• રવિવાર, 30 જૂન, 2024

છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો પડકાર યથાવત્

છત્તીસગઢમાં નકસલવાદી હિંસાના પડકારને ડામવા માટેના તમામ સરકારી પ્રયાસો બાદ પણ તેમાં કોઇ ઝાઝી સફળતા મળતી ન હોવાની ચોંકાવનારી સ્થિતિ સતત સામે આવતી રહી છે.  સરકાર દ્વારા વિવિધ સ્તરે ઓપરેશન હાથ ધરીને નકસલવાદીઓને નિશાન બનાવાઇ રહ્યા છે. સલામતી દળોની ખાસ ટુકડીઓ સતત જાપ્તો રાખી રહી છે અને ગુપ્તચર તંત્રો પણ સતત સાબદા હોવાના દાવા છતાં નકસલવાદને પરાસ્ત કરવાના ઇરાદા સફળ  થતા જણાતા નથી. હાલત એવી છે કે, સલામતી દળોની સતત કાર્યવાહી અને સતર્કતા વચ્ચે તેમની ઉપર નકસલવાદીઓના હુમલાનું જોખમ યથાવત્ રહ્યંy છે. રવિવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ખાસ સલામતી દળ કોબરાની એક ટુકડી તેની છાવણીમાંથી પેટ્રોલિંગમાં જઇ રહી હતી ત્યારે નકસલવાદીઓએ આઇઇડીનો ધડાકો કરીને તેમને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા અને બીજા સંખ્યાબંધ ઘવાયા હતા. આ બનાવના બે દિવસ અગાઉ નારાયણપુરમાં સલામતી દળોની એક છાવણી પર નકસલીઓએ હુમલો કર્યો હતો, પણ જવાનોએ તેને મારી હટાવ્યો હતો. ઉપરા ઉપરી બનેલા આ બન્ને બનાવોથી નકસલવાદીઓએ તેમની તાકાત હજી યથાવત્ હોવાનો પડકાર સલામતી દળોને ફેંક્યો છે. આવા બનાવો બતાવે છે કે, નકસલ પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ ભારે નાજુક અને સંવેદનશીલ છે. આ સમસ્યાને કાબૂમાં લેવાના અત્યાર સુધીના તમામ પ્રયાસ બેઅસર રહ્યા હોવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે. આમ તો થોડા સમય અગાઉ કાંકેરમાં સલામતી દળોએ એક અથડામણમાં 29 નકસલવાદીને ઠાર કર્યા હતા, પણ આવી અસરકારક કાર્યવાહી છતાં નકસલવાદીઓની તાકાત તોડી શકાઇ ન હોવાનું ગયા સપ્તાહના બે હુમલા પરથી કહી શકાય તેમ છે.  ખરેખર તો આ સમસ્યાના ઉકેલ માટે અત્યાર સુધીની તમામ વ્યૂહરચના સફળ રહી ન હોવાની ચોંકાવનારી સ્થિતિ સરકાર સામે છે. આવામાં વધુ એક વખત સરકાર અને સલામતી દળોએ નવેસરથી વ્યૂહરચના ઘડવા પર ધ્યાન આપવું જોઇએ તે સમજી શક્યા તેમ છે. ખરેખર તો સરકાર જ્યારે નકસલવાદીઓની કમર તોડી નખાઇ હોવાનો અને તેમને કાબૂમાં લેવાયા હોવાનો જ્યારે દાવો કરે છે ત્યારે નિષ્ણાતો એમ માને છે કે, જો ખરેખર આવી સ્થિતિ હોય તો સરકારી તંત્રોએ નકસલવાદગ્રસ્ત વિસ્તારમાં લોકશાહીની સંસ્થાઓને મજબૂત કરવા અને વિકાસનાં કામો હાથ ધરીને લોકોની લાગણી જીતી લેવાનો વ્યૂહ અમલમાં મૂકવો જોઇએ. સરકાર જ્યારે માને છે કે, નકસલવાદ હવે એક નાના વિસ્તાર પૂરતો મર્યાદિત છે ત્યારે આવી કોઇ પણ હકારાત્મક પહેલથી સામાન્ય લોકોને અને નકસલવાદીઓને મુખ્યધારામાં પરત લાવવાનાં પગલાં સફળ થઇ શકે તેમ છે. જો કે, આ માટે સરકારના દાવાને ખોટા ઠેરવવાના નકસલવાદીઓના સતત પ્રયાસોને પણ પરાસ્ત કરવા માટે પણ સલામતી અભિયાનને સતત ચાલુ રાખવું અનિવાર્ય બની રહેશે. સલામતી અભિયાન અને લોકસંવાદ એમ બેસ્તરીય સંકલિત વ્યૂહરચના પર ધ્યાન અપાવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang