• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

ભૂખ-તરસથી કંડલામાં યુવાનનું મોત

ગાંધીધામ/ભુજ, તા. 10 : કંડલામાં 40 વર્ષીય અજાણ્યા યુવાનનું ભૂખ અને તરસના લીધે મૃત્યુ પામ્યાનું પોલીસે જાહેર કર્યું છે. બીજી તરફ અંજાર તાલુકાના વરસાણા નજીક ઇસ્પાત કંપનીમાંથી 34 વર્ષીય યુવાન દિલીપ મનોરંજનદાસ મૃત હાલમાં મળી આવ્યો હતો. જ્યારે અબડાસા તાલુકાના મોથાળા ચોકડી પાસે બાઇકની પાછળ બેઠેલા ભુજના 48 વર્ષીય મહિલા સલમાબેન અબુબકર લાંગા પડી જતાં ગંભીર ઇજાના પગલે તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે ખાવડા બાજુના ખારીના 45 વર્ષીય યુવાન વીરમ બીજલભાઇ ચાડે કૂવામાં મોતની છલાંગ લગાવી હતી અને લખપતના દોલતપરમાં આઇનોક્ષ કંપનીની સાઇટ પર પવનચક્કીના પાંખડા પર પંજાબનો 31 વર્ષીય યુવાન ખલાસી પવનકુમાર મદનલાલ મૃત મળ્યો હતો. કંડલામાં હાથ સર્કલથી એલ.પી.જી. સર્કલ જતાં રોડ પર પુલ ઉપર યુવાન મૃત મળી આવ્યો હતો. 40 વર્ષીય આ અજાણ્યા યુવાનનું મોત ભૂખ-તરસના કારણે થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. તેણે પીળા કાળા સફેદ રંગનો આખી બાંયનો ટી-શર્ટ તથા વાદળી રંગનું જીન્સ પેન્ટ પહેર્યું છે. જેના સંબંધીઓને કંડલા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું. ગઇકાલે ભુજથી બાઇક લઇ દંપતી અબુબકર લાંગા અને તેમના પત્ની સલમાબેન (48) નલિયા જઇ રહ્યા હતા. સાંજે 6.30 વાગ્યે મોથાળા ચોકડી પાસે પહોંચ્યા ત્યારે બાઇકની પાછળ બેઠેલા સલમાબેન નીચે પડી જતાં ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે સારવાર દરમ્યાન મૃત જાહેર કર્યા હતા. ભુજ તાલુકાના ખાવડા બાજુના ખારીમાં રહેતા 45 વર્ષીય યુવાન વીરમભાઇ બીજલભાઇ ચાડે ગઇકાલ સાંજથી આજે સવાર સુધી કોઇપણ સમયે પોતાની મેઘપરની વાડીના કૂવામાં કોઇ અગમ્ય કારણે ઝંપલાવીને આપઘાત કરી લીધાની વિગતો ગોડપરના દિલીપભાઇ કેરાસિયાએ ખાવડા પોલીસ મથકે જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ લખપત તાલુકાના દોલતપરના તુલસી ફાર્મની આઇનોક્ષ કંપનીની સાઇટ પર આજે બપોરે 11.30 વાગ્યાના અરસામાં પવનચક્કીના પાંખડા પર કચ્છ કેરિયર્સ કંપનીનો 31 વર્ષીય યુવાન ખલાસી પવનકુમાર મદનલાલ (રહે. મૂળ પંજાબ) ચત્તી હાલતમાં પડયો હતો. આમ કુદરતી કે કોઇ અગમ્ય કારણે તેનું મોત થયાની વિગતો દયાપર પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી છાનબીન આદરી છે. જ્યારે વરસાણા ઇસ્પાત કંપનીમાં ગઇકાલે સવારે પાંચ વાગ્યા પહેલાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. આ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ કોમન બાથરૂમ બાજુ ચક્કર મારવા જતાં ત્યાં દિલીપ મનોરંજનદાસ નામનો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનનું મોત કેવી રીતે થયું હશે તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd