ગાંધીધામ, તા. 8 : વાગડ પંથકના ગાગોદર અને રાપરના સેલારીમાં
થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ કાર્યવાહી દરમ્યાન ચાર શખ્સોને
પોલીસે પકડી પાડી રૂા. 6,51,400નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. રાપરના નલિયા ટીંબામાં
ખેડૂતના ઘરમાંથી તા. 25-12ના દિવસ દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ ખુલ્લા મકાનમાંથી
લાખોના દાગીનાની ચોરી તસ્કરોએ કરી હતી જે અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી
તેમજ રાપરના સેલારીમાં પણ તા. 6-1ના લાખોની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ચોરીના
આ બનાવોમાં સંડોવાયેલા શખ્સો ચોરીનો મુદ્દામાલ વેચવા જઇ રહ્યા હોવાની અને હાલે ચિત્રોડ
પુલ પાસે ઊભેલા હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. અહીંથી પોલીસે
રામ ઉર્ફે બાલો પાંચા મૂછડિયા તથા અરવિંદ દેવા રાઠોડ નામના શખ્સોને પોલીસે પકડી પાડી
તેમની કડક પૂછપરછ કરી હતી જેમાં ભાંગી પડેલા આ શખ્સોએ રામ તથા દેવજી લખુ મૂછડિયાએ ચોરીના
બનાવને અંજામ આપ્યો હતો. અરવિંદે સેલારી ગામે ચોરીવાળી જગ્યા બતાવી ચોરીનો માલ વેચવા
સાથે ગયો હતો. બંનેની પૂછપરછ બાદ મેઘપર બોરીચી વાસ્તુધામ સોસાયટીમાં રહેનાર વિપુલગિરિ
શિવગિરિ ગોસ્વામીને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સે ચોરીનો માલ વેચવા લીધો હતો તેમજ
અંજારના સંજય દિગંબર બાબર (મરાઠી) નામના શખ્સે ચોરીનો માલ લેતાં તેને પણ પોલીસે પકડી
પાડયો હતો. આ ચારેય પોલીસના સકંજામાં આવી ગયા હતા ત્યારે દેવજી મૂછડિયાને પકડી પાડવા
કાર્યવાહી હાથ ધરાઇ છે. નલિયા ટીંબા ચોરી પ્રકરણમાં ચાંદીની ઝાંઝરી, સાંકડા, હાથના
નજરિયા, ચાંદીના કડા, પોંચી, ઢાળિયો મળીને રૂા. 3,57,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
જ્યારે સેલારી પ્રકરણે ચાંદીના કડલા, રોકડ રૂા. 2,46,000 હસ્તગત કરાયા હતા. અન્ય મુદ્દામાલ જપ્ત કરવા આ શખ્સોને
રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે. ચારેય પાસેથી ચાર મોબાઇલ પણ જપ્ત કરાયા હતા.
પકડાયેલા શખ્સોને ગાગોદર પોલીસના હવાલે કરાયા હતા.