ગાંધીધામ, તા. 10 : શહેરનાં સેકટર-7માં રહેનાર યુવાને રૂા.
30 હજાર ભર્યા બાદ સુરતથી 105 લેડીઝ ડ્રેસ મગાવતાં પાર્સલમાં માત્ર એક જ ડ્રેસ આવતાં
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના સેકટર-7માં રહી સમેક્ષ ઇન્ડિયા પ્રા.
લિમિટેડ કંપનીમાં જુનિયર ઇજનેર તરીકે કામ કરનાર અશોક રાયમલ રોશિયા (મહેશ્વરી)એ બનાવ
અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પત્ની રવેચી ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે. ગત
તા. 10-10ના ફરિયાદીને અજાણ્યા શખ્સે પોતે સુરતથી અંબિકા ક્રીએશનથી બોલતો હોવાનો ફોન
કર્યો હતો અને લેડીઝ ડ્રેસ બનાવી હોલસેલનો ધંધો હોવાની વાત કરી ડ્રેસના જુદા-જુદા ફોટા
મોકલાવ્યા હતા.જે ફરિયાદીને પસંદ આવતાં તેમણે 105 ડ્રેસનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે
ઠગબાજએ રૂા. 20,000 માગતાં ફરિયાદીએ આપી દીધા હતા. ફરિયાદીએ પાર્સલ મોકલાવતો વીડિયો
બનાવી મૂકવાની વાત કરતાં ઠગબાજએ તેને વીડિયો બનાવીને મૂકયો હતો. બાદમાં પાર્સલ ન આવતાં
ફરિયાદીએ ફોન કરતાં વધુ 10,000 માગતાં યુવાને ઓનલાઇન આપી દીધા હતા. બાદમાં તા.
19-10ના પોસ્ટમાં પાર્સલ આવતાં ફરિયાદી ત્યાં પાર્સલ લેવા ગયા હતા પરંતુ ત્યાં 105ની
જગ્યાએ માત્ર એક જ ડ્રેસ આવતાં ફરિયાદીએ પાર્સલ પરત મોકલવી દીધો હતો. પાછળ અજાણ્યા
નંબર પરથી ફોન આવ્યો હતો અને પાર્સલ પરત કેમ મોકલાવ્યું તેવી વાતો કરી હતી. 105ની જગ્યાએ
એક ડ્રેસ મોકલાવી રૂા. 30,000 પરત ન આપતાં આ શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની
તપાસ હાથ ધરી છે.