ભુજ / ગાંધીધામ, તા.8 : પાડોશી
દુશ્મન દેશ પાકિસ્તાન અને ડ્રગ્સની ઉપજ માટે કુખ્યાત એવા અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા
માટે ભારત હંમેશાં ડ્રગ્સની અન્ય દેશની હેરફેર માટે મહત્ત્વનું રહ્યું છે ત્યારે ભારતમાં
આ માદક પદાર્થ ઘુસાડવા માટે છેલ્લા પાંચ-છ વર્ષથી અરબસાગર પર નાપાક ડોળો મંડાયો છે,
આથી ગુજરાત અને તેમાંય કચ્છનું દરિયાઈ ક્ષેત્ર ડ્રગ્સના ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઊભરી
રહ્યું છે. વર્ષ 2024માં પણ નશાના આ કાળા કારોબાર થકી ગુજરાત કલંકિત બન્યું હતું, તેમાંય
કચ્છના સાગર કિનારે તો જાણે ડ્રગ્સની ભરતી આવી હોય તેમ ઉચ્ચ ગુણવત્તાના કેફી પદાર્થોના
પેકેટ્સ ઠેર-ઠેરથી સુરક્ષા એજન્સીઓ તથા પોલીસને મળતાં રહ્યાં હતાં. પૂર્વ કચ્છમાં મીઠી
રોહર અને ખારી રોહર પણ આવા બનાવોથી ગાજતા રહ્યા હતા. તો ઠેર-ઠેરથી ગાંજા મળવાના કિસ્સા
પણ સામે આવ્યા હતા. વર્ષ 2024ની આઠ જૂનથી કચ્છના પશ્ચિમિ દરિયાઈ વિસ્તાર જેમાં ખાસ
કરીને જખૌ-લખપત અને માંડવી વિસ્તારમાંથી છૂટાછવાયા માદક પદાર્થના પેકેટ્સ બિનવારસુ
હાલતમાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને પોલીસને મળવા શરૂ થયાં હતાં. આંતરરાષ્ટ્રીય
બજારમાં મેથાએમફેટામાઈનની એક કિલોની કિં. રૂ. પાંચ કરોડ છે. આ મોંઘેરાં ડ્રગ્સનાં પેકેટ્સ
પણ મળવાનાં શરૂ થતાં કુલ ડ્રગ્સ મળવાનો આંક 60થી 65 કરોડ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત ખારી રોહર નજીકથી 130 કરોડનું કોકેઈન અને 120 કરોડનો
પણ નશીલો પદાર્થ મળ્યો હતો તેમજ મીઠી રોહરમાં પણ 32 લાખના હેરોઈન સાથે શખ્સને પકડી
લેવાયો હતો. કચ્છના વિવિધ ક્ષેત્રમાં ગાંજાની ખેતી થતી હોવાનો પણ પર્દાફાશ થયો હતો.
2024 દરમ્યાન ડ્રગ્સ અને ગાંજા જેવા માદક પદાર્થના થયેલા પર્દાફાશની આ છે આછેરી ઝલક...
0 મેઘપર બોરીચીની સોસાયટીમાંથી 1.12 કરોડનો માદક પદાર્થ જપ્ત. 0 ગળપાદરમાં મેફેડ્રોન
વેચતી મહિલાની ધરપકડ. 0 ગાંધીધામમાં 23 લાખના કોકેઇન સાથે શખ્સની અટક. 0 મીઠી રોહરમાં
32 લાખનાં હેરોઇન સાથે શખ્સ જબ્બે. 0 ખારી રોહર નજીકથી 130 કરોડનું કોકેઇન જપ્ત. 0
રતનાલમાં 7.59 લાખના માદક પદાર્થ પોષડેડા જપ્ત.0 સણવાની સીમમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ.
0 ખારી રોહર નજીકથી વધુ 120 કરોડનો નશીલો પદાર્થ જપ્ત. 0 સામખિયાળીમાં 23.91 લાખના
હેરોઇન સાથે પંજાબી શખ્સની અટકાયત. 0 લાકડિયા નજીક કારના બોનેટમાંથી 1.47 કરોડનું ડ્રગ્સ
જપ્ત કરી બે મહિલા સહિત ચારની ધરપકડ. 0 સિનુગ્રામાં ગાંજાની ખેતી ઝડપાઇ. 0 કડુલીના
દરિયાકાંઠેથી 5.34 કરોડનું ચરસ મળ્યું. 0 સુથરી પાસે 45 કરોડના ડ્રગ્સના વધુ નવ પેકેટ
મળ્યાં. 0 મુંબઈથી ટ્રેનમાં એમડી ડ્રગ્સ લઈ આવેલો ભુજનો ઈસમ ઝડપાયો'તો. 0 ખાટલાભવાની
મંદિરનો પૂજારી અંગત વપરાશ માટે સંકુલમાં ગાંજાના છોડ ઉછેરતો હતો. 3.60 કિલો ગાંજા
સાથે ઝડપાયો. 0 મંજલના આંગણામાં ગાંજાનું વાવેતર પકડાયું. 0 ભુજમાં ગાંજાના જથ્થા સાથે બે યુવક પકડાયા. - વર્ષ દરમ્યાન
કરોડોનો દારૂ ઝડપાયો : વીતેલાં વર્ષ દરમ્યાન પોલીસે અંગ્રેજી દારૂના 464 કેસ કરીને કરોડોનો શરાબ પકડી
પાડયો હતો. તો પશ્ચિમ કચ્છમાં પણ અંગ્રેજી પ્રકરના ભારતીય બનાવટનો શરાબ પકડાયાના
36 કેસ નોંધાયા હતા જ્યારે પૂર્વ કચ્છમાં દેશી દારૂના 2221, ભઠ્ઠીના 293, પીવાના
1597 તથા અખાદ્ય ગોળના 4 ગુના નોંધાયા હતા.- હથિયારધારા-જુગારના બનાવોમાં ઊછાળો
આવ્યો : 2024 દરમ્યાન હથિયારધારાના 53 ગુના નોંધાયા હતા, જ્યારે 2023માં
26 ગુના જ નોંધાયા હતા તેમજ લોકોને જુગારની આદત પડી ગઇ હોય તેમ આ વર્ષ દરમ્યાન પોલીસે
જુગારધારાના 286 કેસ કર્યા હતા.- પૂર્વ કચ્છ
પોલીસે માથાભારે તથા બુટલેગરો સામે પાસા - તડીપારનું શત્ર ઉગામ્યું : પૂર્વ કચ્છ
પોલીસે વીતેલાં વર્ષ દરમ્યાન પાસાની અનેક દરખાસ્ત કરી હતી જે પૈકી પૂર્વ કચ્છમાં બાવીસની
મંજૂર થતાં આ બાવીસ શખ્સને રાજ્યની જુદી-જુદી જેલોમાં ધકેલી દેવામાં આવ્યા હતા તેમજ
અનેક વિરુદ્ધ તડીપારના કાગળિયા કરાયા હતા, જે પૈકી 15ની દરખાસ્ત મંજૂર થતાં તમામને
જિલ્લામાંથી તડીપાર કરાયા હતા તથા રાજ્યમાં પ્રથમ વખત વ્યાજખોરો વિરુદ્ધ અંજારમાં ગુજસીટોકનો
ગુનો નોંધાયો હતો. પોલીસની આવી કામગીરીમાં લોકોના લોહી ચૂસનારા વ્યાજખોરોમાં ભારે સોપો
પડી ગયો હતો. બીજી તરફ પશ્ચિમ કચ્છમાં પણ અનેક બુટલેગરો વિરુદ્ધ પાસાનું શત્ર ઉગામાયું
હતું.