• રવિવાર, 30 જૂન, 2024

ટ્રમ્પની સ્વાર્થપ્રેરિત ગુલાંટ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન બાબત ગુલાંટ મારીને હવે અમેરિકાની કોલેજોમાંથી ગ્રેજ્યુએટ થનારા વિદેશી વિદ્યાર્થીઓને તેમના દેશમાં પરત જતાં અટકાવવા તેમણે આપોઆપ ગ્રીન કાર્ડ આપવાની વાત કરી છે. ટ્રમ્પે `ઓલ ઈન' નામના બ્રોડકાસ્ટમાં જણાવ્યું છે કે, આ વિદ્યાર્થીઓ તેમના દેશ ચીન અને ભારતમાં જઈ કંપનીઓ સ્થાપી લાખો લોકોને રોજગાર આપી કરોડપતિ બની જાય છે. ટ્રમ્પનાં આ પગલાંથી ભારતને મોટો લાભ થઈ શકે છે. 2022-23માં ભારતના 2,68,923 વિદ્યાર્થીને યુએસમાં ભણવા જવા માટે સ્ટુડન્ટ વિઝા મળ્યા છે. જે આગલાં વર્ષોની સરખામણીમાં 35 ટકા વધારે હતા. અત્યાર સુધી સ્થળાંતરિત અને નિર્વાસિતોને દેશ બહાર હાંકી કાઢવા હિમાયત કરનારા અમેરિકાના પૂર્વ પ્રમુખ અને ફરીથી પ્રમુખપદના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, તેથી અનેકોનાં ભવાં તણાયાં હશે. અમેરિકામાં પદવી મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાની તેમણે દર્શાવેલી નીતિ અને મંજૂરી મહત્ત્વની છે. અમેરિકામાં શિક્ષણ માટે આવતા વિદ્યાર્થીઓને સ્થાયી થવાની, કંપની શરૂ કરવાની ઈચ્છા હોય છે, પરંતુ નિયમોને લઈ તેઓને વતન પાછા ફરવું પડે છે. તેઓ વતન જઈ કરોડપતિ થાય છે અને હજારો રોજગાર નિર્માણ કરે છે, તેનો ફાયદો અમેરિકાને થવો જોઈએ, એવું ટ્રમ્પનું કહેવું છે. આમાં અમેરિકાને લાભનો સ્વાર્થ છે. હાલ અમેરિકામાં લગભગ દસ લાખ વિદેશી વિદ્યાર્થીઓ છે, તેમાં ત્રણ લાખ ચીનના અને બે લાખ ભારતીયો છે. તેમના પ્રમુખપદ કાળમાં એચવનબી વિઝાના નિયમ સૌથી વધુ કડક હતા. કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ લેનારાઓને અમેરિકાથી વતન મોકલવાની તૈયારી પણ તેમણે કરી હતી. સ્થાનિક રાષ્ટ્રવાદીઓનો ટેકો પણ તેમણે મેળવ્યો હતો. એમનું તાજું વિધાન અગાઉની ભૂમિકાથી છેડો ફાડનારું છે. મૂળ તો સમર્થન ગુમાવવાનો ભય નિર્માણ થયો હોવાથી તેમના મીડિયા સલાહકારોએ તુરંત ખુલાસો પણ કર્યો છે. `ફક્ત અમેરિકાના વિકાસ અને પ્રગતિમાં વધારો કરનારાઓને જ ગ્રીન કાર્ડ મળશે. ડાબેરી, કટ્ટર ઈસ્લામી, હમાસ સમર્થક અને અમેરિકાના વિરોધીઓને આમાં સ્થાન નહીં હોય.' એમ તેઓનું કહેવું છે. તેને લઈ ટ્રમ્પે ભૂમિકા સૌમ્ય કરી, આ ફક્ત રાજકીય `જુમલો' છે તે સમજવું જોઇએ. ગયા અઠવાડિયે અમેરિકાના પ્રમુખ અને ટ્રમ્પના પ્રતિસ્પર્ધી જો બાયડને અમેરિકી નાગરિકત્વના નિયમ શિથિલ કર્યા છે. દસ વર્ષ વસનારા અને અમેરિકાના નાગરિક સાથે લગ્ન કરનારાને નાગરિકત્વ આપવાની તેમની યોજનાથી લગભગ પાંચ લાખ લોકોને લાભ થઈ શકે છે. બાયડનને આનો રાજકીય ફાયદો મળવાની શક્યતા હોવાથી ટ્રમ્પે પોતાની ભૂમિકા હળવી કર્યાનું લાગે છે. તેમની લોકપ્રિયતા આજે પણ ભારે છે. તેઓ અમેરિકાના પ્રમુખ બને અને આ ભૂમિકા બાબત પગલાં ભરે તો અનેક ભારતીય વિદ્યાર્થીઓનાં અમેરિકામાં સ્થાનિક થવાનાં સ્વપ્ન સાકાર થઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang