• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ભચાઉમાં ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતાં બાળકીનું મોત

ગાંધીધામ, તા. 27 : ભચાઉના કસ્ટમ સર્કલ પાસે બાઇકને ટ્રેઇલરે હડફેટમાં લેતાં ધ્રુવીશાબા કુલદીપસિંહ ઝાલા નામની બાળકીનું મોત થયું હતું જ્યારે બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ બીજીબાજુ આડેસર નજીક માર્ગ ઓળંગવા જતા આમદ સલેમાન રાઉમાને સરકારી બસે હડફેટમાં લેતાં આ આધેડે જીવ ખોયો હતો. બીજીતરફ ખાવડા માર્ગ હાલ અકસ્માત ઝોનમાં ફેરવાયો છે ત્યારે ગઇકાલે નોખાણિયા-લોરિયા વચ્ચે બે બાઇકની ટક્કરમાં ઢોરીના 26 વર્ષીય મેહુલભાઇ માવજીભાઇ ગાગલનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી છે. ભચાઉના કસ્ટમ સર્કલ પાસે ગત તા. 24/1ના સમીસાંજે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કુલદીપસિંહ નવલસિંહ ઝાલા અને તેમની દીકરી ધ્રુવીશાબા બાઇક નંબર જી.જે.-12-બી.એલ.-9653થી જઇ રહ્યા હતા. દરમ્યાન, માતેલા સાંઢની માફક દોડતાં આવતાં ટ્રેઇલર નંબર જી.જે.-12-બી.વાય.- 8289એ આ બાઇકને હડફેટમાં લીધી હતી, જેમાં પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના ફરિયાદી યશવંતસિંહ ઝાલા મોરગરની મોનો સ્ટીલ કંપનીમાં કામ કરી પરત ભચાઉ આવ્યા હતા. તે કસ્ટમ સર્કલે આવતાં લોકો એકઠા થયેલા જણાયા હતા જ્યાં પોતે ત્યાં જતાં તેના સગાં ભાઇ અને ભત્રીજી અકસ્માતગ્રસ્ત હાલમાં પડયા હતા. બંનેને સારવાર અર્થે લઇ જવાતાં બાળકીને મૃત જાહેર કરાઇ હતી જ્યારે કુલદીપસિંહને વધુ સારવાર અર્થે અન્યત્ર લઇ જવાયા હતા. વધુ એક બનાવ આડેસર નજીક રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પાસે બન્યો હતો. આડેસરમાં રહેનાર આમદ રાઉમા ગઇઇકાલે બપોરે જમીને પગપાળા નીકળ્યા હતા. વરણુ રોડની સામે ધોરીમાર્ગ ઓળંગી સર્વિસ રોડ પર આવતાં હિંમતનગર-અંજાર રૂટની બસ નંબર જી.જે.-18-ઝેડ.- 9518એ તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં આ આધેડનું મોત થયું હતું. સરકારી બસના ચાલક વિરુદ્ધ રહીમ આમદ રાઉમાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજીતરફ, બે મિત્ર મેહુલભાઇ ગાગલ (ઢોરી) અને મયૂરભાઇ માવજીભાઇ ખાસા (કુનરિયા) ગઇકાલે બાઇક લઇને કુનરિયાથી નખત્રાણા જઇ રહ્યા હતા ત્યારે નોખાણિયા અને લોરિયા વચ્ચે ચામુંડા પેટ્રોલપંપ પાસે અન્ય બાઇક સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આથી આ બંને યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં રાત્રે સારવાર દરમ્યાન મેહુલભાઇનો જીવનદીપ બુઝાતાં પરિવારમાં અરેરાટી વ્યાપી હતી. ઘાયલે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd