• રવિવાર, 30 જૂન, 2024

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી

લોકસભા ચૂંટણીની મોટી જવાબદારી પાર પાડયા પછી ચૂંટણીપંચે હવે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોઈપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય, આ માટે મતદાતા સૂચિ પુન: નિરીક્ષણ સહિત સુગમ-સુરક્ષિત સ્થાનો પર મતદાન કેન્દ્ર સ્થાપિત કરવાની પ્રક્રિયા પચીસમી જૂનથી શરૂ થવાની છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓને એ માટે પણ શક્તિ મળી છે. કારણ કે, હાલમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીઓમાં જમ્મુની સાથોસાથ કાશ્મીરના લોકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. આનાથી એ સ્પષ્ટ થયું છે કે, ખીણના લોકો મુખ્ય પ્રવાહમાં સામેલ થવા તૈયાર છે અને તેઓ લોકતાંત્રિક પ્રક્રિયાની મહત્તાને પણ સમજી રહ્યા છે. કાશ્મીરમાં આતંકની અસર ઓછી થવાથી આ શક્ય બન્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે શ્રીનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહી જમ્મુ-કાશ્મીરના લોકોની આશાઓ જગાવવાનું કામ કર્યું છે કે, તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં અવશે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તૈયારીઓનો સંકેત ચૂંટણીપંચ દ્વારા મતદાતા સૂચિ વ્યવસ્થિત કરવાની ઘોષણાઓથી પણ મળ્યો હતો અને ભાજપ દ્વારા ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવાથી પણ. મોદી સરકાર જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની પ્રતિબદ્ધતા અનેક વખત વ્યક્ત કરી ચૂકી છે, પણ એ પહેલાં મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની કેટલીક સમસ્યા ઉકેલવી પડશે. કલમ 370 હટાવ્યા પછી અનેક પગલાં લેવાનાં બાકી છે. ઉદાહરણ તરીકે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનાં પગલે કાશ્મીરમાંથી લાખો કાશ્મીરી હિન્દુ પલાયન માટે વિવશ બન્યા હતા, તેઓને ફરી પાછા લાવી અહીં વસાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે, આના માટે તેમને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી મળે એ આવશ્યક છે. કાશ્મીરમાં કાશ્મીરી પંડિત તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી ગયેલા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, એ વાસ્તવિકતા છે. આથી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપતાં પહેલાં એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે, જેને લઈ જે કાશ્મીરી પંડિતો પોતાનાં ઘરે પાછા ફરવા તૈયાર થાય, તેઓ આમ કરવાને સમર્થ બને, સાથે એવાં પગલાં લેવાની પણ આવશ્યક્તા રહેશે કે આતંકવાદીઓના સમર્થક ચૂંટણી પ્રક્રિયાનો લાભ ન ઉઠાવી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang