તેજસ્વી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે `પીએમ વિદ્યાલક્ષ્મી યોજના'ને કેન્દ્રીય
કેબિનેટે મંજૂરી આપી છે. પૈસાના અભાવે કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે,
તેવી ભાવનાની આ યોજના અનુસાર ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ `ક્યુએચઈઆઈ'માં પ્રવેશ મેળવનાર કોઈપણ વિદ્યાર્થી
પાઠયક્રમ સંબંધિત ટયૂશન ફી અને અન્ય ખર્ચની સંપૂર્ણ રકમને આવરી લેવા માટે બેન્કો અને
નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈપણ પ્રકારની જામીનગીરી અથવા ગેરંટર વિના લોન મેળવવા પાત્ર
હશે. આર્થિક તંગી ઉચ્ચ શિક્ષણમાં હંમેશાં બાધક રહે છે. ભારે સંખ્યામાં હોશિયાર વિદ્યાર્થીઓ
ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. ઉચ્ચ શિક્ષણ માટે આવશ્યક બંદોબસ્ત નહીં હોવાના કારણે
તેમની આશાઓ વચ્ચે જ ભાંગી જાય છે. મેધાવી વિદ્યાર્થીઓને વિત્તીય સહાય પ્રદાન કરવાના
મકસદથી લાવવામાં આવેલી `પીએમ વિદ્યાલક્ષ્મી'
યોજના વિદ્યાર્થીઓનાં સ્વપ્નોને પાંખ આપનારી સાબિત થશે. મકસદ એ છે કે, કોઈપણ વિદ્યાર્થી
આર્થિક તંગીના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય. આ યોજના અંતર્ગત આઠ લાખ રૂપિયાથી
ઓછી આવકવાળા પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં
આવશે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ આ યોજનાથી લાભાન્વિત થઈ શકશે. નબળી આવક વર્ગનાં
બાળકોને ઉચ્ચ શિક્ષણની તક આપવાની દૃષ્ટિએ શરૂ કરવામાં આવેલી આ યોજનાનું મહત્ત્વ છે.
કારણ કે, પૈસાની કમી હંમેશાં આવા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની રાહમાં સંપૂર્ણ રીતે
બાધક બની રહી જાય છે અથવા ગુણવત્તાવાળી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશથી વંચિત રહી જાય છે.
આ કારણે નોકરીઓ અને સ્વરોજગારની તકો પણ સીમિત બની જાય છે. હાલ શિક્ષણ ખૂબ મોંઘું બની
ગયું છે અને ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવું આસાન નથી. આ માટે ઉચિત માર્ગદર્શનની સાથોસાથ પર્યાપ્ત
આર્થિક મદદની પણ જરૂર હોય છે. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના કેન્દ્રીય બજેટ ઘોષણાને અનુરૂપ
જ કરવામાં આવી છે. આ પ્રકારની યોજના મહત્ત્વની છે. કારણ કે, હાલની વ્યવસ્થામાં શિક્ષણ
લોન અને વ્યાજનું નિર્ધારણ સંબંધિત બેન્કની પોલિસીના નિયમો મુજબ થાય છે. હાલ બેન્કો
દ્વારા શિક્ષણ લોન પર 7થી 15 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. શિક્ષણ લોન માટે
અરજી કરનારા વિદ્યાર્થીની કોલેજમાં રેન્ક, ફી, પુસ્તકો, હોસ્ટેલનો ખર્ચ સહિત શિક્ષણથી
સંકળાયેલા અન્ય ખર્ચાનું આકલન કરી બેન્ક 10થી 20 લાખ રૂપિયાની લોન આપે છે. સ્પષ્ટ છે
કે, મેધાવી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ લોન લેવાનો વિકલ્પ મુશ્કેલ હોય છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં
પણ ભલામણ કરવામાં આવી છે કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં મેધાવી વિદ્યાર્થીઓને વિભિન્ન માધ્યમથી
વિત્તીય સહાય ઉપલબ્ધ કરાવવી જોઈએ. આશા છે પ્રતિભાશાળી, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના
બૌદ્ધિક વિકાસ, રોજગાર અને ઉદ્યમશીલતાની દૃષ્ટિએ કેન્દ્રની આ નવી શિક્ષણ લોન યોજના
આધાર બનશે.