• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કથા એટલે પ્રભુ પ્રત્યે અનુરાગ પ્રગટ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 10 : પ્રભુ પ્રત્યે અનુરાગ પ્રગટ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ શ્રીમદ્ ભાગવત કથા અને શ્રીહરિ નામ સંકીર્તન છે, તેવું ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા પૂ. ભાઇશ્રીએ અંજાર તાલુકાનાં ચાંદ્રાણી ખાતે આયોજિત ભાગવત કથાના અંતિમ દિવસે શ્રાવકોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું. ચાંદ્રાણી ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે મુખ્ય યજમાન સ્વ. મોંઘીબેન સામતભાઇ બકુત્રા પરિવાર, ગં.સ્વ. જમનાબેન માદેવાભાઇ મ્યાત્રા પરિવાર દ્વારા આયોજિત `108 પોથી સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ' કથા પારાયણમાં ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રીએ શ્રોતાઓને ભાગવતરૂપી અમૃત રસનું પાન કરાવતાં કહ્યું હતું કે, કથા એ ગુરુ સમાન છે. સંસારના સંગને કારણે આવેલ દોષને દૂર કરવા સાધુનો સંગ અનિવાર્ય છે. પરમ બ્રહ્મ એટલે નિર્ગુણ, નિરાકાર અને પરમ સત્ય. માયામાં પડેલ બ્રહ્મનું પ્રતાબિંબ એટલે ઇશ્વર. વિશ્વ એ પરમાત્માનું સ્વરૂપ હોવાનું પૂ. ભાઇશ્રીએ જણાવ્યું હતું. કથા સ્થળ `ગૌલોક' મધ્યે `108 પોથી સમૂહ શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ'ના સાતમા અને અંતિમ દિવસે મંગલાચરણ કરી વ્યાસપૂજન અને ભાગવત સ્તુતિ બાદ કથાનો મંગલ પ્રારંભ કરતાં જણાવેલું કે, પરમાત્માની અભિવ્યક્તિ એટલે અનંત આનંદ બ્રહ્માંડ. ગીતાજીનું વર્ણન કરતાં જણાવેલ કે, આત્મા જન્મતો નથી કે અંત પણ નથી પામતો, આત્મા એ શાશ્વત છે. શ્રીમદ્ ભાગવત, ભગવત ગીતા ઉપનિષદો એ બ્રહ્મવિદ્યા સ્વરૂપો સમાન છે. મનુષ્યના જીવનના તમામ પાપોનો નાશ શ્રીહરિ નામનાં સંકીર્તન દ્વારા  થાય છે. શ્રીકૃષ્ણે ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં અગાસુરનો વધ કર્યો હતો, આમ ભગવાનનું શરીર દિવ્ય હોવાનું વક્તાએ જણાવેલ હતું. પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રીએ હરિભક્તોને  કથાનું રસપાન કરાવતાં જણાવેલ કે, ભક્તિરૂપી યમુના નદીમાં જતાં પહેલાં વાસનારૂપી વસ્ત્રોનો ત્યાગ કરવો અનિવાર્ય છે. રામકૃષ્ણ પરમહંસ  જેવા ગુરુ  અને સ્વામી વિવેકાનંદ જેવા શિષ્યોને તેમણે  ધન્ય ગણાવ્યા હતા. સતાપર ખાતે ત્રિકમદાસજી મહારાજ દ્વારા નિર્મિત ગોવર્ધન પર્વત પરિસરના વિકાસ અને વૃક્ષ ઉછેરના કાર્યને પૂ. ભાઇશ્રીએ બિરદાવ્યું હતું તેમજ જણાવેલ કે, ગોપી ગીત એ શ્રીમદ્ ભાગવતનું સર્વોચ્ય શિખર છે. ભગવાનની ઇચ્છા શિવ અને જીવની એકતા વિના શક્ય નથી. ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રીએ કથાના અંતિમ દિવસના અંતિમ ચરણમાં શ્રીકૃષ્ણનો વાંસળી પ્રત્યેનો પ્રેમ તેમજ વાંસળીનાં માધ્યમથી ગોપીઓનો લગાવ વર્ણવ્યો હતો.  ગોપીઓએ શ્રીકૃષ્ણના પ્રેમથી ભરેલી વૃત્તિઓ હોવાનું જણાવેલ તેમજ પૂ. ભાઇશ્રીએ ભાવવિભોર કંઠે ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના લગાવથી અવગત કર્યા હતા.  પ્રેમમાં હોઠ અને હૈયાની ભાષા ભિન્ન હોય છે, શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચે થયેલ શાસ્ત્રાર્થમાં શ્રીકૃષ્ણની હાર થતાં ગોપીઓએ રાસ રચવા માટે શ્રીકૃષ્ણને વિનવ્યા હતા. ગોપીરાસની સુંદરતા અને ગોપીઓના શ્રીકૃષ્ણથી થયેલા વિયોગની સ્થિતિને પૂ. ભાઇશ્રીએ ભાવવિભોર કંઠે વર્ણવતાં જણાવેલ કે, પ્રિયતમ (શ્રીકૃષ્ણ)થી વિયોગની પીડાથી હજારો ગોપી વિરહમાં વ્યથિત થઈને રડતી હતી.  વાસ્તવમાં તો શ્રીકૃષ્ણ વિયોગની પીડા જ ગોપીઓની તપસ્યા સ્વરૂપ હતી.  પૂ. ભાઇશ્રીએ શ્રીકૃષ્ણ અને રાધાજીના અલૌકિક પ્રેમથી સૌ ભાવિકોને અભિભૂત કર્યા હતા.  પૂ. ભાઇશ્રીએ જણાવેલ કે, જીવનમાં અન્યનો વિચાર બાધારૂપ નીવડે છે. બુદ્ધિના દેવ બ્રહ્મા અને અહંકારના દેવ શિવજી પણ શ્રીકૃષ્ણને વશ છે.  કથાના અંતે પૂ. ભાઇશ્રીએ રાજા પરીક્ષિતના અંતિમ સમયનું વર્ણન કરી કથાને વિરામ આપ્યો હતો.  ભાગવત સપ્તાહ કથાના અંતિમ દિવસે પૂંજલ દાદા અખાડાના મહંત દિલીપ રાજા, અમરકંટકના સુબોધમુનિજી, ગયાપ્રસાદ મહારાજજી, રત્નાગિરિ મઢીના મહંત વસુમતીબેન, મુનિ આશ્રમના ગંગામુનિ માતાજી, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, મધુભાઈ ભટ્ટ, અરજણભાઈ બકુત્રા, સાવનભાઇ ખાટરિયા, ડેનીભાઇ શાહ, શામજીભાઇ ખાટરિયા, અરજણભાઈ માતા, દેવરાજ આહીર, પચાણ ભુવાજી, રાધુભાઈ ગોયલ, આત્મારામ ગામોટ, નારણભાઈ ગોયલ, રામજીભાઇ ઝેર, ખીમજી બરાડિયા, શંકરભાઈ મરંડ, ધનજીભાઇ ચાવડા, રાણાભાઈ વાઘેલા, ભોજાભાઇ વીરડા, દિનેશભાઈ મ્યાત્રા, અનિલભાઇ સુથાર, હરિભાઈ ડાંગર, અંજાર પીજીવીસીએલનો સ્ટાફ, મહેશભાઈ માતા સહિતના ઉપસ્થિત આગેવાનો, અતિથિઓએ વ્યાસપીઠના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કથા આયોજનને સફળ બનાવવા કથા સમિતિના અધ્યક્ષ અરજણભાઈ કાનગડ, શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળના અધ્યક્ષ નારણભાઇ બકુત્રા, મુખ્ય યજમાન પરિવારના કિરણભાઈ બકુત્રા અને અર્જુનભાઈ બકુત્રાએ આ કથામાં સેવા આપનાર સેવકો અને કથા શ્રવણ માટે આવેલા તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang