• રવિવાર, 30 જૂન, 2024

માંડવી કોલેરાગ્રસ્ત જાહેર થતાં નગરજનોને ધ્રાસકો

દેવેન્દ્ર વ્યાસ દ્વારા

માંડવી, તા. 27 : કોરોનાના કકળાટ પછી ગત વર્ષે બિપોરજોયે તાલુકાના જીવ અદ્ધર કરી દીધા તેમાંથી માંડ કળ વળે ત્યાં અપૂર્વ રીતે સમગ્ર શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં જનતાને ધ્રાસકો પડયો છે તેની સમાંતરે ગઈકાલે નગર સેવા સદન તંત્રે લોહાર ચોક પાસેના રામ મંદિર નજીક ગંદાં પાણીની ભેળસેળવાળા પેયજળને વહન કરતી લાઈનો `ફોલ્ટ પોઈન્ટ' શોધી અને લાઈન બંધ કરી દીધી હોવાનો દાવો કરાયો હતો. ગરબી ચોક વિસ્તારમાંથી જૂના સ્વામિનારાયણ મંદિર, હવેલી ચોક, ખુની ચકલો વગેરે વિસ્તારને પાણીનો પુરવઠો પુરો પાડતી 18 ઈંચનો વ્યાસ ધરાવતી એ મુખ્ય લાઈન લોખંડના બંધિયા વડે બંધ કરીને સિમેન્ટ વડે સુરક્ષિત કરાઈ છે. એ સિવાયના શંકાસ્પદ એરિયા સેન્ટ્રલ બેંક પાસે ફોલ્ટ શોધવાનું અભિયાન જારી રખાયું છે. સમાંતરે માંડવી-મસ્કા વચ્ચે રહેણાક વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ગટરલાઈન વ્યવસ્થા નહીં હોવાથી ગંધાતું પાણી ગંદુ જળાશય બિહામણા રોગચાળા વેળાએ જનઆરોગ્ય સામે ખતરાની ઘંટી હોવાનું જાગૃતોએ ભવાં ચડાવતાં દર્શાવ્યું હતું. દરમ્યાન કોલેરા નિયંત્રણ અધિકારી અને મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ પરિસ્થિતિ કાબુમાં હોવાનો સધિયારો આપતાં તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. પાલિકાના ઓ. એસ. ચેતનભાઈ જોશી, પાણી પુરવઠા વિભાગના રાજેશ ગોરે લોહાર ચકલા પાસે મુખ્ય લાઈન પસાર થાય છે ત્યાં મોટી ક્ષતિ શોધી શકાઈ હોવાનો દાવો કરીને શંકાના દાયરામાં આવતા અન્ય વિસ્તારો ઉપર ફોલ્ટ શોધ જારી હોવાનું કહેતા સુપર કલોરીનેશન કામગીરી તેજ બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે જ્યાંથી પોઝીટીવ કેસ મળી આવ્યા છે અને ઝાડા ઉલ્ટીના કેસો પાધરા થયા છે એવો વિસ્તાર ગરીબ, રંક આબાદીનો છે. વધુમાં દબાણો વગેરેના લીધે કાયદેસરના ગટર, નળ જોડાણો લેવાયા નહીં હોવાથી ચોમાસામાં વરસાદી વહેણ સાથે દુષિત પાણી ભળવાની સંભાવના ચિંતાનું કારણ બની શકે તેમ હોવાનું નકારાતું નથી. સદનસીબે હજુ સુધી ટેસ્ટીંગ પછી કોલેરાનો એક જ કેસ નિશ્ચિત થયો છે જ્યારે 4-પ કેસો શંકાના દાયરામાં હોવાથી સેમ્પલ લેવાયા છે. અતિશય ગરમી અને વરસાદ જેવી મિશ્ર ઋતુ ઝાડા ઉલટીના કેસો માટે ઊંટની અસવારી સમાન લેખાવાયું હતું. બીજી બાજુ શંકાસ્પદ હોય એવા બસ્સો કોલેરાવાળા હોવાનું જાણવા મળ્યું હતું. શહેરની ભૂરચના જોતાં અનેક વિસ્તારો કે જ્યાં નીચાણ-ઢાળ છે ત્યાં પેયજળ ચોવીસ કલાક આવતું હોવાથી રોગ ફેલાવા સામે નિયંત્રણ વધુ જાગૃતિ માગી લે તે સ્વાભાવિક છે. તંત્ર બે ડઝન જેટલી ટીમો વડે ફોલ્ટ ચેક કરવા સરવે કામગીરી, આનુસંગીક કાર્યવાહી વગેરેમાં દોડતું રહ્યું છે. વીતેલી સદીઓને ઉખેડવામાં આવે તો પ્લેગ, કોલેરા જેવા જીવલેણ રોગોએ માંડવી શહેર, પંથકને બરાબરનું બાનમાં લીધું હોવાનો ધડો લેવા જાગૃતો સલાહ આપી રહ્યા છે. દરમ્યાન શહેરી વિસ્તાર અને મસ્કાના ગ્રામ્યની સીમાઓ મળતી હોય એવા સોસાયટી વિસ્તારની ખુલ્લી, ગંદકી આરોગ્ય માટે પડકાર અને ચિંતાનો વિષય તરીકે પ્રબુદ્ધ નાગરિકોએ આગળ કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang