• રવિવાર, 30 જૂન, 2024

પેપર લીક મુદ્દે રાજકારણ નહીં, ઉકેલ જરૂરી

નવી દિલ્હી, તા. 27 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સંસદનાં બન્ને ગૃહના સંયુક્ત સત્રમાં પોતાના અભિભાષણમાં કટોકટી, પેપર લીક વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કટોકટી બંધારણ ઉપર સીધો હુમલો હતો. જેનાથી આખા દેશમાં હાહાકાર મચ્યો હતો. જો કે દેશે આવી ગેરબંધારણીય શક્તિ ઉપર વિજય મેળવ્યો છે. પેપર લીક મામલે તેમ હતું કે, સરકારનો સતત પ્રયાસ છે કે યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે. એટલે સરકારે પેપર લીકની નિષ્પક્ષ તપાસ સાથે દોષિતોને કડક સજા અપાવવા કામ શરૂ કર્યું છે. આવી ઘટનાઓ મામલે રાજનીતિથી ઉપર આવીને દેશવ્યાપી સમાધાન લાવવું જોઈએ. રાષ્ટ્રપતિ મુર્મુએ સંબોધનમાં કેન્દ્રની મોદી સરકારનાં છેલ્લાં 10 વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. અભિભાષણની શરૂઆત કરતા પહેલા રાષ્ટ્રપતિએ તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા અને લોકસભા ચૂંટણી સંપન્ન કરાવવા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. તેમણે જમ્મુ કાશ્મીર માટે કહ્યું હતું કે, આ વખતે ખીણમાં દશકોનો રેકોર્ડ તૂટયો  છે. મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સરકાર તરફથી  પેપર લીક વિરોધી કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમની સરકાર અર્થવ્યવસ્થાના ત્રણેય સ્તંભને બરાબર મહત્ત્વ આપી રહી છે. પીએલઆઇ યોજનાઓ અને વેપાર કરવામાં સરળતાથી મોટા પાયે રોકાણ અને રોજગારના અવસર વધી રહ્યા છે. પારંપરિક સેક્ટર સાથે સાથે ઊભરતાં ક્ષેત્રને પણ મિશન મોડ ઉપર પ્રોત્સાહન મળી રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, છ દશક બાદ દેશમાં પૂર્ણ બહુમત ધરાવતી સ્થિર સરકારની છે. લોકોએ ત્રીજી વખત આ સરકાર ઉપર ભરોસો બતાવ્યો છે. લોકોને ખ્યાલ છે કે માત્ર આ જ  સરકાર તેમની આકાંક્ષા પૂરી કરી શકે તેમ છે. 18 લોકસભા ઘણી રીતે ઐતિહાસિક છે. આ લોકસભાની રચના અમૃતકાળનાં શરૂઆતી વર્ષમાં થઈ છે. સરકાર કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ દુરંદેશી ધરાવતી નીતિઓ અને ભવિષ્યવાદી દૃષ્ટિકોણનો પ્રભાવી દસ્તાવેજ બનશે. ખેડૂતોનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કિસાનોને 20 હજાર કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કિસાનોને વધુમાં વધુ આત્મનિર્ભર કરવામાં આવશે. તેમની સરકારે કિસાનોના વિકાસ ઉપર વધારે ધ્યાન આપ્યું છે. એવી ઘણી યોજના આવી છે જે કિસાનો માટે લાભકારી બની છે. સરકાર કૃષિ ઉત્પાદનોનાં ભંડારણની દિશામાં કામ કરી રહી છે. કૃષિ ઉપજો માટે એમએસપીમાં વૃદ્ધિ કરવામાં આવી છે અને દુનિયાભરમાં જૈવ ઉત્પાદનોની માગ વધી રહી છે. ભારત આ માંગ પૂરી કરવા સક્ષમ છે. રાષ્ટ્રપતિએ અભિભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે, વિકસિત ભારતનું નિર્માણ ત્યારે જ સંભવ છે જ્યારે દેશના ગરીબ, યુવા, મહિલાઓ અને કિસાન સશક્ત બનશે. આ તમામને સરકાર પ્રાથમિકતા આપી રહી છે. સરકારનું લક્ષ્ય દરેક સરકારી યોજનાનો લાભ લોકોને પહોંચાડવાનો છે. ભારત એવી ઈચ્છાશક્તિ સાથે કામ કરી રહ્યું છે કે એક પણ વ્યક્તિ સરકરી યોજનાથી વંચિત ન રહે. રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું હતું કે, તેમની સરકારે નોર્થ ઇસ્ટને ભંડોળમાં 10 ગણો વધારો કર્યો છે. ઉત્તર પૂર્વમાં દરેક ક્ષેત્રમાં વિકાસકાર્ય આગળ વધી રહ્યું છે. આસામમાં 27 હજાર કરોડના ખર્ચે સેમી કંડક્ટર પ્લાન્ટ બની રહ્યો છે. દેશમાં બેન્કિંગ ક્ષેત્ર પણ પાછલી સરકારની તુલનાએ ખૂબ જ મજબૂત થયું છે. જાહેર ક્ષેત્રની બેન્કોનો લાભ 2023-24માં 1.4 લાખ કરોડને પાર પહોંચ્યો છે. જે ગત વર્ષની તુલનાએ 35 ટકા વધારે છે. ભારતમાં પબ્લિક પરિવહન દુનિયામાં સૌથી સારું બને તેવાં માપદંડ ઉપર કામ થઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ બદલતા ભારતની યોજના બતાવી રહ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં રાષ્ટ્રની ઉપલબ્ધી અને વિકાસનો આધાર ગરીબનું સશક્તિકરણ રહ્યું છે. સરકારે પહેલા અનુભવ કરાવ્યો છે કે સરકાર તેમની સેવામાં છે. રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે બંધારણ બનાવવામાં આવતું હતું ત્યારે દુનિયામાં એવી તાકાતો હતી જે ભારત અસફળ થાય તેવી કામના કરી રહી હતી. દેશમાં સંવિધાન બન્યા બાદ તેના ઉપર અનેક હુમલા થયા છે. 25 જૂન, 1975માં કટોકટી લાગુ થઈ હતી. જે એક કાળો અધ્યાય છે. દેશમાં હાહાકાર મચી ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang