• મંગળવાર, 02 જુલાઈ, 2024

સેનાના ઈતિહાસમાં પહેલીવાર બે સહઅભ્યાસી સેના અને નૌકાદળની કમાન સંભાળશે

નવી દિલ્હી, તા. 29 : ભારતીય સેનાના ઈતિહાસમાં પ્રથમ વખત બે સહાધ્યાયી લેફટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી, ભારતીય સેના અને નૌકાદળના વડા બનશે. તેઓએ મધ્યપ્રદેશની સૈનિક સ્કૂલ રીવામાં 1970ના દાયકાની શરૂઆતમાં ધોરણ પાંચમાં સાથે અભ્યાસ કર્યો હતો. બંને અધિકારીના રોલ નંબર પણ એક બીજાની નજીક હતા. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીનો રોલ નં. 931 હતો અને એડમિરલ ત્રિપાઠીનો રોલ નંબર 938 હતો, બંને શાળા દિવસોથી સારા મિત્રો છે અને સેનાના અલગ-અલગ વિભાગોમાં હોવા છતાં તેઓ હંમેશાં સંપર્કમાં રહે છે. બંને અધિકારીને ઓળખતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું કે, સેનામાં વરિષ્ઠ નેતૃત્વ વચ્ચેની મજબૂત મિત્રતા સેવાઓ વચ્ચેના કાર્યકારી સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ભારત ભૂષણ બાબુએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, બંને સહાધ્યાયીની નિયુક્તિ પણ સમયે થઈ હતી, જેમાં લગભગ બે મહિનાનો ફરક હતો. એડમિરલે પહેલી મેના ભારતીય નૌકાદળની કમાન સંભાળી હતી. જ્યારે લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી રવિવારે સેનાધ્યક્ષનું પદ સંભાળશે. હાલમાં નાયબ સેનાધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા લેફ. જનરલ દ્વિવેદી રવિવારે પોતાનો નવો કાર્યભાર સંભાળી તેઓ નિવૃત્ત થવા જઈ રહેલા જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. સેનાના ઉપપ્રમુખનું પદ સંભાળતાં પહેલાં 2022થી 2024 સુધી ઉધમપુર સ્થિત ઉત્તર કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang