સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના 2004ના મદરેસા કાયદાને બંધારણીય
દૃષ્ટિએ યોગ્ય ગણાવીને બહાલી આપી છે તેથી રાજ્યની મદરેસાઓને મોટી રાહત મળી છે. સુપ્રીમ
કોર્ટે મુસ્લિમ લઘુમતીઓની શૈક્ષણિક સંસ્થાઓ (મદરેસા)ની કાયદેસરતાને યોગ્ય ઠેરવતાં જણાવ્યું
છે કે બિનસાંપ્રદાયિક્તાના મુદ્દે ઉત્તર પ્રદેશના 2004ના મદરેસા કાયદાને રદ કરી શકાય
નહીં. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈ કોર્ટના સંબંધિત ચુકાદાને રદ કર્યો તેમાં મદરેસાઓને
બંધ કરાવીને તેના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સમાવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ઉત્તર પ્રદેશના કાયદા હેઠળના ઉત્તર પ્રદેશ બોર્ડ અૉફ મદરેસા
ઍજ્યુકેશન દ્વારા માન્યતા પ્રાપ્ત 16,000 મદરેસાઓમાં ભણતા 17 લાખથી વધુ વિદ્યાર્થીઓને
રાહત મળશે. યુપી બોર્ડ અૉફ મદરેસા ઍજ્યુકેશન ઍક્ટ 2004થી સંકળાયેલા પ્રકરણમાં સુપ્રીમ
કોર્ટનો ચુકાદો એ કાયદાની બંધારણીયતાની પુષ્ટિ કરે છે અને એ પણ બતાવે છે કે શિક્ષણ
અને ધર્મનિરપેક્ષતા જેવા મુદ્દાઓને કેટલા બારીકાઈથી અને સંવેદનશીલતાથી જોવા જોઈએ. રસપ્રદ
છે કે 2022માં અલાહાબાદ હાઈ કોર્ટે કાયદાને
મુખ્ય રૂપથી એ આધાર પર ગેરબંધારણીય ઠેરવ્યો હતો કે આ ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે કે
જે બંધારણના મૂળ માળખાનો હિસ્સો છે. હાઈ કોર્ટનું એ પણ કહેવું હતું કે આ કાયદો યુજીસી
ઍક્ટ 1956ની વિરુદ્ધ છે, જે એક સાર્વભૌમત્વ કાયદો છે. સુપ્રીમ કોર્ટની નજરની બારીકી
એ તથ્યમાં જોઈ શકાય છે કે તેના ચુકાદામાં આ બન્ને તર્કોના ઔચિત્યને માનતાં તેને લાગુ
કરવાની રીતની ભૂલ પણ સ્પષ્ટ કરી છે. સુપ્રીમ કોર્ટ યુજીસી ઍક્ટથી સંકળાયેલા વાંધાઓ
ધ્યાનમાં રાખે છે, પરંતુ એટલી વ્યવસ્થા કરવાનું જરૂરી સમજે છે કે મદરેસા હાયર ઍજ્યુકેશનથી
સંકળાયેલી ડિગ્રીઓ આપી શકે નહીં. જ્યાં સુધી ધર્મનિરપેક્ષતાની વાત છે તો એમાં બેમત
નથી કે આ બંધારણના મૂળ માળખાનો હિસ્સો છે અને તેના ઉલ્લંઘનના કોઈપણ કેસને કોર્ટ ગંભીરતાથી
લેશે. સુપ્રીમ કોર્ટે કોઈ કાયદાની બંધારણીયતાને પડકારવાના ઉદ્દેશ્યથી ધર્મનિરપેક્ષતાના
કહેવાતા ઉલ્લંઘનને પર્યાપ્ત રૂપથી નક્કર આધાર નથી માન્યો, એ પણ જોવાનું રહેશે કે તે
કાયદો ધર્મનિરપેક્ષતાથી સંકળાયેલા બંધારણની કઈ કલમનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટને
એ વાતનો અહેસાસ હતો કે ચુકાદાની અસર ફક્ત યુપીમાં નહીં, પરંતુ આખા દેશમાં લઘુમતી સંસ્થાઓ
ઉપર પણ પડશે. આથી એ સ્પષ્ટ કરવામાં કોઈ કસર નથી છોડી કે લઘુમતી સમુદાયોને પોતાની સંસ્થાઓ
ચલાવવાનો અધિકાર છે તો રાજ્યને પણ એ સંસ્થાઓમાં આપવામાં આવી રહેલા શિક્ષણની ગુણવત્તા
સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. આ સંદર્ભમાં યુપી સરકારનું વલણ નોંધ લેવા જેવું છે. રાજ્ય
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાઈ કોર્ટના ચુકાદાનો તેણે સ્વીકાર અવશ્ય કર્યો હતો, પરંતુ
તેનો અર્થ એ નથી કે તે તેના વલણથી સહમત હતી. સુનાવણી દરમિયાન પણ સુપ્રીમ કોર્ટના વલણથી
સહમતી દર્શાવી હતી. જ્યાં સેક્યુલર મૂલ્યોના મહત્ત્વો રેખાંકિત થયા છે, ત્યાં તેને
સુનિશ્ચિત કરવાની રીત-માર્ગમાં સાવધાની વર્તવાની આવશ્યક્તા પણ સ્પષ્ટ થઈ છે.