ગાંધીધામ, તા. 8 : આર્થિક પાટનગર એવા આ શહેર સંકુલમાં કાપ્યો
છેની ગુંજ આગોતરી સાંભળવા મળે છે. ઉત્તરાયણને મનાવવા પતંગ ચાહકોમાં અનેરો થનગનાટ જોવા
મળી રહ્યો છે. સાથોસાથ કમાવી લેવાની લ્હાયમાં અનેક વેપારીઓએ ઠેર-ઠેર તંબુ નાખી દીધા
છે જે પૈકી અમુક દુકાનોમાં ચાઇનીઝ દોરા, તુક્કલ બેરોકટોક વેચાતા હોવાનું મનાય છે. મનુષ્ય
કે પક્ષીઓ માટે ઘાતક દોરી લોકોને દેખાય છે, પણ ગમે તે કારણે પોલીસને દેખાતી નથી. મકરસંક્રાંતિનાં
પર્વને મનાવવા લોકો સજ્જ થઇ ગયા છે. લોકોની પતંગ-દોરી વિગેરેની માંગને પહોંચી વળવા
વેપારીઓએ પણ કમર કસી છે. અમુક લોકો પોતાનો
પતંગ કપાય જ નહીં તે માટે ચાઇનીઝ કે ધારદાર દોરાની માંગ કરતા હોય છે. દર વર્ષે જિલ્લા
કલેકટર દ્વારા ચાસનીઝ દોરી, તુક્કલ, લોન્ચર, લેન્ટર્ન વગેરે અંગે જાહેરનામું બહાર પાડવામાં
આવે છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે ? તે પશ્ન છે. ચાઇનીઝ તુક્કલ, લેન્ટર્નના કારણે
અગાઉ આ સંકુલમાં આગના મોટા બનાવો બની ચૂકયા છે, જેમાં વેપારીઓને લાખોની નુકસાની સહન
કરવાનો વારો પણ આવ્યો છે. આવી સળગતી તુક્કલ કોઇ ગરીબના ઝૂંપડાં ઉપર પડે તો જાનહાનિ
થવાની ભીતિ પણ છે. હાલમાં બે જાન્યુઆરીના જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડયું છે,
જેમાં ચાઇનીઝ દોરા, તુક્કલ, લેન્ટર્ન, લોન્ચરના જથ્થાબંધ વેપાર, આયાત, ખરીદ, વેચાણ,
સંગ્રહ કે વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી દોરીના કારણે અગાઉ આ સંકુલમાં
લોકોના ગળા, નાક ચીરાઇ ગયાના બનાવો પણ બહાર આવ્યા હતા. જાહેર રસ્તા ઉપર પતંગ ચગાવવા,
બંબુ, પટ્ટી લઇને જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરવા, વાયરમાં લંગર નાખવા, ભયજનક રીતે
ધાબા પર પતંગ ચગાવવા, લોકોને ત્રાસ થાય તે રીતે મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવા, લાગણી
દુભાય તેવા તથા ઉશ્કેરણીજનક લખાણો પતંગ પર લખવા વગેરે બાબતો અંગે જિલ્લા કલેકટરે જાહેરમાનું
બહાર પાડયું છે. તેમ છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંની બજારોમાં પ્રતિબંધિત દોરી,
તુક્કલ, લેન્ટર્ન વગેરે બેરોકટોક મળી રહ્યા છે. પૂર્વ કચ્છમાં માત્ર ભચાઉમાં પોલીસે
બે શખ્સોને ચાઇનીઝ દોરી સાથે પકડી પાડીને કાર્યવાહી કરી છે. જો કે આ શખ્સો દોરી કયાંથી
લાવ્યા તે બહાર આવ્યું નથી. બીજે કયાંય પણ આવી કામગીરી પોલીસ દ્વારા કરાઇ નથી. ઓસ્લો
ટોકીઝની આસપાસ, મુખ્ય બજાર, ભારતનગર, આદિપુર બસ સ્ટેન્ડ આસપાસ વગેરે જગ્યાઓ પર અમુક
વેપારીઓ પ્રતિબંધિત વસ્તુઓ વેચતા હોવાનું જાણકાર લોકોએ કહ્યું હતું.