• રવિવાર, 30 જૂન, 2024

કોલેરાગ્રસ્ત માંડવીમાં આરોગ્ય કમિશનર પહોંચ્યા

માંડવી, તા. 27 : માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં તકેદારી લેવા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદભાઇ પટેલ સ્થાનિકે દોડી આવ્યા હતા. સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ અને સાવચેતીનાં પગલાં લેવા તથા ઝાડા-ઊલટીના કેસોને નિયંત્રણમાં લાવવા અને વધે તો શું શું તૈયારી રાખવી જે અંગે તંત્રને વાકેફ કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ તથા દાખલ થયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા, તે અંગે સ્થિતિ જાણી હતી. તે પૂર્વે મામલતદાર ઓફિસમાં પણ આરોગ્ય વિભાગની ટીમ, મામલતદાર, સુધરાઇની ટીમ અને તંત્ર વચ્ચે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યાં હતાં, ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં પાણીજન્ય આ રોગ કેવી રીતે અટકાવી શકાય તે અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, માંડવીમાં ઝાડા-ઊલટીના કુલ 78 કેસો નોંધાયા છે, જેમાંથી માત્ર એક કેસ કોલેરાગ્રસ્ત નોંધાયો છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા આરોગ્યની 25 ટીમ કાર્યરત છે તથા નગરપાલિકાને પાણી લીકેજ, પાણીનાં સ્થળો ચેક કરવાં, ખુલ્લામાં ખાદ્ય પદાર્થ ન રહે અને તેની ચકાસણી કરવી, ક્લોરીનવાળું પાણી પીવાય તેવી વ્યવસ્થા રાખવી, ટેબ્લેટ?વિતરણ વગેરે અંગે સૂચના આપી હતી. પ્રાંત અધિકારી ચેતનભાઇ મિશણ, આર.સી.એચ.ઓ. ડો. ખત્રી, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમાર, ઇન્ચાર્જ એસ.ડી.એચ. માંડવીના ડો. ઉદય, માંડવી મામલતદાર વિનોદભાઇ ગોકલાણી, આરોગ્ય અધિકારી ડો. કૈલાસપતિ પાસવાન, મુખ્ય અધિકારી સંજયભાઇ પટેલ, અર્બન હેલ્થ ઓફિસર ડો. અશ્વિનીબેન, ઇન્ચાર્જ ટી.ડી.ઓ. રેખાબેન વગેરે સાથે જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang