• રવિવાર, 30 જૂન, 2024

લોકસભાના સ્પીકર ઓમ બિરલા : વિપક્ષનો શરતી દુરાગ્રહ નિષ્ફળ

ભારતની સંસદના ઈતિહાસમાં ત્રીજી વખત લોકસભાના સ્પીકરની `ચૂંટણી' થઈ છે. અલબત્ત - શાસક એનડીએના પક્ષે 297 સભ્ય હતા અને વિપક્ષ પાસે 232 સભ્ય હતા, પણ વિધિસર મતદાનને બદલે `ધ્વનિમત'થી લોકસભામાં ત્રીજી વખત ચૂંટાયેલા ભાજપી સિનિયર નેતા ઓમ બિરલા બીજી વખત સ્પીકર પદે બિરાજ્યા છે. ઈન્ડિ મોરચાના ઉમેદવાર કે. સુરેશ હતા, પણ ધ્વનિમત પછી વિપક્ષે `મતદાન'નો આગ્રહ નહીં રાખતાં ઓમ બિરલા અઢારમી લોકસભાના સ્પીકર ઘોષિત થયા છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને અભિનંદન આપ્યાં અને સ્પીકરના સિંહાસન સુધી એમને દોરી ગયા ત્યારે સંસદમાં સહકાર અને સદ્ભાવનાની જાગેલી આશા ક્ષણભંગૂર નીવડી. અધ્યક્ષ ઓમ બિરલાએ ઈમર્જન્સીની પચાસમી વરસીનો ઉલ્લેખ કરીને બે મિનિટ મૌન પાળવાનો અનુરોધ કર્યો ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોના સભ્યોએ ધાંધલ મચાવીને વિરોધી કાર્યવાહીની શરૂઆત કરી દીધી. લોકસભામાં વધેલા સંખ્યાબળના આધારે સરકારને ભિડવવા માટે કોંગ્રેસ - વિપક્ષી નેતાએ આ પ્રથમ શુભ અવસર ઝડપી લીધો. આખરે કોંગ્રેસ સહિત સૌની ધારણા મુજબ ભાજપના ઓમ બિરલા વિજયી થયા, પણ ચૂંટણીનો આગ્રહ અથવા દુરાગ્રહ પાછળ સંખ્યાબળનાં પ્રદર્શન અને દબાણનો વ્યૂહ હતો. નાયબ સ્પીકર અમને મળે તો જ સ્પીકરની ચૂંટણીમાં સહકાર આપવાની શરત વડાપ્રધાન મોદીને માન્ય નહોતી, જે અપેક્ષિત - સ્વાભાવિક છે. વાસ્તવમાં નાયબ સ્પીકરની ચૂંટણીની ઉતાવળ નથી અને સમયમર્યાદા પણ નથી છતાં વિપક્ષનું દબાણ હતું અને વડાપ્રધાન મોદી બતાવવા માગતા હતા કે આવા દબાણને વશ થવાનો પ્રશ્ન જ નથી. ભાજપના સાંસદ અને એનડીએના ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો. કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. વિપક્ષ વતી કે. સુરેશના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આ પછી પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે ધ્વનિમતના આધાર પર ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષની જવાબદારી સંભાળવા માટે આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન ખાસ વાત એ રહી હતી કે, ઓમ બિરલાને આસન સુધી લઈ જવા માટે વડાપ્રધાન મોદી સાથે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સાથે ગયા હતા. રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. 2024ની સામાન્ય ચૂંટણીએ ભારતીય રાજકારણનાં અનેક સમીકરણોને બદલ્યાં છે. પડકાર હવે બન્ને પક્ષ સમક્ષ છે કે તેઓ સંસદીય કાર્યવાહીમાં ઔચિત્ય અને મર્યાદા કેવી રીતે સાબિત કરે છે. લોકસભાના મોટા ભાગના સભ્યો સ્પીકર ઓમ બિરલાથી પૂર્ણપણે પરિચિત નથી છતાં એમણે આગલી લોકસભામાં ગૃહનું સંચાલન કર્યું તેમાંથી યુવાન સાંસદો પ્રેરણા લઈ શકે છે. વડાપ્રધાન મોદીએ બિરલાના સ્પીકર તરીકેના કાર્યકાળની પ્રશંસા કરી એ સાથે મહત્ત્વની વાત એ મૂકી કે, તેઓ લગાતાર લોકસભામાં ચૂંટાઇને આવ્યા છે અને એક સંસદ સભ્યે પોતાના મતવિસ્તાર માટે કઇ રીતે કામ કરવું જોઇએ એનો દાખલો બેસાડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang