• રવિવાર, 30 જૂન, 2024

કડાકા-ભડાકા સાથે ભુજમાં મેઘરાજાની એન્ટ્રી: પોણા બે ઈંચ

ભુજ, તા. 27 : કચ્છ જિલ્લાના છ તાલુકામાં મેઘમહેર સાથે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે બપોરે પોણા બે ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં, તો એક જ વરસાદમાં રસ્તાઓમાં ખાડા પડી જતાં તંત્રની પોલ પાધરી થઇ હતી. ભુજમાં બપોરે બે વાગ્યા પછી વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. બે કલાકમાં પોણા બે ઈંચ (40 એમ.એમ.) વરસાદ પડી જતાં નગરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ઐતિહાસિક હમીરસર અને દેશલસર તળાવમાં પણ આવ ચાલુ થઇ ગઇ હતી. જો કે, આ બંને પ્રાચીન તળાવમાં ગટરમિશ્રિત પાણી પણ ભળતાં શહેરીજનોને આઘાત પણ લાગ્યો હતો. વાણિયાવાડ ચોકમાં સાત મહિના પહેલાં જ સીસી રોડ બન્યો છે, પણ કાંકરી દેખાવા માંડી છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાતાં ખાસ વૃદ્ધજનોને તકલીફ પડી રહી છે. કાપડના વેપારી વિનોદભાઇ ભાનુશાલીએ કહ્યું હતું કે, નવો રોડ બન્યો તેમાં લેવલિંગ કામ બરોબર નથી, તેથી પાણી ભરાય છે. સ્ટુડિયો ચલાવતા અજયભાઇ પારેખે કહ્યું હતું કે, અમારી દુકાન સામે અગાઉ ક્યારેય પાણી ભરાતું ન હતું, પરંતુ સાત મહિના પહેલાં વાણિયાવાડમાં રસ્તો બન્યા પછી તકલીફ ઊભી થઈ છે. રસ્તા બનાવતી વખતે પાણીનું વહેણ બદલાઇ ગયું છે. રોડ સમાંતર ન થતાં અહીં પાણી ભરેલું જ રહે છે. રોડનાં કામમાં પણ ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. વાણિયાવાડમાં શહેરના નાગરિક દિનેશભાઇ લુહાર મળી જતાં તેમણે રોષપૂર્વક કહ્યું હતું કે, નગરપાલિકા સફાઇ વેરો વસૂલે છે છતાં કાદવ-કીચડ કેમ થાય છે. સફાઇ કામદારો કાદવને પડયું રહેવા દે છે. અન્ય ફળફ્રૂટના વેપારીએ પણ કાદવમાં ઊભા રહી ધંધો કરવો પડતો હોવાની વેદના વ્યક્ત કરી હતી. છછ ફળિયાની સાંકડી ગલીમાં કચ્છમિત્રની ટીમ ખબર લેવા પહોંચી ત્યારે કમળાબેન ઝાલાએ કહ્યું હતું કે, વરસાદ પડતાં જ મકાન સામે ત્રણ ત્રણ ગટરની ચેમ્બરમાંથી કોક્રોચ, વંદા, કાનખજુરિયા બહાર નીકળી દીવાલ પરથી ચડીને ઘરમાં આવી જાય છે. ગટરની ચેમ્બર દૂર રાખવા કે સામેની સાઇડમાં રાખવા રજૂઆત કરી છે. કચરાના પણ ઢગ થઇ જાય છે અને ટેલિફોનના જોડાણ ન હોવા છતાં ટેલિફોનનો થાંભલો વર્ષોથી ઊભો છે, જે ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. અન્ય એક નાગરિકે સિમેન્ટ ચોક બની જતાં પાણી ભરાવાની સમસ્યા હલ થઇ ગઇ છે તેવું જણાવ્યું હતું. ન્યૂ સ્ટેશન રોડ પરના પાછળના ભાગે પ્લાયવૂડના ધંધા સાથે સંકળાયેલા હરીશભાઇ પટેલ તેમજ 40 વર્ષીય હોલસેલનો વેપાર કરતા જયેશભાઇ ઝોટા, ભાવિનભાઇ ગાંધીએ કહ્યું હતું કે બસ સ્ટેશન, વાણિયાવાડ વિસ્તારમાંથી 80 ટકા પાણી અહીંથી દેશલસર તળાવમાં જાય છે. વરસાદ દોઢ ઇંચ પડયો, પણ પાણી લાંબા સમય સુધી ભરેલાં રહે છે. કારણ કે વોકળા સુધી રોડનું લેવલિંગ કરેલું છે, અહીં પાંચ વખત માપ લઇ ગયા છે, સર્વે કરી ગયા છે, પણ કોઇ કાર્યવાહી થઇ નથી. વરસાદનાં પાણી સાથે ગટરનું પાણી પણ ભળી જાય છે. મહાવીર જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઇ ઠક્કરે પણ વરસાદી પાણી ભરાઇ જતા હોવાનું જણાવ્યું હતું, કોંગ્રેસ ભવનથી છેક આગળની શેરીમાં પણ પાણી ભરાતા હોવાનું રાજેશ સોલંકી અને જમીન લે-વેચનું કામ કરતા મેહુલ કોઠારીએ જણાવ્યું હતું. શનિધામ મંદિર સામે આવેલા ભક્તિ પાર્કના રહીશોએ સામાન્ય વરસાદમાં વીજધાંધિયા અંગે જણાવ્યું હતું કે, છેલ્લી ત્રણ રાતના રોજ એક વાગ્યે વીજ પુરવઠો નિયમિત થાય છે. રાત્રે ઝબૂક વીજળીનો દોર ચાલુ રહે છે. ઐતિહાસિક દેશલસરમાં બે ગટરો આવેલી છે અને એક ગટરની ચેમ્બરમાંથી પાણી બહાર નીકળીને તળાવમાં જઇ રહ્યું હતું. એક તો જળકુંભીથી તળાવ જાણે ભરાઇ ગયું છે, ઉપરાંત ગટરનાં પાણી તળાવમાં જઇ રહ્યાં છે, ત્યારે નગરપાલિકા નિરાકરણ કરે તેવો લોકોમાં સૂર ઊઠયો હતો. ભાનુશાલી નગર પાસે રઘુવંશીનગર નજીક વરસાદી આવમાં ઊભરાતી ગટરનાં પાણી ભળી જઇ ઐતિહાસિક હમીરસર સુધી પહોંચ્યાં હતાં. આ બાબતે જાગૃત નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. બીજીબાજુ ઉપરવાસમાં વરસાદ થતાં મોટા બંધની આવ શરૂ થઇ ગઇ હતી અને લોકો જોવા એકઠા થયા હતા. માધાપર હાઇવે પર નળવાળા સર્કલ પાસે પાણી ભરાતાં વેપારીઓએ રોષપૂર્વક કહ્યું હતું કે, દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે, પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. એક તો રોડ જર્જરિત થઇ ગયો છે, બીજું પાણી ભરાયેલું રહે છે. ભુજની ભાગોળે ખાવડા માર્ગે આવેલા પાલારા સીમાડામાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. ખેડૂતો અને માલધારીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. પવનની ગતિ વધુ હોતાં વૃક્ષોની ડાળીઓ નમી ગઇ હોવાની ઠેર ઠેર સ્થિતિ જોવા મળી હોવાનું વસંતભાઇ અજાણીએ જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરતાં અગાઉના 15 મિ.મી. વરસાદ પછી આજે 40 મિ.મી. વરસાદ નોંધાયો હતો અને મોસમનો કુલ વરસાદ 55 મિ.મી. થયો હોવાનું જણાવ્યું હતું. આકાશ હજુ વાદળોથી ભોરંભાયેલું હોતાં રાત્રે વધુ વરસાદની શક્યતા પણ જોવાઇ રહી છે.

રાપરમાં હાજરી

રાપર તાલુકામાં ચિત્રોડ, માણાબા, પેથાપર, ગાગોદર, ત્રંબૌ અને રાપરમાં છૂટા છવાયા ઝાપટાંરૂપે વરસાદે હાજરી પુરાવી હતી. ચિત્રોડથી મળતા અહેવાલ મુજબ બપોરે વરસાદી ઝાપટાં પડયાં હતાં, તો રાપરમાં પણ સાંજે ઘનઘોર મેઘાડંબર વચ્ચે ઝરમર રૂપે વરસ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang