• રવિવાર, 30 જૂન, 2024

ગાંધીધામની જાણીતી શિપિંગ કંપની બંધ કરવાના નિર્ણય બાદ પણ ચાલુ રખાતાં ફોજદારી

ગાંધીધામ, તા. 27 : શહેરની એક મોટી શિપિંગ કંપનીના ભાગીદારએ અન્ય ભાગીદારને નિવૃત્ત બનાવી ભાગીદારી ખત બનાવી તે બેંકમાં સાચા તરીકે ઉપયોગ કરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના સેક્ટર-3 વિસ્તારમાં રહેતા અને સંજીવની હોસ્પિટલ ચલાવતા ડો. યોગેશ વિઠ્ઠલદાસ જોશીએ મહેશ અરવિંદ જોશી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પિતા વિઠ્ઠલદાસ ગૌરીશંકર જોશીએ વર્ષ 1951માં એ.વી. જોશી એન્ડ સન્સ નામની શિપિંગ ફોરવર્ડિંગ, ક્લીયરિંગ નામની કંપની ચાલુ કરી હતી. બાદમાં વિઠ્ઠલદાસ આ કંપનીમાંથી નિવૃત્ત થતાં ફરિયાદીના મોટા ભાઈ અરવિંદભાઈ, સુરેશભાઈ, હેમંતભાઈ તથા ફરિયાદીએ સંભાળવાનું નક્કી કર્યું હતું. જેમાં પાછળથી અમુક ભાગીદાર નીકળી ગયા હતા. છેલ્લે અરવિંદભાઈની 52 ટકા, ફરિયાદીની 24 ટકા તથા અરવિંદભાઈના દીકરા મહેશની 24 ટકા ભાગીદારીમાં કંપની ચાલુ હતી. બાદમાં અરવિંદભાઈનું અવસાન થતાં કંપનીમાં કોની કેટલી ભાગીદારી તે નક્કી કરાયું નહોતું અને ફરિયાદી તથા મહેશ જોશી વચ્ચે મનમેળ ન રહેતાં કંપનીને વિસર્જન કરવાનું નક્કી કરાયું હતું. તા. 14/6/2020ના વિસર્જન ખત નોટરી લખાણ કરી કંપનીનું વિસર્જન કરાયું હતું, જેમાં હિસાબ પેટે ફરિયાદીને રૂા. 6,42,91,131 આપવામાં આવ્યા હતા. કંપનીનું વિસર્જન કરવા છતાં મહેશ જોશીએ કંપની બંધ કરી નહોતી. કંપનીના બેંક ખાતામાં ફરિયાદીએ તપાસ કરતાં ખાતામાંથી ફરિયાદીનું નામ નીકળી ગયું હતું અને મહેશ જોશીના પત્ની કૃતિકાનું નામ ઉમેરી નાખવામાં આવ્યું હતું. ફરિયાદીએ બેંકમાંથી કાગળો માગતાં જેમાં કંપનીની ભાગીદારીના કાગળો તથા અરવિંદ જોશી કંપનીનું ભાગીદારી ખત હતું. જેમાં આ કંપનીમાંથી ફરિયાદીને નિવૃત્ત ગણાવી ભાગીદાર તરીકે કૃતિકા જોશીનું નામ ઉમેરવામાં આવ્યું હતું તથા નિવૃત્ત ભાગીદાર તરીકે ફરિયાદીનું નામ હતું તેમાં તેમની ખોટી સહી કરવામાં આવી હતી અને તે દસ્તાવેજને બેંકમાં સાચા તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang