ભુજ, તા. 27 : એકાદ
વર્ષ જૂના સગીરાના અપહરણ-દુષ્કર્મના પોક્સોના કેસમાં આરોપી ખારી (ખાવડા)ના માશુક
કરીમ રાજમામદ ભિયાને 10 વર્ષની સખત કેદ અને ચાર લાખનો
દંડ ફટકારી અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો પ્રમાણે ગત
તા. 25/2/23ના માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સહઆરોપીઓની મદદથી
મૂળ આરોપી માશુક ભિયાએ સગીરાનું અપહરણ કરી કારાઘોઘા-બરાયા વિસ્તારમાં વાડી ઉપર
મૂકી આવી ત્યાં આરોપી માશુકે ભોગ બનનાર સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ
ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં તપાસના અંતે પૂરતા પુરાવા હોઇ કોર્ટમાં ચાર્જશીટ
કરવામાં આવી હતી. આ કેસ સ્પે. જજ વી. એ. બુદ્ધની અદાલતમાં ચાલી જતાં 20 દસ્તાવેજી
પુરાવા તથા આઠ સાક્ષી તપાસવામાં આવ્યા હતા,
જેમાં આરોપી માશુકને તક્સીરવાન ઠરાવી 10 વર્ષની
સખત કેદ તથા ચાર લાખનો દંડ કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. આ ચાર લાખના દંડમાંથી બે
લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા હુકમ થયો છે. ફરિયાદ પક્ષે સરકારી વકીલ એચ. બી.
જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.