• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગાંધીધામ ચેમ્બર ખાતે રેલવે સાથે મહત્ત્વની બેઠક મળી

ગાંધીધામ, તા. 10 : અહીંની અગ્રણી વ્યાપારી સસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મહત્ત્વપૂર્ણ સંવાદ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લાના વેપાર-ઉદ્યોગ અને સામાન્ય લોકોના હિતમાં ચેમ્બર દ્વારા રેલવે સુવિધાઓ વધારવા માટે રેલવે બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કંડલા-મુંદરા પોર્ટ મારફતે થતી આયાત-નિકાસ દેશના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. તુણા પોર્ટ ખાતે નવા કન્ટેનર ટર્મિનલનું નિર્માણ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ પણ આવી રહ્યો છે. સાત દાયકાથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ પ્રમોશન, વિકાસ માટે સેતુ તરીકે કામ કરી રહી છે. ગાંધીધામ સબ ડિવિઝન વેસ્ટર્ન રેલવેનું એક મહત્ત્વપૂર્ણ આર્થિક, વ્યાપારિક કેન્દ્ર બની ગયું છે. કચ્છ એ ગુજરાતનું મુખ્ય ઔદ્યોગિક તથા પ્રવાસનનું કેન્દ્ર છે. બે મુખ્ય બંદરોનું ઘર છે જે ભારતના 40 ટકાથી વધુ એકિઝમ ટ્રાફિકનું સંચાલન કરે છે. રેલવે બોર્ડ તથા વ્યાપાર ઉદ્યોગ સાથે જોડાયેલ સૌ કોઇ માટે સંવાદ સત્ર આગામી સમય માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેવું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું. નવા પ્રોજેકટની પહેલથી આ વિસ્તારની ઔદ્યોગિક ક્ષમતા દિન -પ્રતિદિન વધશે જે માટે રેલવે નેટવર્કનું વિસ્તરણ અત્યંત આવશ્યક છે. અહીંનું સબ ડિવિઝન બે મુખ્ય બંદરો સાથે જોડાયેલ હોવાથી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૃષિ ઉત્પાદનો, પેટ્રોકેમિકલ્સ, કોલસો, સિરામિકસ, નમક, કન્ટેનર કાર્ગોના પરિવહન માટે આગામી દશ વર્ષ માટે  વ્યાપક રોડમેપ તૈયાર કરવા ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ આહ્વાન કર્યું હતું. આગામી સમયમાં મહાનગરપાલિકા સાથે નવા પ્રકલ્પોને ધ્યાને લઇ ઉત્તર, દક્ષિણ, પૂર્વાંચલ, રાજસ્થાન સહિત દેશના મહત્ત્વના ધાર્મિક, પ્રવાસન સ્થળોને કચ્છ સાથે જોડવાની માંગનો પુનરોચ્ચાર કરાયો હતો. ભારતીય રેલવે બોર્ડના અતિરિક્ત સભ્ય (ટ્રાફિક) કે.આર.કે. રેડ્ડીએ તુણા ટેકરી કન્ટેનર ટર્મિનલ, ગ્રીન હાઇડ્રોજનની ઉત્પાદન સુવિધાઓ જેવા આગામી પ્રોજેકટસ સાથે રેલવે કાર્ગોમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા હોવાનું કહ્યું હતું. રજૂ કરવામાં આવેલી તમામ માંગ પર સમરાત્મક વિચારણા કરી પ્રાધાન્ય આપશું. મેગા સિટીના માપદંડને ધ્યાને રાખી દરખાસ્ત અનુસાર તબક્કાવાર કનેકટીવિટી તથા ટ્રેડને પ્રાથમિકતા આપતાં જશું. મિની ભારત ગણાતા આ પ્રદેશના નાના તથા લઘુ અને મધ્યમ વ્યાપાર ઉદ્યોગને દેશની કરોડરજ્જુ ગણાવી તેમણે તેનાથી જ વ્યવસ્થાને મજબૂતાઇ મળશે તેવું ઉમેર્યું હતું. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રેલવે સુવિધાઓનું વિસ્તરણ અત્યંત જરૂરી છે. ચેમ્બરે રજૂ કરેલી માંગોમાં ભુજ રેલવે મથકનો ઝડપી વિકાસ, ભુજ નલિયા વચ્ચે આવતા આર.ઓ.બી., ટ્રેન નંબર 22421 - 22422 ભુજ સુધી લંબાવવા, ટ્રેન નંબર 15667-68 તથા 12937-38 ગાંધીધામથી પૂર્વ ભારત સાથે જોડતી ટ્રેનોને અઠવાડિયામાં ત્રણ દિવસ ચલાવવા, ભુજ-સરાઇરોહિલ્લા ટ્રેન દૈનિક ચલાવવા, દક્ષિણ ભારતીય રાજ્યો માટે વધારાની ટ્રેન સેવા શરૂ કરવાની માંગ કરાઇ હતી. આ બેઠકમાં રેલવેના ચીફ ફ્રેઇટ ટ્રાન્સ્પોર્ટેશન મેનેજર નરેન્દ્ર પનવાર, અમદાવાદ સિનિયર ડિવિઝન મેનેજર ડો. ઝેનિયા ગુપ્તા, ગાંધીધામ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઇ કાનગડ, સહમંત્રી નીતિન અગ્રવાલ, કારોબારી સભ્ય પારસમલ નાહટા, આદિલ રોઇન, બળવંત ઠક્કર, હેમચંદ્ર યાદવ, ઉમેશ ઠક્કર, ભગવાનદાસ ગુપ્તા, યુથ વિંગના નીલેશ અગ્રવાલ, મહેન્દ્ર જુણેજા, ગોવિંદ દનિચા, શશિકાંત શર્મા, હનુમાન બિશ્નોઇ, અશ્વિની કચ્છાવા, ઝેડ.આર.યુ.સી.સી., ડી.આર.યુ.સી.સી. ના પ્રતિનિધિઓ, કચ્છ સ્મોલ સ્કેલ, ગુજરાત રિફાઇન્ડ સોલ્ટ, ટ્રાન્સપોર્ટ વેલ્ફેર, કચ્છ મલયાલી વેલ્ફેર, ઉત્તર ભારતીય ક્ષત્રિય સમાજ, સાંતલપુર સોલ્ટ, જીજીટીએ, કંડલા ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેટર્સ વગેરેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang