• શુક્રવાર, 28 જૂન, 2024

રાપર સરકારી હોસ્પિટલમાં છરી સાથે આવેલા શખ્સથી દર્દીઓ ગભરાયા

રાપર, તા. 22 : શહેરમાં પોલીસની કોઇ ધાક રહી ન હોય તેમ વધતી જતી ગુનાખોરીને જોઇને લાગી રહ્યું છે. આજે બપોરે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા તબીબ ઉપર ખુલ્લેઆમ છરીથી હુમલાનો પ્રયાસ થતાં ભારે ચકચાર પ્રસરી હતી. અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે બપોરે આ ચકચારી બનાવ બન્યો હતો. મહિલા તબીબ ઓ.પી.ડી. તપાસી રહ્યા હતા ત્યારે એક શખ્સ ખુલ્લી છરી સાથે હોસ્પિટલમાં ઘૂસી આવ્યો હતો, જેને જોઇને બહાર હાજર દર્દીઓ અને સ્ટાફમાં નાસભાગ થઇ ગઇ હતી. દર્દીઓમાં વિશેષ?સગર્ભા મહિલાઓ હતી. આ શખ્સને ખુલ્લી છરી સાથે જોતાં તેમના જીવ અદ્ધર થઇ?ગયા હતા. આ શખ્સ ઓ.પી.ડી. તરફ આવતાં દર્દીઓને તપાસી મહિલા તબીબે સી.સી.ટી.વી.માં જોઇ?જતાં સમયસૂચકતા વાપરી ઓ.પી.ડી.નો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો. દરમ્યાન, ખુલ્લી છરી સાથે આવેલો શખ્સ પરત ગયો હતો. તબીબે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં ત્યાંથી સૂચના મળતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી અને આ શખ્સને પકડી લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલાં જ કચ્છમિત્રએ તબીબો અને સ્ટાફની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી, જે સાચી પડી છે. ખુન્નસે ભરાયેલા શખ્સે બહાર ઉભેલી એમ્બ્યુલન્સમાં છરીના બે-ત્રણ ઘા ઝીંક્યા હતા. આવામાં કોઇ?હડફેટમાં આવી જાય તો શું થાત ? એ કલ્પના કરતાં કંપારી છૂટી જાય છે. મહિલા તબીબનો સંપર્ક કરતાં ભયમાં મુકાયેલા તબીબે કાંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. બનાવ સી.સી.ટી.વી.ના કેમેરામાં કેદ થયો હતો. તબીબે ફરજના ભાગરૂપે કોઇ કેસમાં એમ.એલ.સી. ભરતાં જેનું મનદુ:ખ રાખી આજે હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. સામૂહિક કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે અમુક લુખ્ખા તત્ત્વો અહીં પડયા પાથર્યા રહેતા હોય છે. જેથી સલામતીનો પ્રશ્ન સર્જાય છે. આ અંગે રાપર પોલીસનો સંપર્ક કરતાં સરકારી મોબાઇલ પી.એસ.ઓ.એ ન ઉપાડતાં વધુ વિગતો જાણી નહોતી શકાઇ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang