ગાંધીધામ, તા. 8 : અંજાર તાલુકાના વરસામેડી ખાતે મોનિકા ભુંડારામ
આંકીયા (ઉ.વ. 15) નામની કિશોરીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું તેમજ
અંજારના રામકૃષ્ણ મહાવિરનગરમાં કેશરબેન પ્રભુજી ઠાકોર (ઉ.વ. 37)એ ગળેફાંસો ખાઇ જીવ
દીધો હતો તથા અંજારમાં રહેનાર હરીલાલ માવજી સોરઠિયા (ઉ.વ. 47)એ ઝેરી દવા પી લઇ છેલ્લા
શ્વાસ લીધા હતા. વરસામેડીના શાંતિધામમાં રહેનાર મોનિકા નામની કિશોરીએ ગઇકાલે સાંજે
અંતિમ પગલું ભરી લીધું હતું. આ કિશોરી પોતાના ઘરે હતી. દરમ્યાન અગમ્ય કારણોસર તેણે
ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. કિશોરીએ કેવા કારણોસર આપઘાત કર્યો હશે
તેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ અંજારના રામકૃષ્ણ મહાવિરનગરમાં
ભાડાના મકાનમાં રહેનાર કેશરબેનએ આપઘાત કરી લીધો હતો. અહીં એકલા રહેતા આ મહિલા ગઇકાલે
ઘરે હતા દરમ્યાન દુપટ્ટો પંખામાં બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. મહિલાને
ફોન કરાય તે ન ઉપાડતા પોલીસને જાણ કરાઇ હતી. અંદરથી બંધ દરવાજાને ધક્કો મારી અંદર જોવાતા
આ મહિલા લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આપઘાતનો વધુ એક બનાવ અંજારના વાડી વિસ્તારમાં
દબડા-ઝરૂ રોડ ઉપર બન્યો હતો. અંજારની યમુના પાર્ક સોસાયટીમાં રહેનાર હરિલાલ સોરઠિયાએ
અહીં આવી ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે
તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.