• રવિવાર, 30 જૂન, 2024

અંજાર-મોખાના યુવાન પાસેથી પઠાણી ઊઘરાણી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 27 : અંજારમાં રહેતા યુવાને 10 ટકા લેખે વ્યાજે પૈસા લઈ હપ્તા ચુકવી આપ્યા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરાતા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેમજ મુંદરાના મોખામાં રહેનાર યુવાનને ઉંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરાતા અંજારની મહિલા સામે ગુનો દર્જ થયો હતો. અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા અને મહેતા રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા ફરિયાદી રાજેશ અજીતરાય મહેતાને એકાદ વર્ષ પહેલા આકસ્મિક રીતે રૂપિયાની જરૂરીયાત ઉભી થઈ હતી. જેથી ફરિયાદીએ સબિર તુર્ક પાસેથી 10 ટકા વ્યાજ લેખે રૂા. 1 લાખ લીધા હતા અને રૂા. 1,22,000ની ભરપાઈ કરી હતી તેમજ ખેડોઈના કિશોરસિંહ જાડેજા પાસેથી પણ 10ટકા વ્યાજ લેખે રૂા. પ0,000 લીધા હતા. જેમાં રૂા. પ8,000ની ભરપાઈ કરી હોવા છતાં આ બંને તેમજ તેમના માણસો મજીદ બાયડ તથા ધર્મેન્દ્રસિંહ ફરિયાદીને હજ પણ તમારા પૈસા આપવાના બાકી હોવાનું કહી નહીં આપે તો કોરા ચેકમાં મન ફાવે તેવી રકમ નાખી કોર્ટ કેસ કરશું તેમજ રૂપિયા નહીં આપે તો ઘરની બહાર નિકળવા નહીં દઈએ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા હતા. આ ચારેય વિરુદ્ધ અંજાર પોલીસે ગુનો દર્જ કર્યો હતો. તેમજ મોખાના શ્રમિક અકબર રહેમતુલ્લાસમાને ધંધા અર્થે રૂપિયાની જરૂરીયાત ઉભી થતાં તેમણે અંજારમાં રોયલ માઈક્રો ફાયનાન્સ ઓફિસમાં રીયાબેન ગોસ્વામી પાસેથી 10 ટકા વ્યાજ લેખે રૂા. 40,000 લીધા હતા જે પૈકી રૂા. 72,000 ભરી નાખ્યા હોવા છતાં ફરિયાદીને અંજાર બોલાવી તેમનું બાઈક જમા લેવામાં આવ્યું હતું અને હજુ રૂપિયા ન આપે તો કોરા ચેકમાં મનફાવે તેવી રકમ ભરી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang