ભુજ, તા. 27 : ચકચારી
મુંદરા કસ્ટોડિયલ ડેથ કેસમાં રોજેરોજ ટ્રાયલ ચલાવી બે માસમાં કેસ પૂર્ણ કરવા
હાઇકોર્ટના આદેશ બાદ આ કામગીરી ચાલુ થઇ ગઇ છે. મુંદરા કસ્ટોડિયલ ડેથમાં પીઆઇ
જયેન્દ્રસિંહ અનુપસિંહ પઢિયારે હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. આ
અરજી મંજૂર થાય તેમ ન હોતાં અરજદારે અરજી પાછી ખેંચી હતી. ગુજરાત હાઇકોર્ટના
ન્યાયમૂર્તિ એસ.ડી. સુથારે આ કેસ રોજેરોજ ચલાવવા અને બે માસમાં પૂર્ણ કરવા આદેશ
કર્યો હતો. આથી એડિશનલ સેશન્સ જજ ભુજ-કચ્છ દ્વારા તા. 22/1ના આ
મેટર રોજેરોજ ચલાવવા હુકમ કરાયો હતો. આરોપી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા
તા. 20/1/21ના રાત્રિના 12 વાગ્યાથી
રાતના 9 વાગ્યા સુધી મુંદરા પોલીસ મથકે લાગેલા કેમેરાના સીસીટીવી
ફૂટેજની કોર્ટમાંથી મળવા માટે માગણી કરી તેમજ આ ડેટા પૂરો પાડવામાં ન આવે ત્યાં
સુધી ફરિયાદીની વિશેષ ઉલટતપાસ મોકૂફ રાખવા માગણી કરી હતી. આ રીતે અરજી આપતાં
પ્રોસિક્યુશનના સ્વ. પી.પી. અનિલભાઇ આર. દેસાઇ અને ફરિયાદી પક્ષ દ્વારા સખત વિરોધ
કરવામાં આવ્યો હતો. કેસ ચલાવવામાં વિલંબ કરવા આ અરજી કરવામાં આવી હોવાની રજૂઆત
કરવામાં આવી હતી. અધીક સેશન્સ ભુજ દ્વારા પક્ષકારોને સાંભળી હાઇકોર્ટના રોજેરોજ
ટ્રાયલ ચલાવવાના આદેશને ધ્યાને લઇ આરોપી શક્તિસિંહની આ અરજી નામંજૂર કરી હતી. આથી
આરોપી શક્તિસિંહ હાઇકોર્ટમાં જવા માંગે છે અને કેસ ત્યાં સુધી મુલતવી રાખવા માગણી
કરી જે અરજી પણ વિગતવારના કારણો સાથે
નામંજૂર થઇ છે. આ કેસના ફરિયાદી દેવરાજભાઇ રતનભાઇ ગઢવી (સમાઘોઘા)ની જુબાની
જે 8/10/24ના શરૂ થઇ તે જુબાનીની ઉલટતપાસ હવે પૂર્ણ
થઇ છે. આ જુબાની ચાર માસ ચાલી હતી. આ રીતે આ કેસ ગુજરાત હાઇકોર્ટના ડે-ટુ-ડેના
આદેશ મુજબ આગળ વધી રહ્યો છે. આ કેસમાં હવે 10થી 12 સાહેદો
તપાસવાના રહે છે, જેની કામગીરી શરૂ થઇ ગઇ છે.