• રવિવાર, 30 જૂન, 2024

બારોઇમાં મહિલાએ કેન્સરથી કંટાળી એસિડ પી લેતાં મોત

ભુજ, તા. 27 : મુંદરાના બારોઇના 37 વર્ષીય મહિલા સલમાબાનુ રમજાન ઇબ્રાહીમ ગોયલે કેન્સરની બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી લેતાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે મૂળ રાજસ્થાન હાલે નખત્રાણા રહેતા 50 વર્ષીય આધેડ રામખેલાડી તેજસિંગ રાજપૂતને આજે ગરમીના લીધે ચક્કર આવતાં પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. મુંદરાના બારોઇમાં રહેતા 37 વર્ષીય મહિલા સલમાબાનુ રમજાન ઇબ્રાહીમ ગોયલ કેન્સરથી પીડિત હતા અને ત્રણવાર શત્રક્રિયા કરાવી હતી. આ બીમારીથી માનસિક તથા શારીરિક રીતે કંટાળીને તેમણે પોતાના ઘરે ગત તા. 19/3ના એસિડ ગટગટાવી લીધું હતું. ચાલુ સારવાર દરમ્યાન તેમનું તા. 23/3ના ડીસાની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગઇકાલે મુંદરા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. મૂળ રાજસ્થાન જોધપુર બાજુના હાલે નખત્રાણાના મણિનગરમાં રહેતા 50 વર્ષીય આધેડ રામખેલાડી તેજસિંગ રાજપૂતને આજે સવારે 10 વાગ્યાના અરસામાં ગરમીના લીધે ચક્કર આવતાં તે પડી ગયા હતા. આથી તેઓને નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો દરમ્યાન ગરમીના લીધે ચક્કર આવવાથી મોત નીપજવાના બનાવ કચ્છમાં વધ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang