• રવિવાર, 30 જૂન, 2024

આર્દ્રા નક્ષત્રમાં અમીવર્ષા; કચ્છમાં મેઘમાહોલ

ભુજ, તા. 27 : કચ્છી નવા વર્ષ આષાઢી બીજના અરસામાં સામાન્ય રીતે કચ્છમાં આવતા વરસાદે આ વખતે આગોતરી એન્ટ્રી કરવા સાથે પોતાની મહેર જારી રાખી છે. આર્દ્રા નક્ષત્રમાં મેઘરાજાએ આજે કચ્છના છ તાલુકામાં નોંધપાત્ર હાજરી સાથે સમગ્ર જિલ્લાના વિવિધ વિસ્તારમાં મહેર વરસાવી ખેડૂત, માલાધારીઓને આનંદિત કરી દીધા હતા. જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે સર્વાધિક 40 મિ.મી. તો છેવાડાના લખપત તાલુકામાં ઝરમર ઝાપટાં સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. આજે ગુરુવારે જિલ્લાના ભુજ, નખત્રાણા, અબડાસા, માંડવીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જ્યારે લખપત, રાપર, મુંદરા, ગાંધીધામ ખાતે ઝાપટાં સ્વરૂપે મેઘમહેર થઇ હતી. અમુક તાલુકાનો વરસાદ વરસાદી કન્ટ્રોલ રૂમના દફતરે ચડ્યો ન હતો. ભુજ શહેર અને વિસ્તારમાં આજે 40 મિ.મી., નખત્રાણામાં 31 મિ.મી., અબડાસામાં 15 મિ.મી., માંડવીમાં 19 મિ.મી. વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાનાં ઝાપટાંની નોંધ થઇ ન હતી. જિલ્લા મથક ભુજમાં અને ઉપરવાસના વિસ્તારમાં વરસાદી હેલીથી ભુજના હમીરસર તળાવની આવમાં મોટા બંધ માર્ગે પાણીની આવક થઇ હતી. આ પાણીમાં ગટરનાં પાણી પણ ભળ્યાં હોવાની ફરિયાદો બહાર આવી હતી. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાવાની પરંપરાગત સમસ્યા ઊભી થઇ હતી. જેણે તંત્રોને દોડતા કર્યા હતા. ભુજ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદનાં પગલે વીજળી પુરવઠો ખોરવાયાની ઘટનાઓ પણ બની હતી, તો નખત્રાણા ખાતે વરસાદમાં તંબુ અને હાથલારી તણાવાની, જ્યારે પૂર્વ કચ્છમાં એકસાથે 15 ભેંસ તણાવાનો ઘટનાક્રમ જોવા મળ્યો હતો.

માંડવીમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ : બંદરીય શહેર ઉપર મેઘરાજાની અમીદૃષ્ટિ થતાં 11 મિ.મી. (અડધો ઈંચ) વરસાદ નોંધાયો હતો. કન્ટ્રોલરૂમથી ભૂપેન્દ્ર સલાટે આપેલી જાણકારી મુજબ બપોરે ઝાપટાં અને શાંત સ્વરૂપે અડધો ઈંચ પાલર પાણી પડતાં મોસમનો કુલ વરસાદ 69 મિ.મી. થયો છે. કોલેરા દહેશતગ્રસ્ત શહેરમાં બફારામાંથી લોકોને આંશિક શાંતિ મળી હતી. વીજ સમસ્યા પણ વધી હતી.

ડોણમાં દોઢ ઈંચ : ડોણ પાટિયાથી ખીમજીભાઈ કેરાઈએ કહ્યું હતું કે, સવા દોઢ ઈંચ વરસાદ સોનાં જેવો છે. કોણ, ભાગી, શેરડી, ગંગાપુર, રાયણ વિસ્તારમાં પણ વરસાદ પડતાં આનંદની લાગણી ફેલાઈ છે.

ગોધરામાં પોણો ઈંચ : ગોધરાના પૂર્વ સરપંચ હાજી સલીમ ચાકીએ જણાવ્યું હતું કે, ગોધરા વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. કપિત વાવેતર માટે લાભદાયક સાબિત થયું હતું. ગોધરા, મેરાઉ, લાયજા, દુર્ગાપુર, મસ્કા, નાગલપર, ઢીંઢ, પિયાવા પંથકમાં પણ મેઘરાજાની કૃપા થઈ હતી.

રામપર (વેકરા)માં ગાજવીજ સાથે વરસાદ : રામપર વેકરામાં બપોરે 3થી 5 વાગ્યે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. પોણો ઈંચ વરસાદ પડતાં પાણી વહી નીકળ્યાં હોવાનું રમેશભાઈ જોશીએ કહ્યું હતું.

દહીંસરામાં ઘનઘોર વાદળા : ઘનઘોર વાદળા સાથે બે ઈંચ વરસાદ પડયો હતો. ગજોડ, ચુનડી, પુનડી, ધુણઈ, સરલી, ગોડપર, મેઘપર, ખત્રી તળાવ વિગેરેમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડેમમાં નવાં પાણીની અરાવક શરૂ થઈ હતી.

નખત્રાણામાં એકથી દોઢ ઈંચ વરસાદ : નખાત્રણામાં આજે આર્દ્રા નક્ષત્રનો એકથી દોઢ ઈંચ વરસાદ પોણો કલાકમાં વરસ્યો હતો. બપોર પછી ત્રણ વાગ્યે પવનના જોરદાર સપાટા સાથે શરૂ થયેલો વરસાદ નખત્રાણા, બેરૂ, મોસુણા, નારાણપર, રામપર, પિયોણી, ગોડજીપર, કાદિયા, ઉખેડા, રસલિયા, ખોંભડી સહિતનાં ગામોમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાતાં છેલા, વોકળા વહી નીકળ્યા હતા. વિભાપર, ગંગોણ (બે)-રોહા, વેરસલપર, માધાપર, મંગવાણા, જિયાપર, પલીવાડ વિસ્તારમાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડયો હતો. નખત્રાણા બસ સ્ટેશનના પાછળના વિસ્તારમાં છેલામાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં અને પાણીનો વેગ વધુ હોવાથી પોણો કલાક ટ્રાફિકજામ થયો હતો. મોટી વિરાણી, સુખપર, દેવસર ગામોમાં માત્ર ઝાપટાં સ્વરૂપે મેઘરાજાની પધરામણી થઈ હતી. રસલિયાના પ્રદીપભાઈ સચદે, કાદિયાથી ભગવાનદાસ ઠક્કર, લખનભાઈ કોઠારી (વિભાપર)એ સારો વરસાદ થતાં ખેતી માટે આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. નખત્રાણામાં હીરાલાલ સોનીએ જણાવ્યું હતું કે, મુખ્ય બજારમાંથી પસાર થતા છેલામાં રોડ ઊંચો હોવાથી પાણી દુકાનો અને રહેણાકમાં જશે તેવી દહેશત ઊભી થઇ હતી. વરસાદ થંભી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તંબુ અને હાથલારી તણાયા : બસ સ્ટેશન પાસે કોઝવેમાં પાણીનું એટલું વધારે જોર હતું કે શાકભાજીવાળાના તંબુ અને હાથલારી પાણીમાં તણાયા હતા. મહિલાને ઈમરજન્સી કેસમાં લઈ જતી એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. નખત્રાણાના આ કોઝવે પર પુલો બનાવવા પણ લોકમાંગ વધી છે. મામલતદાર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં નખત્રાણા ખાતે સત્તાવાર 39 મિ.મી. વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ વરસાદ 107 મિ.મી. થયો છે.

ગઢશીશામાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં : ગઢશીશા પંથકમાં બપોરે બે વાગ્યે ગાજવીજ વધારે, પણ વરસાદ માત્ર અડધો ઈંચ પડતાં લોકોએ ગાજ્યા મેઘ વરસ્યા નહીં તે ઉક્તિને સાર્થક ગણાવી હતી. પિયત ખેતી માટે પ્રથમ વરસાદ ફાયદો કરાવશે. હમલા મંજલ, ગાંધીગ્રામ, નાની-મોટી ભાડઈ, ગંગાપર, નાના-મોટા રતડિયા, રત્નાપર, મઉં ખાતે અડધો ઈંચ વરસાદ પડયો હોવાનું વિપુલ રામજિયાણી, રઘુવીરસિંહ જાડેજાએ કહ્યું હતું. દેવપર (ગઢ), દનણા, જેસરવાંઢ, દુજાપર, વડવાકાંયા, રાજપર, વિરાણી, આશરાણી, ભેરૈયા, વરઝડી, ઘોડાલખ વિસ્તારમાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો.

બાબિયા-બેરાજામાં એક ઈંચ : મુંદરા તાલુકાના બાબિયા તથા બેરાજામાં એક ઈંચ વરસાદ થતાં ખેડૂતોએ વાવણીલાયક વરસાદથી આનંદ વ્યક્ત કર્યો હોવાનું ઉપસરપંચ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

વિથોણમાં પોણો ઈંચ : પંથકના ભડલી, થરાવડા, રાણારા, લક્ષ્મીપર, કલ્યાણપર, નાની મંજલ, આણંદસર, સાંયરા (યક્ષ), સુખસાણ, દેવપર, આણંદસર, મોરજર, ધાવડા પંથકમાં બપોરે ત્રણ વાગ્યે પોણો ઈંચ વરસાદ પડયો હતો. રામમોલ માટે ખેડૂતો વધુ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

અબડાસામાં પણ મેઘમહેર : અબડાસા તાલુકાના ઘરડા પંથક વાયોર, બેર વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી હતી. પવન અને ગાજવીજ સાથે એક ઈંચ વરસાદ પડયો હતો. જખૌમાં પણ મેઘમહેર થઈ હતી. સણોસરા, રાતા તળાવ, ડુમરા, મોથાળા, બિટ્ટા અને તેરા પંથકમાં સારો વરસાદ પડતાં આનંદની લાગણી વ્યાપી હતી.

કોઠારામાં અડધોથી પોણો ઈંચ : કોઠારામાં પોણો ઈંચ વરસાદ પડયો હોવાનું મનોજ સોનીએ જણાવ્યું હતું. વરાડિયાના મજીદ મિત્રી, આરીખાણાના હિતેશ ઠક્કરે સુથરી, ખુડા, બેરા, આધાપરમાં અડધો ઈંચ વરસાદ થયો હોવાનું જણાવ્યું હતું. ડુમરા, મંજલ, લઠેડી, નારણપર, વરંડી મોટી, વિંઝાણ, ગઢવાડા, ધનાવાડા વિસ્તારમાં પણ મેઘમહેર થઈ હતી.

નેત્રામાં ફરી વીજતણખા ઝર્યા : બસ સ્ટેશન પાસે ચાર દિવસમાં બીજીવાર વીજવાયર બળી જતાં તણખા ઝર્યા  હતા અને શોર્ટ શર્કિટ થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સરપંચ બહાદુરસિંહ જાડેજાએ વીજરેસા બદલવાની માંગ કરી હતી. નેત્રમાં એક ઈંચ તથા રામપર, પિયોણી, સાંગનારા, અંગિયામાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો.

ભિટારામાં બે ઈંચ વરસાદ : ભિટારા વિસ્તારમાં બપોર બાદ એક કલાકમાં બે ઈંચ વરસાદ પડયો હોવાનું રૂપસંગજી જાડેજાએ જણાવ્યું હતું. ફોટ મહાદેવ વિસ્તાર, રામપર-પિયોણીમાં સવા ઈંચ વરસાદ પડયો હોવાનું મુસાભાઈ લોહારે જણાવ્યું હતું.

અકરી મોટીમાં અડધો ઈંચ : વાયોર, જેઠમલપર, ઉકીર, વાગોઠ, ફુલાય, વાગાપદ્ધર, સારંગવાડા, ચરોપડી મોટી, કરમટા, અકરી મોટી, લાખાપર, થુમડી, બેર મોટી, રામવાડા, ભગોડીવાંઢ, ગોલાય, હોથિયાઈ, ખારઈ, હરોડા, પખો ઉકળાટ બાદ અડધો ઈંચ વરસાદ પડયો હતો. ઘાસચારા માટે વરસાદ ફાયદાકારક હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું.

ગાંધીધામમાં ભારે ઝાપટું પડયું : ગાંધીધામમાં મોસમના પ્રથમ વરસાદમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યા બાદ આજે દિવસભર અસહ્ય ગરમીમાં નાગરિકો શેકાયા હતા. સૂર્યનારાયણ દેવતાની વાદળોમાં સંતાકૂકડી વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યે સારું એવું ઝાપટું પડયું હતું, જેને કારણે શહેરના મુખ્ય વિસ્તાર સહિતના માર્ગ ઉપર પાણી વહી નીકળ્યાં હતાં. વરસાદને લઈને શહેરના આંતરિક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસનાં કામો કરવામાં આવ્યાં છે. ગટર અને પાણીની લાઈન નાખવા કામગીરી બાદ અનેક સ્થળોએ જમીનમાં ભુવા પડયા હતા. ભરાયેલાં પાણી અને કીચડને લઈને નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભારતનગર વોર્ડ નં. 9/બીમાં  મુખ્ય રોડમાં પાણી ભરાતાં દયનીય સ્થિતિ બની હોવાની ફરિયાદ ઊઠી હતી. જરામાત્ર વરસાદમાં જળભરાવની સ્થિતિ થાય છે, તો વધુ વરસાદમાં શું પરિસ્થિતિ થશે તેની કલ્પના જ ધ્રૂજાવી દેતી હોવાનું રહેવાસીઓએ રોષ સાથે જણાવ્યું હતું.

નલિયા-કોટડા રોડ એક કલાક બંધ

ભારે ઉકળાટ બાદ સાંજે ચાર વાગ્યે દોઢ ઇંચ વરસાદ થયો હતો. ભૂખી નદીમાં ઉપરવાસના વરસાદના કારણે વેગભેર પાણી વહ્યાં હતાં, પરિણામે નલિયા-કોટડા-રોડ વાહનચાલકો માટે એક કલાક રસ્તો બંધ રહ્યો હતો. કપાસ, મગફળી, એરંડાના પાકને ફાયદો થશે, તેવું તનસુખભાઇ ખેતાણીએ જણાવ્યું હતું. કોટડાના ધોળા તળાવ, ભોજરાઇ તળાવમાં નવાં પાણી આવ્યાં હતાં.

લખપતના ખારઇમાં ઝાપટાં

લખપત તાલુકાના ખારઇ, જાડવા, પીપર વિસ્તારમાં હળવાં ઝાપટાં સાથે મેઘરાજાએ હાજરી પુરાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang