમાર યાદવની આગેવાનીની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં લક્ષ્મણ ટીમના મુખ્ય કોચની જવાબદારીમાં છે. બીજી તરફ 10 નવેમ્બરના રોહિત શર્માની આગેવાનીની ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે ત્યારે હેડ કોચ ગંભીર તેની સાથે રહેશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang