• રવિવાર, 30 જૂન, 2024

રગ્બીની અંડર-18 રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતના સારા દેખાવમાં કચ્છી ખેલાડીઓની ચાવીરૂપ ભૂમિકા

કેરા (તા. ભુજ), તા. 27 : બોલેવાડી પૂણે ખાતે અંડર-18 રગ્બી જુનિયર ચેમ્પિયનશિપ રમાઇ?રહી છે જેમાં કચ્છના મીત સામજી કેરાઇ (માંડવી), રસિક ગોવિંદ હીરાણી (માનકૂવા)એ લડાયક પ્રદર્શન કરતાં ગુજરાતની ટીમ ટોપ-10 પર પહોંચી છે. પોંડિચેરી સામે 40-7, ઉત્તરપ્રદેશ સામે 12-0, છત્તીસગઢ 17-12, કર્ણાટક 12-10 જીત મેળવી ગુજરાત ટોપ-10 પર આવ્યું હતું. પ્રારંભિક છ મેચમાંથી ચારમાં જીત મેળવી હતી જ્યારે પંજાબ અને ઝારખંડ સામે હાર ખમવી પડી હતી. કચ્છમાં રગ્બીનું વાતાવરણ ન હોવા છતાં જિલ્લાના કોચ સચિન વાગડિયા (માધાપર), પારસ ચૌધરી, જેતાભાઇ રબારી, મેહુલભાઇ જોશી, ગજેન્દ્રસિંહ સોઢાએ છાત્રોને તાલીમ આપી તૈયાર કર્યા હતા. મહારાષ્ટ્રના રગ્બી રમતપ્રેમીઓની ઉપસ્થિતિમાં ફેનકોડ પર જીવંત પ્રસારિત આ સ્પર્ધા ભારે રોમાંચક બની હતી. ગુજરાતમાં રગ્બી એસોસિયેશન દ્વારા રાજ્યની ટીમ બનાવાઇ હતી. ભારતીય રગ્બી ફૂટબોલ યુનિયન દ્વારા કચ્છના ખેલાડીઓને પસંદ કરાયા હતા, જેણે સારું પ્રદર્શન કરતાં રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધામાં મીત કેરાઇ અને રસિક હીરાણી પસંદ થતાં માંડવી અને માનકૂવાને ગૌરવ અપાવ્યું હતું. બંને છાત્ર માતુશ્રી આર.ડી. વરસાણી કુમાર છાત્રાલયના હોઇ નવનિયુક્ત આચાર્ય કોમલબેન ઠક્કર, ગૃહપતિ ભરત જોશી અને તાલીમી કોચને અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, કેળવણીકાર કેસરાભાઇ પીંડોરિયા, ટ્રસ્ટી કાંતાબેન વેકરિયાએ પ્રોત્સાહિત કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang