• રવિવાર, 30 જૂન, 2024

ગાંધીધામમાં કોલેરાના શંકાસ્પદ લક્ષણો જણાતાં આરોગ્યતંત્ર એક્શન મોડમાં

ગાંધીધામ, તા. 27 : જિલ્લાનાં માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાંની સાથે આરોગ્યતંત્ર સાબૂદ બન્યું છે, ત્યારે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં પણ શંકાસ્પદ કોલેરાના કેસો જણાતાં આરોગ્યતંત્રે સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી આરંભી છે. આ ઉપરાંત નાગરિકોની આરોગ્ય જાળવણી અર્થે પીવાનું પાણી સુપર કલોરીનેશન સાથે વિતરણ કરવા સહિતના મુદ્દે તકેદારી રાખવા સ્થાનિક આરોગ્યતંત્રે પાલિકાને પત્ર લખ્યો હતો. અગાઉના બનાવને ધ્યાનમાં રાખીને તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે જરૂરી હોવાનો સૂર જાણકારો વ્યકત કરી રહ્યા છે. વરસાદી માહોલનાં કારણે સંકુલમાં ઠેરઠેર પાણી ભરાવા સાથે ગંદકીના ગંજ ખડકાયા છે. આ સંજોગોમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર એકશન મોડમાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બિહારથી આવેલા અને કાર્ગો વિસ્તારમાં રહેતા પાંચ વર્ષીય બાળકને ઝાડાની સાથે શંકાસ્પદ કોલેરાના લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગે આ બાળકના રહેણાક વિસ્તારની આજુબાજુ સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાલુકા આરોગ્ય વિભાગે પાલિકાના મુખ્ય અધિકારીને - તાલુકા વિકાસ અધિકારીને પાઠવેલા પત્રમાં કાર્ગો વિસ્તારમાં શંકાસ્પદ ઝાડા -ઊલટીના કેસને લઈને શહેરમાં પીવાનું પાણી સુપર કલોરીનેશન સાથે કરવા પાણી વિતરણ કરવા જણાવ્યું હતું. વધુમાં શહેરમાં ખાણી-પીણીની લારીઓ  અને દુકોનોમાં ચેકિંગ કરવા આ પત્રમાં ઉમેર્યું હતું. આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ગટર લીકેજ બંધ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સૂતરિયાનો સંર્પક કરતાં તેમણે શંકાસ્પદ કેસના બનાવને સમર્થન આપ્યું હતું. વધુમાં તેમણે શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવા, ગરમ અને તાજો ખોરાક જ આરોગવા, કુદરતી હાજતે ગયા બાદ હાથ સાબુ વડે ધોવા વિગેરે મુદ્દે તકેદારી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. વરસાદી માહોલ વચ્ચે સંકુલના વિવિધ વિસ્તારમાં પાણીનો ભરાવ થયો છે. પાલિકા દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાતી નથી. ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુધરાઈ દ્વારા યુદ્ધનાં ધોરણે કાર્ય કરવામાં  આવે તેવી માંગ ઊઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીધામના વાવાઝોડાં કેમ્પ વિસ્તારમાં ઝાડા -ઊલટીના કેસ અનેક ઘણા બહાર આવ્યા હતા જેમાં બે જણનાં મોત નીપજ્યાં હતાં. આવી પરિસ્થિતિ સંકુલમાં ન સર્જાય તે માટે આગોતરા પગલાં લેવાય તેવો મત જાગૃત નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang