ભુજ, તા. 27 : થોડા
જ દિવસ પૂર્વે કચ્છની ક્રીકમાંથી બાબુ અલી પકડાયો હતો અને તેની પૂછપરછ બાદ
રાજસ્થાન બોર્ડર પરથી હથિયારોનો જથ્થો પકડાયો હતો. આમ ફરી ગઇકાલે બેલા સીમાએથી વધુ
એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાતાં સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી છે. ગઇકાલે 26મી
જાન્યુઆરીનાં પગલે સીમા પર સુરક્ષા જવાનો એલર્ટ હતા ત્યારે રાપરના બેલા પાસેની
સીમાએ સીમા સુરક્ષા દળના દાંતીવાડાની 21મી બટાલિયને સામેપારથી આવેલા
ઘૂસણખોરને ઝડપી લીધો હતો. આ અંગે મળેલી જાણકારી મુજબ પાકિસ્તાનના બરગાદી ખારાઇનો
ખાવર કૈમુન (ખૈમુન) ભાગરા કોલી નામના ઘૂસણખોરને ઝડપી તેની તલાશી લેતાં તેની પાસેથી
તમાકુના પડીકાં સિવાય કંઇ સંદિગ્ધ મળ્યું ન હતું. મેડિકલ તપાસણી બાદ તેને જોઇન્ટ
ઇન્ટ્રોગેશન સેન્ટરમાં ખસેડાયો છે જ્યાં તેની વિવિધ એજન્સી દ્વારા પૂછતાછ કરવામાં
આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,
12 જાન્યુઆરીના
કચ્છની ક્રીકમાંથી પાકિસ્તાની ઘૂસણખોર બાબુ અલી ઝડપાયો હતો અને તે માછીમાર હોવાનું
જણાવતો હતો પરંતુ તેના હાથ માછીમારો કરતાં કોમળ હતા અને તેના શબ્દો ડિકોર્ડ કરી
બાડમેરથી હથિયાર આવવાની વાત સામે આવતાં રાજસ્થાન બોર્ડર પરથી 16મીના
હથિયારનો જથ્થો પકડાયો હતો. આમ,
સામેપારના નાપાક ઇરાદાઓને ધ્યાને લઇ ફરી વધુ એક ઝડપાયેલા આ
ઘૂસણખોરને લઇને સુરક્ષા એજન્સીઓ અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેની
પૂછતાછમાંથી શું નીકળે છે તેના પર હાલ મીટ મંડાઇ છે.