ભુજ/ગાંધીધામ, તા. 8 : માધાપરમાંથી ફરી અને માંડવી તથા ભચાઉમાં
પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની ફિરકીઓ પકડાતા પોલીસે મુદામાલ જપ્ત કરી જાહેરનામા ભંગની
કાયદેસરની કાર્યવાહી કરી છે. થોડા દિવસ પૂર્વે એલસીબીએ માધાપરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ
દોરાની ફિરકીઓ પકડી હતી. આ બાદ ફરી ગઈકાલે માધાપરના બસ સ્ટેશન પાસે આરોપી રાજ સુધીરભાઈ
ઠક્કરને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની આઠ ફીરકી કિ.રૂા. 4000ના મુદામાલ સાથે માધાપર પોલીસે
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગઈકાલે જ માંડવીના સાંજીપડીમાંથી ધ્રુવ
વાલજીભાઈ હિરાણીએ વેચાણ અર્થે રાખેલી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીઓ નંગ-7 કિ. રૂા.
2,800ના મુદામાલ સાથે માંડવી પોલીસે ઝડપી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી આદરી
છે. બીજી તરફ ભચાઉના કસ્ટમ પુલિયા નજીક કંથડનાથ દાદાના મંદિર પાસે મેદાનમાં પોલીસે
ગઈકાલે સાંજે કાર્યવાહી કરી હતી. અહીં ઉત્તરાયણ નિમિતે બે શખ્સ થેલામાં ચાઈનીઝ દોરી
લઈ આવીને વેચાણ માટે ઉભા હતા. ગામના જ જયેશ વાલા વાઘેલા અને સકીર ભીખુ સોલંકીને પોલીસે
પકડી પાડયા હતા. આ બંને શખ્સ પાસેથી રૂા. 4000ની 8 પ્રતિબંધિત એવી ફિરકી જપ્ત કરવામાં
આવી હતી.